Archive | નવેમ્બર 2012

ગોષ્ઠી

૨૫/૧૧/૨૦૧૨ ની સાંજ….  અર્થાત જિંદગીની યાદગાર સાંજોમાંની એક.

જે વ્યક્તિ સુક્ષ્મ રૂપે મનમાં મૌજુદ હોય એમને સ્થુળ રૂપે મળવાનો અવસર કેમ ચૂકાય? 

સુક્ષ્મ રૂપે એટલા માટે કે આ બ્લોગ ‘મનરંગી’ બનાવવા પાછળ ફક્ત અને ફક્ત આ જ વ્યક્તિ કારણભૂત છે. જેમની સાથેની એક દિવસની થોડી વાતો એ મને બ્લોગ માટે મજબૂર કરી એ માણસમાં દમ તો હોવાનો જ. બાકી આજ-કાલ કોણ કોનુ કહ્યુ કરે છે? 🙂

ત્યારની વાતો દરમ્યાન મેં કહ્યુ હતુ કે મને લખવાનું ગમે પણ સમય નથી રહેતો, નોકરી પછી રસોઈ, બચ્ચાને ભણાવવુ, આવા આવા કામ હોય છે. તો એ કહે છે કે,

“સાંજે ઘરે જઈ, રસોઈ કરીને બચ્ચાને ભણાવીશ ને પછી હું કાંઈક લખું!?!!? “- આ છે તમારું પહેલું લખાણ.

 baaju ma koik NotePad hoy to ema Utari lyo.

 ne sharu karo

 એક જવાબદાર સ્ત્રીની ઓળખ જ તમે એમાં આપી દીધી…હવે શું કરવું છે બોલો…”
 
બોલો હવે મારે તો કંઈ કરવાનું રહ્યુ, સિવાય કે બ્લોગ બનાવવા માટે ગંભીરતાથી વિચારૂ?
એમાંય પાછુ એમણે બળતી આગમાં ઈંધણ હોમ્યુ આમ કહીને કે…

You will Explore your OWN MAULI from inside and let her Travel Around the Universe

 Maa…aakho Divas Thodi Baalotiya Dhova ane Rasoi Banavva Mate Janamti Hoy chhe..
 Ene Pan Potaani ek aagvi Ichchao Hoy chhe ne!
ખલાસ…. 
મેં વિચાર્યુ કે આ માણસ કેટલો બધો પોઝિટિવ છે. મારી દરેક નકામી દલીલના કેટલા ખુબસૂરત જવાબ છે એમની પાસે. 
પોતાના અતિ વ્યસ્ત શિડ્યુલ વચ્ચે, ફક્ત નામની ઓળખાણ હોવા છતા તેઓ આટલો રસ લઈને મને સમજાવી રહ્યા છે. શા માટે? એટલે કે મારી મનની વાતો મનમાં જ ન રહી જાય.. એટલે કે હું દુનિયા સામે અભિવ્યક્ત થાઉં. 
મારા પરના એમના આ અટલ વિશ્વાસને તોડવાનો મારાથી દ્રોહ કેમ કરાય? 
હવે તો બ્લોગ બનાવ્યે જ છુટકો.
ને બસ એ જ દિવસે રાત્રે જ બ્લોગ બની ગયો અને સૌ પ્રથમ લિંક દરિયાપાર નાઈલને કિનારે બેઠેલા મારા એ ગુરૂજીને મોકલી આપી.
એ મારા દોસ્ત કમ ગુરૂ એટલે મુર્તઝા પટેલ. એમને ઓળખનારા માટે તો ફક્ત નામ જ કાફી છે.
એમની સાથે રૂ-બ-રૂ થવાનો મોકો તો ચંદ મિનિટો માટે મળ્યો, પણ મારા માટે તો મળ્યો એ જ કાફી છે.
સાથે કેટલાક નવા દોસ્તો સાથે મુલાકાત થઈ, જેમને ક્યારેય ઓળખતી ન હતી એમની જિંદગીમાં ઝાંકવાની તક મળી.
દરેકની જિંદગીનો પથ ક્યાંક તો વિકટ છે પણ દરેકની પાસે ખુદનાં આગવા સ્વપ્નો છે. તમે દરેકના સ્વપ્નોને મારેલો હળવો ધક્કો કોઈની દિશાને મંઝિલ તરફ ઘુમાવી દે એમ પણ બને..!!
ખેર….
આપણી ગોષ્ઠીની એ પળો જહનમાં હંમેશા ગુંજતી રહેશે, કેમ કે આવી બધી ખારી, તૂરી, તીખી, મીઠી યાદોથી માનસિક તાકાત મળે છે ઝઝુમવાની, ના હારવાની, પડકારો સામે લડતા રહેવાની…. Memories don’t die…..
 
ગુરૂજી , તમારો આભાર નથી માનતી કારણ કે, હું સમજુ છુ કે આવી ફોર્માલિટિઝ કરતા પરફોર્મન્સ તમારા માટે વિશેષ આનંદ-દાયક હશે.
 
 
 

ImageImageImageImageImageImageImageImageImageImageImage

Advertisements

આનંદ સે રહો, મસ્તી સે જીઓ…

પપ્પા…

જ્યારે જ્યારે સુરતથી રાતની ગાડીમાં નડીઆદ આવું અને આપણાં ઘરમાં પ્રવેશું ત્યારે લગભગ તમે હિંચકા પર તમે બેઠા જ હોવ અને તમારી પાસે નમું ને તમારો હાથ માથા પર મુકાય ને તમે બોલોઃ ‘આનંદ સે રહો ઔર…. અને બાકીનું વાક્ય હું પૂરું કરું: “મસ્તી સે જીઓ”.

લખું તો શબ્દો છું પણ મનની તરબતર લાગણીઓ આખે-આખી શબ્દોમાં કઈ રીતે ઉતરે?
તમારો ખયાલ આવે તો હું જ નહિ મારું પૂરું અસ્તિત્વ ધ્રુજી જાય છે.

મને યાદ નથી પપ્પા કે તમારી આંગળી પકડી કદાચ ક્યારેય ફરી હોઉં, પણ એવી કોઈ ક્ષણ પણ યાદ નથી આવતી કે તમારી આંખોમાં ચુપકીદીથી વ્હાલ નીતરતું ના જોયું હોય.
આપણે આંખોના સંવાદનો તો વ્યવહાર હતો પપ્પા.. એક-બીજાનાં મનની વાત આંખોમાં જોઈને જ સમજી જવાતી, કોઈ ખુલાસા કરવાની જરૂર જ ન રહેતી. કોઈ જ શબ્દની આપ-લે કર્યા વગર આપણે અઢળક વાતો કરી લેતા. ક્યારેક આંખોમાં પીડા જોઈ તમારાથી ના રહેવાતું ત્યારે એટલું જ બોલતા કે કેમ કોઈ તકલીફ છે? અને હંમેશા મારો જવાબ રહેતો ના પપ્પા, કંઈ નથી.

 

તમારો ભયંકર ગુસ્સો મને જરાય યાદ નથી પપ્પા, યાદ છે તો તમારું ફેલાયેલી સુગંધની જેમ અમારા અસ્તિત્વમાં ફેલાવું. હંમેશા એક ગર્વથી દિમાગ ફાટે છે પપ્પા કે આજે અમે જે કંઈ છીએ એમાં દરેકમાં થોડા થોડા તમે ધબકતા રહ્યા છો અને શ્વાસ પર્યંત રહેવાના છો.

મને યાદ છે એ દિવસ કે જ્યારે એક ખામોશ શિયાળુ રાતે અંબાજીના રસ્તે તમારો ડાકુઓથી સામનો થઈ ગયેલો અને ખુલ્લી તલવાર સાથે તમને રોકીને તમારું ઘડિયાળ સુદ્ધા લુંટી લીધું હતું. તમે બધુ આપી તો દીધું પણ જતા જતા એક ડાકુને સવાલ કર્યો કે ભાઈ આ ધંધા શા માટે કરે છે, અને ડાકુએ કદાચ એની થોડી કહાણી કહી હતી કે મા બિમાર છે ને ઈલાજના પૈસા નથી.
તમે એને તમારું વિઝિટિંગ કાર્ડ આપીને કહ્યું હતું કે તારે વધારે પૈસાની જરૂર હોય તો ઘરે આવીને લઈ જજે. પેલો ડાકુ તો બે ઘડી સ્તબ્ધ થઈ ગયો હતો અને કહ્યું હતું કે સાહેબ મારી જિંદગીમાં મને આવું કહેનાર તમે પહેલા છો. તમારું કંઈ જ મને ના ખપે. પછી તો પેલા ડાકુએ લુંટેલ માલ તો પાછો આપ્યો અને આગળ થોડા કિ.મી સુધી મુકી ગયો હતો, એમ કહીને કે આગળ મારા જેવા બીજા તમને હેરાન કરે નહીં.
આ વાત જ્યારે તમે અમને કહી ત્યારે મને સતત થતતું પપ્પા કે એ ખુલ્લી તલવાર સાથેના ડાકુથી ગભરાવા કે સામનો કરવાના બદલે તમને એને વધુ મદદ કરવાની ઈચ્છા કઈ રીતે થઈ હશે? આનો જવાબ તો પછી તમને પુછ્યા વગર જ સતત તમારા કર્મોમાંથી મળતો રહ્યો. છે.

તમારે સહકારી મંડળીઓના ઓડીટમાં નાના-નાના ગામોમાં જવાનું થતતું અને કેટલીય વાર એ લોકો તમારા માટે શાક-ભાજી કે અનાજ કે ફળોના કોથળા ભરીને ઘરે આવતા અને તમે એ બધુ પ્રેમથી પાછું મોકલતા, એમ કહી ને કે; તારા છોકરાઓને ખવડાવજે અને વધારે જરૂર હોય તો મારી પાસે થી લઈ જજે, પાછા ના આપવાની શરતે…. આમ જ્યારે જ્યારે બનતું ત્યારે પણ અમે ગર્વથી ફાટ-ફાટ થતાં, એમ વિચારીને કે પપ્પા તમારું મન કેટલું વિશાળ છે!

“અજાત શત્રુ”, આ શબ્દ મેં દાદા પછી તમારામાં ખરી રીતે સાર્થક થતો જોયો છે.

પેલી ઘટના તો મગજમાં સતત ઘુમરાયા કરે છે પપ્પા.. સારંગપુર જતા તમારા બાઈકને અકસ્માત થયો. બે કાકા અને તમે એમ ત્રણેય ને બહુ વાગેલું અને તમારા પગની તો છેલ્લી આંગળી જ કપાઈને છુટી પડી ગયેલી. આવી હાલતમાં બાઈક ચલાવીને તમે નડીઆદ પાછા આવ્યા, બન્ને કાકાઓને ડોક્ટર પાસે લઈ જઈ પાટા-પીંડી કરાવી અને છેલ્લે તમે ખિસ્સામાંથી તમારી છુટી પડી ગયેલી આંગળીને કાઢીને ડોક્ટરને બતાવીને હસતા હસતા કહ્યું કે હવે મને આ ફિટ કરી આપો પાછી..

ડોક્ટર થોડી ક્ષણો તો જોઈ જ રહ્યા અને પછી પૂછ્યું કે આ હાલતમાં ખિસ્સામાં તુટેલી આંગળી લઈને તમે આવ્યા જ કઈ રીતે? અને આવ્યા પછીય આ લોકોનું ડ્રેસિંગ પત્યુ નહિ ત્યાં સુધી કંઈ કહ્યું પણ નહિ? તરત મને કહ્યું હોત તો હું કંઈક કરી શકત પણ હવે એ ડેડ થઈ ગઈ છે તો કંઈ નહિ થઈ શકે. પણ  ડોક્ટરેય ત્યારે તમારી સહન શક્તિને સલામ કરી હતી.
પપ્પા તમારે મન તો તમારા ભાઈઓની પીડા વધારે અગત્યની હતી.

આપણાં ઘરમાં આવતી એક પણ વ્યક્તિ ક્યારેય ચા-પાણી-નાસ્તા કે જમ્યા વગર ગયા હોય એવું યાદ નથી પણ યાદ એટલું તો છે જ કે ખરા બપોરે આવતા ટપાલીનેય દાદાની જેમ તમે પણ ઠંડા પાણી કે નાસ્તાનું પુછ્યું જ હોય.

આપણા બધાનાં પ્રિય દાદી-દાદા જ્યારે આપણને છોડી ગયા ત્યારે તમે કઈ રીતે અડીખમ રહીને બધુ સંભાળ્યું હશે એવો વિચાર આવતો પણ તમારું રોજ-બ-રોજનું જીવાતુ જીવન જ અમને બધા જ પ્રશ્નોના જવાબ આપી દેતું. કાકાની, ફોઈની પણ જ્યારે તમે પ્રેમાળ પિતાની જેમ સંભાળ લેતા એ જોઈને અમનેય થતતું કે અમે પણ અમારા પપ્પા જેવા બનશું. એ જ તો તમારી મોટી સિધ્ધી હતી પપ્પા..

 

પપ્પા મને યાદ છે કે એ દિવસે મેં તમને ઓફિસ જતી વખતે સાઈકલ લાવવા માટે કહ્યું હતું. તમે કહ્યું કે આવતા લેતો આવીશ. પણ દાદાએ કહ્યું કે તારો પપ્પો ભૂલી જશે. સાંજે આવતા વેંત તમને મેં પુછ્યું કે પપ્પા સાઈકલ? તમે કહ્યું કે ઓફિસમાં ભૂલી ગયો. પછી કોઈ જિદ નહીં, બસ એક વિશ્વાસ કે પપ્પા ઓફિસથી કાલે લાવશે.
પણ પપ્પા તમે તમારું કદાચ ભૂલો પણ અમને કઈ રીતે ભૂલો? એ રાત્રે જ સાઈકલ ઘરે આવી ગઈ હતી. આ તો નાની નાની વાતો હશે કદાચ. પણ પપ્પા તમે ક્યારેય ભૂલ્યા નથી કે અમારા માટે એ નાની વાતોનુંય કેટલું મહત્વ હતું.

 

પપ્પા, મમ્મી, કાકા અને હું.

પપ્પા તમને બે જ તો શોખ હતા., ગઝલ અને વાંચન. ઘરમાં હંમેશા ગુલામ અલી, જગજીતસિંગ, કિશોરદા ગુંજતા રહેતા. વાંચવા માટેનો તો તમે ખજાનો લઈ આવતા અમારા માટે. બહુ ભર્યું ભર્યું બાળપણ ગુજર્યું તમારી સાથે પપ્પા.
આવાં હળવાં ફૂલ જેવા દિવસો સાથે સમય હળું-હળું કઈ રીતે પસાર થઈ ગયો અને કઈ રીતે આપણાં ઘરની વિદાય લેવાનો દિવસ આવી ગયો એનો અણસાર સુધ્ધા ન રહ્યો..
મારા લગ્નના દિવસે આપણાં બે સિવાય બધા જ રડતાં હતાં, પણ આપણે બેય એક-બીજાને જાણતા હતા કે આપણે ખુદને અને બધાને સંભાળી જ લઈશું.  કેટલો વિશ્વાસ એક-બીજા ઉપર, નહિ પપ્પા?

એ પછી આપણી ફોન પર વાત થતી તોય તમે એટલું જ પૂછતા કે “બધા” મજામાં ને?
અને મારો જવાબ ત્યારે પણ હંમેશા “હા પપ્પા” એટલો જ રહેતો. અને ફક્ત આપણે બે જ જાણતા કે આટલા શબ્દોમાંય આપણે કેટલી વાતો કરી લીધી.!
ગમે ત્યારે કોઈને પણ ગમે એવી તકલીફ હોય તો તમારો જવાબ રહેતો કે “કશો વાંધો નહિ”.

તમને ખ્યાલ નહિ હોય પપ્પા કે આ તમારા આ ત્રણ શબ્દો અમારા હૈયામાં સતત જોશ ભરવાનું કામ કરતા, અને પ્રશ્ન સોલ્વ થયા પહેલા જ અડધી રાહત થઈ જતી, કે પપ્પા બેઠા છે ને; થઈ રહેશે બધું!!!

કેટલા વર્ષોથી તમે એક પણ દવા નહોતી લીધી પપ્પા, એ થિયરી પર કે શરીર તો બિમાર થાય પણ એને રીકવર કરવાની શક્તિ પણ આપણા શરીરમાં જ હોય છે. આપણે દવાઓથી શરીરની કુદરતી તાકાતને ડામી દઈએ છે. અને તમે દવાઓ ન જ લેવાનો અફર નિયમ કરી આ સાબિત પણ કર્યું હતું.

પણ…

એક વખત – તમે થોડા સમયથી બિમાર તો હતા જ, અને કંઈક તો ડોક્ટરની ભૂલના કારણે શરીરમાં ઈન્ફેક્શન એ હદે વધી ગયું કે તમને તાત્કાલિક દાખલ કરવા પડ્યા. એ બપોરે હું તમને મળી ત્યારે મારી ચિંતા જોઈ તમે કહ્યું કે મને કંઈ નથી પણ આ તો આપણે દોડી આવ્યા એટલે ડોક્ટરને લાગવું જોઈને કે ગંભીર પરિસ્થિતિ છે અને એ બતાવવાય દાખલ કરી રાખવા પડે. હમણાં સાંજે ઘરે આવી જઈશું.

પણ પપ્પા એ સાંજ ક્યારેય ના આવી…….

રાતોરાત તમને આઈ.સી.યુ. વાનમાં વેન્ટીલેટર પર રાખીને અમદાવાદ લઈ જવા પડ્યા ત્યારે વાનની સીટ પર સૂતા સૂતા તમે વિચાર કર્યો હશે ને કે સ્સાલું આખી જિંદગી બાઈક ઉપર ફર્યો ને આજે આ નળીઓ ખોસેલી હાલતમાં આ રીતે જવું પડે છે!
તમે ચોક્કસ એમ વિચાર્યું હશે કે ચલો, આજે આ અનુભવ પણ કરી લઈએ. તમે તો ભગવાનનેય કસોટી પર ચડાવ્યા હશે કે તારાથી થાય એ કરી લે, પણ હું તૂટીશ નહિ.
પપ્પા ,આખી જિંદગીમાં કદાચ તમારો હાથ ક્યારે પકડ્યો હશે યાદ નથી, પણ એ રાતે વાનમાં નડીઆદથી અમદાવાદ સુધી મેં સતત ચૂપચાપ તમારો હાથ પકડી રાખ્યો હતો. અને એ તમારા હાથની ઉષ્મા એક પણ આંસુ પાડ્યા વગર મને સતત ભીંજવતી રહી હતી..

એક રાતમાં આ બધુ થયું છતાં એક વિશ્વાસ ભયંકર હદે દિમાગ પર હાવી હતો, કે આ બિમારી કે ડોક્ટરો જેને જે તોડવાનું હોય એ તોડી લે પણ એ તૂટેલા શરીરેય મારા પપ્પા ગમે તે રીતે બધાને હરાવીને બા-અદબ પાછા આવશે.

ત્યાં જ અમે થાપ ખાઈ ગયા. બીજી જ સવારે તમે દેહ મૂકી દીધો…

જિંદગીમાં પહેલી અને છેલ્લી વાર તમે અમારો વિશ્વાસ એટલી સખત રીતે તોડ્યો કે અમારા સખ્ત મજબુત દિલો-દિમાગ પણ કણ-કણમાં વિખરાઈ ગયા….

 

જે પપ્પાને અમે ઘરેથી ધબકતા લઈને ગયા હતા એમનો ફક્ત દેહ કપડામાં બાંધીને ઘરે લઈ જતી વખતે કેવું ધ્રુજી જવાયું હતું એનો તમને ક્યાંથી ખ્યાલ હોય પપ્પા?

એક કલાકની તમારી સાથેની જિંદગીની સૌથી લાંબી અને યાતનામય સફર હતી એ…..

 

મને કેમ એમ લાગે છે પપ્પા કે તમે અંચઈ કરી? તમને જાણ હતી જ કે તમને શું થઈ રહ્યું છે. છતાં તમે ચુપ રહ્યા, હંમેશની જેમ એમ વિચારીને કે “કશો વાંધો નહિ” બધુ ઠીક થઈ જશે. તમારી પીડાનો અણસાર સુદ્ધા ન આવવા દીધો! કઈ રીતે તમે જાતે જ માની લીધું કે જે થશે એ સારું જ થશે?

તમે ધારો તો તમે જલતી રાખમાંથી બેઠા થાવ એમ હતા પપ્પા, પણ તમે ધાર્યુ જ નહિ…..!!!!??

 

આખી જિંદગી મેં તમને કોઈ જ સવાલ નથી કર્યો પપ્પા. પણ આ સવાલ મને સતત કોરી ખાયછે, જેનો જવાબ તમે ક્યારેય નથી આપવાના એની ખબર હોવા છતાં? તમે ફક્ત આપ્યું જ આપ્યું? જ્યારે અમારો તમને કંઈક આપવાનો સમય આવ્યો ત્યારે સાવ આ રીતે છટકી ગયા?
મુસ્કુરાતા નહિ, એનો જવાબ હું જાણું છું પપ્પા. કઈ રીતે?

ચિતા પર લેટતી વખતે તમારી આંખો તો તમે છુપાવી લીધી પણ તમારા વિચારોય હું જાણી શકતી એની તમને જાણ હતી?

આજેય જ્યારે આપણાં ઘરે આવું ને એ હિંચકા પર બેસીને ઠેસ મારું છું ને તમારો હાથ યાદ આવે છે. સાંજના સમયે હર-રોજ અમારા કપાળ પર રાખનું તિલક કરી ને ‘શ્રી હરી’ બોલતા તમારા શબ્દો ગુંજે છે કાનમાં.. હજુય જ્યારે ગુલામ અલી ગાય છે કે “હમ તેરે શહર મેં આયે હૈ મુસાફિર કી તરહ…” – ને આંખોમાંથી બરબસ આંસુઓ નીકળી જાય છે પપ્પા. તમેય આમ મુસાફિરની જેમ જ આવીને અમને પ્રેમ-આનંદથી સભર કરીને અનંત સફરે ઉપડી ગયા.

આજે ય મારી સવાર તમને ‘જય-ભગવાન’ કહીને જ પડે છે.

“કશો વાંધો નહિં” પપ્પા, તમારા હંમેશનાં આશિર્વાદ- “આનંદ સે રહો, મસ્તી સે જીઓ” અમારાં રક્તમાં છે. અમે તમને જવા નથી દીધા, તમારો અંશ હજુ અમારી અંદર બરકરાર છે.
હૃદય સાથે ધબકે છે, નસે-નસમાં દોડતો રહે છે. દિમાગના એક-એક ચેતાતંતુઓમાં સ્પાર્ક થતો રહે છે. જિંદગીમાં મને તમે કોઈ સલાહ નથી આપી કે જિંદગીની કોઈ ફિલસૂફી સમજાવી નથી, પણ હું જાણું છું પપ્પા કે તમારી અમારી વચ્ચે જીવાતી જિંદગી જ અમારા માટે સલાહરૂપ અને અનુકરણીય છે.

 

આજે ૧-નવેમ્બર… આજે તો તમને એટલું જ કહેવું  છે કે કોઈ ચિંતા ના કરતા પપ્પા. તમે જે હિંમત અને ખુમારી અમારા હાડકાઓમાં સીંચી છે એને અમે કાયમ રાખી છે. મુશ્કેલીઓ તો શું ચીજ છે! ઊપરવાળાનેય કહી રાખ્યું છે, કે તારાથી થાય એ કરી લે પણ અમને તોડી તો નહિ જ શકે.

હું કોઈ ભગવાનને નથી પૂજતી… મારા ભગવાન અહીં જ છે. દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, ફોઈ… જેમના કારણે જ તો હું છું.

લોહી કોનું? ત્રિલોક દવેનું જ ને?…………. હા હા હા હા….

હસું છું ભલે પણ આનો એક એક શબ્દ આંસુથી ભીંજાયેલો છે પપ્પા…..

ચલો ત્યારે, તમને આમ જ શ્વસતા રહીશું….

૧-૧૧-૧૧
આ જ દિવસે તમે હાથ-તાળી આપી ગયા હતા ને?
સાલા આંકડાઓ પણ કેવી કેવી માયા-જાળ રચે છે…….!