Archive | ફેબ્રુવારી 2013

માણસનો પ્રકૃતિ સાથેનો વેલેન્ટાઈન ડે એટલે વસંત પંચમી

આપણને સવાલો બહુ થાય છે અને એના ઉત્તરો ય આપણે જાતે જ મારી-મચેડીને આપણી ઉપર ઠોકી બેસાડતા હોઈએ છે.

આવા જ કેટલાક સવાલઃ
ઊછીનો લીધેલો વેલેન્ટાઈન ડે આપણાંથી ઉજવાય કે નહિ?

પરદેશી વેલેન્ટાઈન ડે ઉજવવો કે આપણો દેશી તહેવાર વસંત પંચમી?

વેલેન્ટાઈન ડે ની ઊજવણી કરનારા બધા આપણીસંસ્કૃતિની ગરીમા નથી સાચવતા?

વસંત પંચમી ઊજવનારા બધા જ સંસ્કૃતિનું રખોપુ કરનારા છે?

છડેચોક પ્રેમનો એકરાર કરનાર યુવાનો શું સંસ્કાર લજવે છે?

આવા અનેક સવાલોની વાત મારે બિલકુલ નથી કરવી, કેમ કે આ સવાલો તો લાગતા-વળગતા દિવસો જેવા નજીક આવે એટલે છાપાઓની કોલમો અને હવે તો સોશિયલ સાઈટ્સ અને બ્લોગ્સ પર પણ સતત ઉછળતા જોવા મળે છે. પોતે આ વિષે શું માને છે એ કહેવા માટેની ઊછળ-કૂદ ચો-તરફ દેખાય છે પણ, ખુદ આ ઉત્સવોને કઈ રીતે ઊજવે છે અથવા ઊજવી શકે છે ય ખરા એ વિષે બહુ ઓછુ વાંચવા કે જોવા મળે છે.

વિરોધ કે સંમતિના એક ના એક બીબા-ઢાળ શબ્દો લઈને કોલમોમાં કુદી પડેલાઓને વાંચવા કે ઝંડાઓ લઈ નિકળી પડેલા નવરાઓને જોવા કરતા એ ઉત્સવોને ખરી રીતે ઊજવવાની મજા જ કંઈ ઓર છે.

વસંત પંચમી હોય કે વેલેન્ટાઈન ડે પણ આપણે કઈ રીતે માણી શકીએ છે એ અગત્યનું છે.

વેલેન્ટાઈન ડે ને ફક્ત પ્રેમી/ પ્રેમીકાના દિવસને બદલે કંઈક અલગ દ્રષ્ટિથી કેમ ન જોઈ શકીયે?
કંઈક અલગ રીતે કેમ ના મનાવી શકીયે? ઊધાર લીધેલા શબ્દો કે તૈયાર લીધેલા કાર્ડ કોઈને પધરાવવાને બદલે દિલમાંથી નિકળેલો એકાદ શબ્દ પણ કદાચ વધારે અસર કરે છે.
સચ્ચાઈથી સાથ નિભાવવાનું વચન એ મોંઘી ભેટો કરતા વધુ મુલ્યવાન છે એ આપણને ક્યારે સમજાશે?
આ દિવસે નાકના ટીચકા ચઢાવીને ફરતા મા-બાપ પોતાના સંતાનને એક મજાનું ફૂલ આપીને કેમ ના કહી શકે કે અમે તને ચાહીએ છે?
ગામ, શેરી કે મહોલ્લામાં પ્રેમના વિરોધની જોર-શોરથી ચર્ચાઓ ચગાવનારાઓએ ક્યારેય પોતાના દોસ્તો કે પત્નીને પણ પ્યારથી કહ્યુ છે કે હું તને ચાહુ છુ?
પ્રેમ જતાવવા માટે ભલે વેલેન્ટાઈન ડે ની રાહ જોવાની જરૂર નથી હોતી પણ કમ સે કમ આ દિવસને પ્રેમથી ઊજવી તો શકાય છે ને!!

એવો જ એક મજાનો તહેવાર વસંત પંચમી…
કુદરતના બદલાતા મિજાજને વધાવવા માટેનો આપણો આનંદોત્સવ.

spring

અનેક રૂપકોથી સજાવેલા શબ્દોનો, લેખોનો દૌર ચાલશે આ દિવસે પણ… કેટલાએ આ દિવસ કુદરતના સાનિધ્યમાં મૌજથી ઊજવશે?

શબ્દોને જ લખીને કે વાંચીને ખુશ ખુશ થઈ જનારાઓએ હવામાં ફેલાયેલી ફૂટતી તાજી કુંપળોની ખૂશ્બુ ફેફસામાં ભરી ખરી? પ્રકૃતિના વિધ વિધ રંગોને આંખોમાં કોણે કોણે સજાવ્યા? સજેલા વૃક્ષો ને જોઈને રુહ સુધીની ઠંડક કોણે મેહસુસ કરી? કોણે ગમતાનો ગુલાલ કરીને ખોબલે ખોબલે વધાવ્યા?

પ્રકૃતિ સાથે વેલેન્ટાઈન ડે મનાવવાની આ ખૂબસુરત મૌસમ છે તો રાહ શેની?

Picture5

વેલેન્ટાઈન ડે હોય કે વસંત પંચમી પણ, પ્રકૃતિ નો સાથ હોય ને મનગમતો હાથ હોય તો ત્યાં જ જિંદગી અને એ જ બંદગી…

Advertisements

“મા”

‘કીર્તિદા ત્રિલોક દવે’ અર્થાત ‘મારી મમ્મી’ અર્થાત ‘મા’…..

દુનિયાના અગણિત નામોમાંનું એક નામ પણ… એ એક જ નામનાં અગણિત રૂપ.

me & mummy

me & mummy

મા, તારા વિષે લખવુ એ તો દુનિયાનું સૌથી અઘરૂ કામ છે કેમ કે તને તો મેં સતત અનુભવી છે.
હસતી, હસાવતી, રમાડતી, જમાડતી, શીખવાડતી, પ્યારથી વઢતી, પાલવથી આંસુઓ લુછતી, ન થાકતી, ન હારતી, ઘર આખુ સંભાળતી, સુખદ ભવિષ્યના સપના જોતી, અમારી નાની સરખી જીત માં ય છલકાઈ ઉઠતી, અમારા સુખે સુખી અને અમારા દુઃખે દુઃખી થતી ‘મા’…
તુ દૂર હોય કે પાસે પણ મારા એક એક કામમાં તારી સુક્ષ્મ હાજરીનો એહસાસ તો હોય જ છે. એને શબ્દોમાં તો કેમ સમાવવો..?

‘મા’ને ઓળખવા માટે ‘મા’ને જીવવી પડે છે.
મોટા મોટા શબ્દોથી મારે તને મહાન નથી બનાવી દેવી ‘મા’. મારે તો તને મહેસૂસ કરાવવુ છે કે કોઈ જ અપેક્ષા વગરના તારા સ્નેહથી હું કેટલી ભીંજાયેલી છુ. તુ જ્યારે મારી આસ-પાસ હતી ત્યારે તારી આ ઝીણી-ઝીણી લાગણીઓનો, મારા ગમા- અણગમાના જતનનો, મારા માટે જીવાયેલી તારી એક એક ક્ષણનો મને એટલો એહસાસ નહોતો જેટલો તારાથી દૂર થયા પછી થાય છે. 

મને ખબર છે તુ ક્યારેય પુછીશ નહિં પણ મારે તને કંઈક કહેવુ છે. વાણી, વર્તન કે શબ્દો આપણી લાગણીને વધારે કે ઓછી નહિં કરી શકે તેમ છતા તુ ન હોય અને મને અફસોસ થાય કે હું તને કહી ન શકી એના કરતા તુ છે ને હું તને કહુ કે,  હું તને કેટલી ચાહુ છુ તો તને કેટલી ખુશી થશે, કેટલો સંતોષ થશે એ હું કલ્પી શકુ છુ મા..!!  

તુ મારો કેટલો ખયાલ કરે છે એનો મને ખ્યાલ છે જ. હું જન્મી ત્યારે તારો જે પ્યાર નીતરતો સ્પર્શ હતો એ જ સ્પર્શની હુંફ આજે પણ હું અનુભવી શકુ છુ, જ્યારે તુ માથે હાથ મુકે છે. તારાથી દૂર જતી ત્યારે ત્યારે તારી આંખોમાંથી વહેતુ દુઃખ મને સ્પર્શ્યુ છે ‘મા’. તારો ફોન આવે છે ને થોડા શબ્દોમાં તુ જે ખબર-અંતર ને પૂછપરછ કરે છે એની પાછળથી ટપકતી તારી નિઃશબ્દ લાગણીઓ મને અનુભવાય છે અને આ અઢીસો કિ.મી.ની દૂરી એક ઝાટકે કપાઈ જાય છે.

તારા ચહેરા પર ભલે સમયે ઝુર્રીઓ પાડી દીધી હોય પણ હું તારી પાસે આવુ છુ ત્યારે મને એ જ ચહેરો મળે છે જે વર્ષો પહેલા હતો, શાંત, સ્વસ્થ, મને જોઈને ખુશખુશાલ થતો….
તારી આંખો થાકી રહી છે પણ એ જ વહાલ ઝલકે છે એમાં. તારા હાથ વર્ષોનાં એકધારા કામ પછી ય થાક્યા નથી, એ જ ઊષ્મા છે એમાં.
‘મા’, તને ક્યારેય સાચા-ખોટા, સારા-ખરાબ કે બીજા એક પણ ત્રાજવાથી તોલી ન શકાય, તને ફક્ત ચાહી શકાય, પ્રેમથી છલકાવી શકાય. તારા ચહેરા પરનું સ્મિત બુઝાય નહિ અને સંતોષ છલકતો રહે એટલુ તારા માટે કરી શકુ તો ય સુકૂન મળશે તને, એ હું જાણું છુ મા.
મા.. તુ છે તો અને તો જ મારુ અસ્તિત્વ છે. તારા ગર્ભમાં પહેલી વાર આંખો ખોલી ત્યારથી લઈને આ આંખો બિડાશે ત્યાં સુધી તુ મારી અંદર ઝલકતી રહેશે, ધબકતી રહેશે.