Archive | ડિસેમ્બર 2012

રખડપટ્ટી

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા….

બાળપણથી જ પહાડો, નદીઓ, જંગલોમાં નિરૂદ્દેશ ભમવાનું અજબ આકર્ષણ રહ્યુ છે. કેટલી હરી-ભરી કુદરતની સંપત્તિ છે આપણી પાસે, પણ કોંક્રિટના જંગલો વચ્ચે ક્યારેક બે છેડા ભેગા કરવાની દૌડમાં તો ક્યારેક બહુ બધુ ભેગુ કરી લેવાની લાહ્યમાં કેટ-કેટલું ચુકી જતા જોઈએ છે એની આપણને જાણ સુધ્ધા નથી હોતી.

હમણાં દિવાળીની રજાઓમાં દમણ અને કેવડિયા કોલોની જવાનુ થયુ. લોકો કહેતા કે દમણમાં દારૂ અને દરિયા સિવાય કંઈ નથી. મને હસવુ આવતુ. થતુ કે લોકો કેમ આટલુ જ જોઈ શકતા હોય છે? પોતાનાં જ બનાવેલા સિમિત વર્તુળની બહાર કેમ નહિ જોવા માંગતા હોય?

જોવુ જ હોય તો આપણી આસપાસ કેટલુ એની બાહો ફેલાવીને પડ્યુ છે, જરૂર છે એને આંખોમાં સમાવી લેવાની.. ફેફસાઓમાં ભરી લેવાની.. રગોમાં દોડતા લોહીમાં સમાવી લેવાની…

રોજ સવારે ઉઠીને ઉગતા સુર્યને આંખો ભરીને જોવાનુ મન થાય, અતિ વ્યસ્તતાની વચ્ચી પણ આજુ-બાજુમાં ક્યાંક ચહેકતી ચકલીઓ કે કબુતરોના અવાજ કાનમાં કલબલતી લહેર લઈ આવે, ભીડ વચ્ચી ય કોઈ ખૂણેથી ગુંજતા સંગીતના સૂર મન તર કરી જાય, તપતી સડકો પરથી ગુજરતા ફેલાયેલુ વૃક્ષ જોઈને રોમ રોમ ઠંડકથી વ્યાપ્ત થઈ જાય, રસ્તે રખડતા ગાય,ભેંસ, કૂતરાઓમાં રહેલા જીવનો આપણને એહસાસ હોય, સડક પર સુતેલાં બચ્ચાઓમાં રહેલુ માણસત્વ જોઈ શકતા હોઈએ, વળતરની અપેક્ષા વગર ક્યારેક અજાણ્યાં ને ય મદદ કરી શકતા હોઈએ, જે વિચારીએ એ જ બે-ધડક કહી શકતા હોઈએ, દોસ્તો વચ્ચે મન મુકીને ખુલી શકતા હોઈએ તો…… તો માનવુ કે આપણાંમાં ક્યાંક હજુ આપણે ખુદ જીવીએ છે. બિલકુલ મુક્ત, નિખાલસ, કોઈ આવરણ વિનાનાં, ખુશખુશાલ, વિસ્મયથી ભરપૂર…

Image

 

ખેર…

વાત હતી રખડપટ્ટીની..

એક સ્મરણ છે ઈડરનું. પહાડો અને લીલાશથી મઢેલો પ્રદેશ. રમતિયાળ હવાની મસ્તીથી છલકાતો, ખરી ગયેલા ભૂતકાળની ભવ્યતાથી ભરેલો, પક્ષીઓનાં ચહચહાટથી ગુંજતો પ્રદેશ. 

એના રસ્તા પરથી ગુજરતા અનુભવેલી તાજી ફૂટતી કુંપળોની ખુશ્બૂ, એ ડુંગરાઓ ખૂંદતા ખૂંદતા ભરાઈ ગયેલા શ્વાસો, ગઢ પરના ખખડધજ રંગહીન કિલ્લામાંથી નીતરતી રંગીન ભવ્યતા, ગઢની રાંગ પરથી છુટતા તોપગોળાનો કે પછી એક જમાનામાં ગુજરેલા ઘોડાઓની ખરીઓનો ત્યાંની હવાઓમાં મેહસૂસ કરેલો અવાજ, એ રસ્તામાં ક્યાંક મળતા રહેલા પક્ષી મિત્રો; yello eye barbler,common barbler, black drongo, Ibis, મેના, બુલબુલ, ખડકો પર જોવા મળતુ ચકલી જેવુ પક્ષી stone chat, ફળોથી લચેલા ઝાડની ટોચે જ બિરાજતા હરિયલ જેવા પક્ષીઓ… ઓહ…!! કેટકેટલું છે જેનું સ્મરણ પણ મન તર કરી દેવા કાફી છે. ઈડરના ગઢ પર વારંવાર કાનમાં કિંગફિશરનું સંગીત ગુંજતુ ને મન આનંદથી ભરી દેતુ. એનું નામ પણ કેવુ સંગીત મય.. કલકલિયો.. 🙂

Crested Bunting

ભાગ્યે જ જોવા મળતુ પક્ષી ‘Crested Bunting’ તાર પર બેઠેલુ જોયુ ત્યારે તો આંખોમાંથી વિસ્મય ખસતુ નહોતુ.
રોજબરોજની જિંદગીમાં આપણે ભાગ્યે જ આમાંનું કંઈ જોઈ શકતા હોઈએ છે. આંખો અલગ જોતી હોય, કાન બીજે હોય અને મન તો વળી કંઈક ઓર વિચારમાં કે ટેન્શનમાં હોય.
પણ હવે એક દોસ્તે કહેલી વાત હું હંમેશા યાદ રાખુ છુ કે, “આંખો અને કાન હંમેશા ખુલ્લા રાખવા”. (થેંક્સ દોસ્ત..!!) એ પછી મને સમજાયુ છે કે આંખો, કાન અને મન જો એક જ જગ્યાએ કેંન્દ્રિત હોય તો આપણે રોજ આપણી આસપાસ બનતી રહેતી નાનકડી ઘટનાઓમાંથી ય આનંદ લેતા શીખી જઈએ છે અને ખુલ્લા મનથી કોઈ પણ વાતને આવકારતા પણ…

વાત નાની છે પણ એનુ પરિણામ અદભુત છે. હવે હું જિંદગીની નાની નાની વાતો ને અવગણતી નથી. મારું વિસ્મય મારે ખુટાડવુ નથી….

Advertisements