Archive | જાન્યુઆરી 2013

બદલાતા રંગો…

મને ચહેરા વાંચવાનું ગમે છે. અગર વાંચી શકો તો દરેક ચેહરો એક આત્મકથા કહે છે.

એક ફુર્સતી ઢળતી સાંજે જરા ઉપર નજર ગઈ ને આકાશે કરવટ બદલી. સાંજના સુરમઈ રંગો છવાયા અને ધીરે ધીરે સ્યાહ બનવા લાગ્યા. અનાયાસે મારી નજર રસ્તા પરથી ગુજરતા એક એક ચહેરાઓ પર ફરી વળી અને વિચારોના રંગોએ મનના કેનવાસ પર લસરકા મારવાનું શરૂ કર્યુ.

કોઈ બાઈક પર જતા પતિ-પત્ની હોય કે કોઈ કારમાં એકલો વ્યક્તિ.. કોઈ સાઈકલ પર આખો પરિવાર તો કોઈ કોઈ ચહલ-કદમી કરતા જતા હોય. કોઈ મમ્મી બાળકની આંગળી પકડી તેજ ભગાવતી હોય તો ક્યાંક પપ્પાની પાછળ આખુ કુટુંબ ખેંચાતુ જતુ હોય. કોઈ લારી ખેંચતો મજૂર હતો તો કોઈ ઔડી હાંકતો ઉદ્યોગપતિ.
ક્યાંક આખા દિવસનો કામ કર્યાનો થાક અને ક્યાંક કંઈ જ કામ ન હોવાનો કંટાળો ચેહરા પર પડઘાય.
ક્યાંક નિરાશા તો કોઈ પાસે અકથિત વેદના. ક્યાંક અકળામણ તો કોઈના તંગ ચહેરા પર ઘુંટાયેલો રોષ.

જરાક સરખો ટ્રાફિક અટકતા સતત હોર્ન પર હોર્ન મારતા લોકો. દરેકને કોઈ એકાદ જાતની ઊતાવળ… ખબર નહિં આ બધાને આટલુ જલ્દી ક્યાં પહોંચી જવુ હશે?

દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ખોજમાં…
કોઈને પ્રેમની તો કોઈ ને પૈસાની, કોઈ શાંતિની ખોજમાં તો કોઈ આનંદની. કોઈને રોટીની ભૂખ છે તો કોઈને શરીરની. કોઈ એક ટંક ચાવલની શોધમાં ભટકે છે તો કોઈને સેવન કોર્સ જમણ પછી ય તૃપ્તિ નથી.

કોઈના ચહેરા પર આતંક છવાયેલો તો કોઈના ચહેરા પર મુર્દની. કોઈ સ્વપ્નામાં રાચતા તો કોઈ હકીકતે કંટાળતા લોકો.
ખુદની આસપાસ રચેલા સમાજ, સંબંધો, માન્યતાઓ, ગમા, અણગમા, દોસ્તો, દુશ્મનો, તારુ અને મારુના પરીઘની અંદર જ આખી જિંદગી ઘુમરાતા રહેતા, આશા-નિરાશા, સુખ- દુઃખની ભ્રમજાળોમાં અટવાતા, અથડાતા માણસો.
કોઈ તૂટી ગયેલા, ફૂટી ગયેલા, ઘસાઈ ગયેલા માણસો. કોઈ સ્વસ્થતા તો કોઈ દંભ ઓઢીને ફરતા નકાબપોશો, ચોર, કાળા કે પછી સફેદ બજારીયાઓ.
રંગબેરંગી માણસો….

Colors of Life

કહેવાતા બાવાઓ કથા ને ગુરૂઓ જ્ઞાન-આનંદ-સુખ પ્રાપ્તિના ભાષણો કરી કરીને થાક્યા, છાપાઓએ કેટલીય કોલમો ગજવી, ચેનલો ય આસ્થા અને સંસ્કારો શીખવતા હાંફી રહી કે ઊઠો, જાગો… આપણો આનંદ આપણી અંદર જ છે શોધો પણ…

પણ ચોમેર આવુ જોઈને થાય કે સ્મશાન વૈરાગ્યની જેમ મોટીવેશનલ પ્રેરણાઓનો ડોઝ પણ ઝડપથી ખંખેરાઈ જતો હશે..!!!

ભલે આપણી આસ-પાસ આવુ બધુ દેખાતુ હોય પણ,

હજુ માણસમાં ક્યાંક સંવેદનાઓ બરકરાર છે. હજુ લોહીનો રંગ લાલ છે. કંઈક ખોટુ થતુ જોઈ એ ઉકળી શકે છે. માણસ માણસને માટે જીવે છે અને એના માટે જ મરે પણ છે.

હજુ પ્રિયજનના હાથમાં ઊષ્મા છે. સ્વજનોથી દૂર થતા આંખો હજુ નમ થઈ શકે છે.
દુનિયા સામે ગમે એટલા અક્કડ રહીયે પણ પ્રેમ આગળ હજુ ય માથુ ઝુકી જાય છે.
દોસ્તોના ભરોસે બંધ આંખે ય જિંદગીના અજાણ્યા સાહસોમાં ઝંપલાવી શકાય છે.

આંસુઓ હજુ ય જખ્મોને સ્વછ કરી આપે છે. માથે મુકાયેલો હાથ લાગણીઓ ઝણઝણાવી નાખે છે.
અજાણ્યાનો મદદ માટે લંબાયેલો હાથ જોઈ હૈયામાં હામ અને આંખોમાં વિશ્વાસ કાયમ રહે છે.
અનુભવી આંખો હજુ ય વિસ્મયથી ભરપૂર થઈ શકે છે.

હજુ ય આ રંગ બદલતી દુનિયાને જોઈને હૈયામાંથી વરાળોને બદલે આનંદની છોળો ઉછળી શકે છે.
મતલબ….

એ જ કે હજુ આપણે જીવીએ છીએ.

જ્યાં સુધી માણસમાં સંવેદના છે ત્યાં સુધી જ એ જિંદા છે.

Advertisements

આજનો કુવિચાર

ઝાડમાં ફસાયેલી ઝડી ગયેલી પતંગ જોઈને થયુ કે જિંદગી ય આ પતંગ જેવી જ ને..!!

હૈયામાં ભલે હોય ઊડવાના ઊમંગો પણ  લગામ કોઈકના હાથ માં અને મંઝિલ ? મંઝિલ કોઈ જ નહિં.  ફાટી-તૂટી-વિખેરાઈને ન જોઈતા મુકામ પર અટવાઈ જવાનું અને ત્યાં જ રહ્યે રહ્યે ઝડતા રહેવાનુ,  દેહ ખતમ ના થાય ત્યાં સુધી….

કિસ મોડ સે જાતે હૈ…

જિંદગીનુ ઓર એક વર્ષ ખતમ થયુ..

ગુજરેલા તેત્રીસ વર્ષોમાં જિંદગીએ કેટકેટલી કરવટો લીધી, કેટલા મોડ આવ્યા, મુકામો ફર્યા, આયામો બદલાયા. ખડખડાટ હસી લેવાયુ, મન ભરીને રડી પણ જવાયુ. કેટલીક ક્ષણો જીતની હતી તો ઘણી ખરી હારી જવાયુ પણ, મને હાર તરફ પહેલેથી આકર્ષણ રહ્યુ છે. એટલે ગમી છે એમ નહીં પણ દરેક હારમાંથી કંઈક મેળવવાનું, શીખવાનું આકર્ષણ..

જિંદગીના દરેક તબક્કે નિષ્ફળતાઓએ મને ઘણું બધુ આપ્યુ છે જે સફળતા કદાચ ક્યારેય આપી ન શકત. કેમ કે સફળતા એ મારા માટે અંત છે જ્યારે નિષ્ફળતા એ નવી શરૂઆત. પડ્યા, તૂટ્યા, ફરી પડ્યા, ફરી તૂટવાનુ પણ… ઉભુ થવાનુ નથી ચૂકાયુ.
શું આ ખુદ્દારી, ખુમારી, ના તૂટવાનું જુનૂન, ઝંઝાવાતો સામે અડગ રહી નવો રસ્તો કંડારવા માટેની મથામણ બધુ વારસાગત હશે, ધમનીઓમાં ઉછળતા, ખૌલતા રક્તની જેમ…
કે પછી અનુભવોની થપાટોથી ત્રસ્ત, ગ્રસ્ત, આશ્વસ્ત થતા થતા, જિંદગીના રસ્તાઓ પર ફેંકાતા, ફૂંકાતા જતા જતા આપણા મહીં રહેલો કોઈ વેક્યુમ પંપ આ બધુ ખેંચી લાવતો હશે!!?

બદલાતા આયામો સાથે સત્ય પણ બદલાતુ રહ્યુ છે. કોઈ એક સમયે જે સાચુ હતુ એ જ બીજા સમયે સાવ નિરર્થક હોય એમ પણ બને.
એક સમયે મારા માટે ઈશ્વર(મૂર્તિ)ની પૂજા, ભક્તિ એ મહત્વની વાત હતી, મંદિરમાં મૂર્તિ સામી હાથ જોડવા મારા માટે સહજ હતા જ્યારે આજે ઈશ્વર તો ત્યાં જ છે પણ હું એવુ નથી ઈચ્છતી કે ઈશ્વર એમનો સમય મારી માટે વેડફે . 🙂
આજે એ મૂર્તિ ને હાય-હેલો કરી એમની દશા (!!) પૂછી નિકળી જવુ પણ મારા માટે સહજ છે.
આ નાસ્તિકતા નથી પણ, જે કામ જાતે કરી શકુ એમ છુ એના માટે ઈશ્વરને તકલીફ નથી આપવી એવો એક સહજ ખયાલ માત્ર (અફ્કોર્સ આફ્ટર અનુભવ!!) …

મને મળેલ દરેક વ્યક્તિમાંથી કે ગુજરેલી દરેક પરિસ્થિતિમાંથી હું કંઈ ને કંઈ પામતી રહી છુ.
ફકત હકારાત્મક જ નહીં પણ નકારાત્મક પણ પુષ્કળ મળ્યુ છે.
પણ, ક્યાંથી શું અને કેટલું ગ્રહણ કરવુ એની સમજ જો હોય તો નેગેટિવ પાસાઓ પણ મજાનાં હોય છે.

ધોધમાર લાગણીઓ સાથે કડક નિયમો અને નીતિ-મત્તાનાં ધોરણો પણ મળ્યા છે. વાણી- વર્તનમાં ક્યાં પાળ બાંધવી અને ક્યાં બેશુમાર વહેવુ એની સમજ આપી છે. ક્યાંક ઉષ્મા મળી તો ક્યાંક ઠંડો તિરસ્કાર પણ…ક્યાંક ભાવ તો ક્યાંક ભેદભાવ..
આ બધાની વચ્ચે મેં લોભ,મોહ, ઈર્ષ્યા, સ્વાર્થ કે નફરત જેવી લાગણીઓ ને ત્યાગવાની નહિં પણ ભ્રમણ, ચિંતન, મનન, વાંચન કે સ્નેહ દ્વારા પરિવર્તિત કરવાની કોશિષ કરી છે. (ઉર્જા એક માધ્યમમાંથી બીજા માધ્યમ તરફ જઈ શકે છે, તો શા માટે ખોટી જગ્યાએ વેડફવી? 🙂 )

કોઈ પણ પરિસ્થિતિ જ્યારે જીરવી શકીએ ત્યારે જ એના માટે આક્રોશ કે આઘાત નહિ પણ એમાંથી મળતી તક કે એને બદલી શકવાના રસ્તાઓ વિષે વિચારી શકીએ.

વિશાળ દુનિયા અને આપણી આસપાસ ફેલાયેલી ઊર્જા વચ્ચે વહેતા રહેવાની વિભાવના કેટલી ખૂબસુરત છે. સમયની બે અલગ-અલગ ક્ષણે, અલગ વ્યક્તિએ કે અલગ મુકામે હું એક ના હોઈ શકુ. બદલાતા રહેવુ એ વહેતા રહેવા માટે પાયાનો નિયમ છે અને એ પણ કોઈ નિયમોમાં બંધાયા વગર… કાંઠાઓની વચ્ચે રહેવા છતા બિલકુલ મુક્ત…

મારૂ મન એક માત્ર મારા ઈતિહાસનો ગવાહ છે. એ એકરંગી ઈતિહાસ તો પાયો છે બહુરંગી વર્તમાન કે ભવિષ્યનો. ભૂતકાળમાં મારી જડો ફેલાઈને પડી છે પણ, એની ભવ્યતાને વાગોળતા રહેવુ એ મારો ધર્મ નથી. મારો ધર્મ વર્તમાન સાથે કદમ-બ-કદમ થવાનો છે. ભવિષ્ય માટે સજ્જ થવાનો છે.
જિંદગીના રંગો બદલાશે એમ મન રંગો બદલશે.

ઉંમરના એક મુકામે જ્યારે પાછળ દ્રષ્ટિ કરુ તો એક સંતોષ થાય છે કે હું ખોટા રસ્તા પર નથી. કોઈ મને અહીં ખેંચી લાવ્યુ નથી, મારે આવવુ જ હતુ અને હવે પણ કોઈ મને ક્યાંય લઈ જઈ નહિં શકે, હું જ જઈશ.

જિંદગી ક્યા મોડ પર લઈ જશે એ તો નક્કી નથી પણ એટલુ નક્કી છે કે જે મોડ પર હોવ ત્યાં નિર્દંભ રહી શકુ અને નિર્બંધ વહી શકુ.

ખેર…..
આ કંઈ આત્મકથા નથી એટલે અહીં જ અટકુ. હજુ તો જીવાય છે ઘણું વિચારાય છે,સમયનું વહેણ બદલાશે એમ મનના રંગો પણ બદલાતા રહેશે.

અંતે…
ઓસ્કાર વાઈલ્ડનું મારુ પસંદીદા કથનઃ ” જે સ્ત્રી બેધડક પોતાની સાચી ઊંમર કહી શકે એ કંઈ પણ કરી શકે એટલે એનાથી ચેતતા રહેવુ.” 🙂

માણસ

માણસ….

શ્વાસોની તરસ છીપાવવા મૃગજળની ઝંખના રાખતો એક જીવ માત્ર,

નાની નાની જરૂરીયાતો પુરી કરવા મોટા સપનાઓ જોતો જગતના કોઈ ખુણે ધબકતો એક અંશ માત્ર,

અંશ હોવા છતા દુનિયાભરનો પ્રેમ ઝંખતો,

એક ગમતો હાથ કે સાથ મેળવવા આખી જિંદગી તરસતો,

એક આનંદની ક્ષણ માટે કેટલુ દુઃખમાં તડપતો,

જીવનના એક એક રંગમાં રંગાતો, રગદોળાતો..

સુખ, દુઃખ, આનંદ, વેદના થી ભીંજાતો,

હસતો, રડતો, રમતો, ગમતો માણસ….

જાણે છે કે ઈચ્છાઓનો અંત નથી, છતા ઈચ્છાનો અંત ન આણતો…

જાણે છે કે સમય ફરી નહિ આવે, છતા બે-ધડક વેડફતો..

જાણે છે કે માણસને દુઃખ વધારે અસર કરે છે, છતા એને ટટળાવતો..

જાણે છે કે મૌત કાયમ છે છતા જીવવામાં ના સમજતો..

ઘણું જાણવા છતા ના-સમજીનો ડોળ કરતો..

ઘાયલ થવાની વેદના જાણે છે છતા નફરતના ડામ દેતો..

ભરપૂર પ્રેમની થોડી પણ મીઠી ક્ષણો આપી કોઈની પૂરી જિંદગી જીતી લેતો…

તો કોઈ પ્યારના છળ પાછળ આખી જિંદગી હારી જતો…

વહેતી આંખોને આંખોથી જ શાંત કરી શકતો..

કોઈના ભારેખમ ગમ ને એક હળવા સ્પર્શ માત્રથી હવામાં ઉડાવી શકતો…

જીતની એક પળ માટે તમામ ઉમ્ર ઝઝુમતો,

ને હારની એક પળ પણ બરદાશ્ત ન કરી શકતો..

કોઈને મૌત માટે મજબૂર કરી દેતો કે કોઈ માટે ફના થવા મજબૂર થઈ જતો…

દુનિયાના કોઈ ખૂણે ધબકતો માણસ નામનો આ અગણિત ઈચ્છાઓ ધરાવતો ન-ગણ્ય જીવ માત્ર પણ….

એના હ્રદયના એક એક ધબકારની, કે મનની અનેક સંવેદનાઓની ગહેરાઈને કઈ રીતે માપી શકાય!!!!