બદલાતા રંગો…


મને ચહેરા વાંચવાનું ગમે છે. અગર વાંચી શકો તો દરેક ચેહરો એક આત્મકથા કહે છે.

એક ફુર્સતી ઢળતી સાંજે જરા ઉપર નજર ગઈ ને આકાશે કરવટ બદલી. સાંજના સુરમઈ રંગો છવાયા અને ધીરે ધીરે સ્યાહ બનવા લાગ્યા. અનાયાસે મારી નજર રસ્તા પરથી ગુજરતા એક એક ચહેરાઓ પર ફરી વળી અને વિચારોના રંગોએ મનના કેનવાસ પર લસરકા મારવાનું શરૂ કર્યુ.

કોઈ બાઈક પર જતા પતિ-પત્ની હોય કે કોઈ કારમાં એકલો વ્યક્તિ.. કોઈ સાઈકલ પર આખો પરિવાર તો કોઈ કોઈ ચહલ-કદમી કરતા જતા હોય. કોઈ મમ્મી બાળકની આંગળી પકડી તેજ ભગાવતી હોય તો ક્યાંક પપ્પાની પાછળ આખુ કુટુંબ ખેંચાતુ જતુ હોય. કોઈ લારી ખેંચતો મજૂર હતો તો કોઈ ઔડી હાંકતો ઉદ્યોગપતિ.
ક્યાંક આખા દિવસનો કામ કર્યાનો થાક અને ક્યાંક કંઈ જ કામ ન હોવાનો કંટાળો ચેહરા પર પડઘાય.
ક્યાંક નિરાશા તો કોઈ પાસે અકથિત વેદના. ક્યાંક અકળામણ તો કોઈના તંગ ચહેરા પર ઘુંટાયેલો રોષ.

જરાક સરખો ટ્રાફિક અટકતા સતત હોર્ન પર હોર્ન મારતા લોકો. દરેકને કોઈ એકાદ જાતની ઊતાવળ… ખબર નહિં આ બધાને આટલુ જલ્દી ક્યાં પહોંચી જવુ હશે?

દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ખોજમાં…
કોઈને પ્રેમની તો કોઈ ને પૈસાની, કોઈ શાંતિની ખોજમાં તો કોઈ આનંદની. કોઈને રોટીની ભૂખ છે તો કોઈને શરીરની. કોઈ એક ટંક ચાવલની શોધમાં ભટકે છે તો કોઈને સેવન કોર્સ જમણ પછી ય તૃપ્તિ નથી.

કોઈના ચહેરા પર આતંક છવાયેલો તો કોઈના ચહેરા પર મુર્દની. કોઈ સ્વપ્નામાં રાચતા તો કોઈ હકીકતે કંટાળતા લોકો.
ખુદની આસપાસ રચેલા સમાજ, સંબંધો, માન્યતાઓ, ગમા, અણગમા, દોસ્તો, દુશ્મનો, તારુ અને મારુના પરીઘની અંદર જ આખી જિંદગી ઘુમરાતા રહેતા, આશા-નિરાશા, સુખ- દુઃખની ભ્રમજાળોમાં અટવાતા, અથડાતા માણસો.
કોઈ તૂટી ગયેલા, ફૂટી ગયેલા, ઘસાઈ ગયેલા માણસો. કોઈ સ્વસ્થતા તો કોઈ દંભ ઓઢીને ફરતા નકાબપોશો, ચોર, કાળા કે પછી સફેદ બજારીયાઓ.
રંગબેરંગી માણસો….

Colors of Life

કહેવાતા બાવાઓ કથા ને ગુરૂઓ જ્ઞાન-આનંદ-સુખ પ્રાપ્તિના ભાષણો કરી કરીને થાક્યા, છાપાઓએ કેટલીય કોલમો ગજવી, ચેનલો ય આસ્થા અને સંસ્કારો શીખવતા હાંફી રહી કે ઊઠો, જાગો… આપણો આનંદ આપણી અંદર જ છે શોધો પણ…

પણ ચોમેર આવુ જોઈને થાય કે સ્મશાન વૈરાગ્યની જેમ મોટીવેશનલ પ્રેરણાઓનો ડોઝ પણ ઝડપથી ખંખેરાઈ જતો હશે..!!!

ભલે આપણી આસ-પાસ આવુ બધુ દેખાતુ હોય પણ,

હજુ માણસમાં ક્યાંક સંવેદનાઓ બરકરાર છે. હજુ લોહીનો રંગ લાલ છે. કંઈક ખોટુ થતુ જોઈ એ ઉકળી શકે છે. માણસ માણસને માટે જીવે છે અને એના માટે જ મરે પણ છે.

હજુ પ્રિયજનના હાથમાં ઊષ્મા છે. સ્વજનોથી દૂર થતા આંખો હજુ નમ થઈ શકે છે.
દુનિયા સામે ગમે એટલા અક્કડ રહીયે પણ પ્રેમ આગળ હજુ ય માથુ ઝુકી જાય છે.
દોસ્તોના ભરોસે બંધ આંખે ય જિંદગીના અજાણ્યા સાહસોમાં ઝંપલાવી શકાય છે.

આંસુઓ હજુ ય જખ્મોને સ્વછ કરી આપે છે. માથે મુકાયેલો હાથ લાગણીઓ ઝણઝણાવી નાખે છે.
અજાણ્યાનો મદદ માટે લંબાયેલો હાથ જોઈ હૈયામાં હામ અને આંખોમાં વિશ્વાસ કાયમ રહે છે.
અનુભવી આંખો હજુ ય વિસ્મયથી ભરપૂર થઈ શકે છે.

હજુ ય આ રંગ બદલતી દુનિયાને જોઈને હૈયામાંથી વરાળોને બદલે આનંદની છોળો ઉછળી શકે છે.
મતલબ….

એ જ કે હજુ આપણે જીવીએ છીએ.

જ્યાં સુધી માણસમાં સંવેદના છે ત્યાં સુધી જ એ જિંદા છે.

Advertisements

10 thoughts on “બદલાતા રંગો…

 1. માણસમાં સંવેદના છે એટલે જ તો વેદના અસરકર્તા છે… અને એ અસરકર્તાનો અહેસાસ છે એટલે જીંદાપણાનો અહેસાસ..સરસ વર્ણન અને વિચારોના રંગોએ મનના કેનવાસ પર લસરકા…… બહુ સરસ…. અભિનંદન

 2. રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
  દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
  અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
  હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
  આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
  રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
  કૉંક્રીટ ચાવતાં મશીનો અને
  અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
  કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
  જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
  ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
  હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
  તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
  SAME DIDI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s