Archive | માર્ચ 2013

જિંદગીનો એક જામ ચંદ્રકાંત બક્ષીને નામ

નામ જ એવું છે કે જે સાંભળતાજ નજર સામે એમનું આખું વ્યક્તિત્વ ઝળહળી ઉઠે. (આમ તો હલબલી ઉઠે એમ કહેવું પડે.)
જે વાંચે છે એમને તો કંઈ કહેવાનુ નથી અને નથી વાંચ્યા એમણે પહેલા વાંચવાની જરૂર છે. એટલે બક્ષીબાબુ વિષે તો મારે કંઈ કહેવાનું રહેતું જ નથી. પણ કહેવું એ છે કે શબ્દો જેમ ઈતિહાસ બદલી શકે છે એમ આખે-આખા માણસનેય બદલી શકે છે.

પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એ વાતમાં હું બિલકુલ નથી માનતી.
જિંદગીના અનુભવોની જેમ વાંચન પણ આપણને ઘણું શીખવાડે છે. અગત્યનું એ છે કે તમે એમાંથી જરૂરી એવું કેટલું ગ્રહણ કરીને એનો અમલ કરી શકો છો.

લગભગ ૧૫ વર્ષની ઉંમરથી કોમિક્સ અને વાર્તાઓ ઉપરાંત થોડા ગંભીર વાંચનની શરૂઆત કરી અને એ પણ ઓશોથી. કેમ કે પપ્પા વાંચતા હતા એટલે કુતુહલથી જ વાંચવાની શરૂ કરી.. પણ ઘરમાં પહેલેથી જ બધા જ સભ્યો વચ્ચે જે વંચાતું, જોવાતું, સાંભળવામાં આવતું એ વિષે ચર્ચાઓનો દૌર ચાલતો એટલે ઓશોને વાંચવામાંય એક સહજતા હતી. કોઈ પૂર્વગ્રહ વગરનું તર્કસંગત વાંચન હતું ત્યારે પણ. સમજવાની કોશિષ કરતી પણ મારી-મચડીને સમજ નહોતી પાડી.
આમ ઓશોથી શરૂઆત અને બક્ષીથી લગભગ અંત. અંત એટલા માટે કે એમને વાંચ્યા પછી કોઈને સંપૂર્ણ વાંચવાની ઈચ્છા જ નથી થતી. ટુકડે ટુકડે અલગ અલગ લેખકો વંચાય છે પણ જેને વાંચવાની રીતસરની ધૂન લાગે એવું તો કોઈ જ ના મળ્યું.

બક્ષીબાબુને એક વાર વાંચવાની શરૂઆત કરી, એ પણ લગભગ ૨૪-૨૫ વર્ષની ઉંમર પછી…(ત્યારે ઘણા-ખરા ફેમસ(!!) ગુજરાતી લેખકો વંચાઈ ગયા હતા.) પણ પછી તો લગભગ એક ઝનુનથી વાંચતી ગઈ. એક અજીબ સંમોહન હતું એમની કલમમાં. જરૂરી નહોતું કે એમની દરેક વાત પર સંમત થવું પણ, એને અવગણી તો ના જ શકાતું. એક વાર વાંચવું તો પડતું જ. આખી દુનિયાના સાહિત્યના દરવાજા ખુલતાં ગયાં, એક પછી એક જાણે એક પરીકથાની જેમ….

ગુજરાત બહારની દુનિયા શું કરે છે, શું વિચારે છે, કેવું લખાય છે, કેવું વંચાય છે એ બધુ દિમાગમાં ઉભરતું ગયું. જેમ જેમ વંચાતું ગયું એમ એમ દુનિયા જોવાનો પૂરો નજરિયો બદલાતો ગયો.
(બાકી સાર્ત્ર, કામ્યુ, કાફ્કા કે નિત્શેના ભડકતા વિચારોએ દુનિયામાં કેવી આંધી સર્જી હતી એ જાણી ન શકાયું હોત અથવા ગુજરાતીમાં તો ઘણું મોડું અને થોડું જાણવા મળ્યું હોત. બક્ષીબાબુ એ આ લોકોના વ્યક્તિત્વનો/વિચારોનો અર્ક ટપકાવ્યો હતો.)

એક જાતનો હેંગ-ઓવર…

૧૯૫૦ના દાયકામાં ૨૧૫૦ના વિચારો સાથે જીવવું અને કોઈનીય (દૂરી-તીરી-પંજાની 🙂 ) તમા કર્યા વિના એ એસિડિક વિચારોને ચાબુકના ફટકારની ભાષામાં સમાજ પર બ-ખૂબીથી વિંઝવા એ માત્ર અને માત્ર બક્ષી જ કરી શકે. ( એકો અહં દ્વિતિયો નાસ્તિ. ન ભૂતો ન ભવિષ્યતિ. )

સારું લખો, સુંદર લખો, સરસ વિચારો, સારું બોલો…. આ કઈ બલાઓના નામછે!!!!?
સુગર કોટેડ શબ્દોથી રચેલી કાલ્પનિક દુનિયા અને અને રોટી માટે વેઠ કરાવતી લોહીઝાણ વાસ્તવિકતા વચ્ચેનો ફર્ક પરિણામની પરવા કર્યા વિના બે-ઝિઝક આપણી સમક્ષ ઉજાગર કર્યો.

સત્યં બ્રુયાત પ્રિયં બ્રુયાત એ સરાસર બકવાસ છે.સત્ય હંમેશા પ્રિય જ નથી હોતું. સત્ય વાગે છે, ચચરે છે, ઝાટકાઓ આપે છે. એ દુનિયાને કહેવા અને સાબિત કરવા માટે લોખંડી જિગર હોવું જરૂરી છે. (એક આડવાતઃ કડવા પ્રવચનો આપનારે ય પોતાની સાથે બંદુકધારી ગાર્ડ લઈને ફરવું પડે છે.)

જિંદગીમાં બધુ જ સારું-સારું, ગમતું ને ખુશ ખુશ થઈ જવા જેવું નથી હોતું, છતાંય તકલીફોના દિવસમાં બડી મસ્તીથી ગાઈ શકાય છે કે: ‘તુ ફિર આ ગઈ ગર્દિશે આસમાની.. બડી મહર્બાની બડી મહર્બાની…
(જિંદગીના દુ:ખોનેય ખુશ્બૂદાર કઈ રીતે બનાવવાં અને સાથે સાથે
ગર્દિશના દિવસોના દૌર વચ્ચે જિંદગીને ધીરે ધીરે ટપકતી કઈ રીતે સાંભળી શકાય છે એ પણ એમણે શિખવાડ્યું.)

બધી જ વાત કે ઘટનાઓનો અંત સુખદ જ નથી હોતો (ખાધું, પિધુંને રાજ કર્યું જેવો!!).

જિંદગી ૨૦૦૦ વોલ્ટનો ઝટકો આપી જાય ત્યારે વજ્જરની છાતી અને દિમાગ રાખવું પડે છે ખમી શકવા માટે.
(આમ કોઈની ય સામે આંખો ઝુકાવ્યા વિના કે પૂંછડી પટપટાવ્યા વિના ખુમારી, ખુદ્દારીથી જીવતા શિખવામાંય બક્ષીનો હાથ છે.)

પ્રેમ છાનો છપનો, ગુલાબી, લીસ્સી ને સુંવાળી કવિતાની ભાષામાં જ નહિ પણ દિલ ફાડીને, છાતી ફાડીનેય થઈ શકે છે. (પ્રેમમાંય એક્ષ્ટ્રીમ લેવલ 🙂 )

એક સ્ત્રી રસોઈ ઘર અને સાજ-શણગારમાંથી બહાર નિકળીને ઈચ્છા પડે તો બારમાં બેસી શરાબના ઘુંટ પણ ગટગટાવી શકે છે અને એ ય દુનિયાભરની ચર્ચાઓ કરતાં કરતાં. (આ વાંચીને તો અત્યારનીય ઘણી ખરી સ્ત્રીઓ ધ્રુજી જાય..!!!)

એકલી વિધવા સ્ત્રી આઈના સામે સિગરેટ ફૂંકતા ફૂંકતા વિચારી શકે છે કે હું કંઈ પણ કરીશ એ મને ખુદને ગમતું હશે એ કરીશ, દુનિયાને ગમાડવા માટે નહિ. (કેટલી સ્વતંત્ર મિજાજની સ્ત્રી વિષે વાત કરે છે, જેની તો એ જમાનામાં એક સ્ત્રી સુધ્ધા પણ કલ્પના ન કરી શકતી.)

ગોરી, સુંવાળી, શરમાળ મુગ્ધાઓ સિવાયની કન્યાઓ પણ છે દુનિયામાં,
કાળી, ૯૮.૬ ડીગ્રી તાપમાનથી ધબકતા શરીરવાળી, ભુમધ્ય સમુદ્રનો તડકો પાયેલી, મજબુત,ચુસ્ત, છરહરા શરીરવાળી,ભડકતા મિજાજની, કાળા નિમકની તામસિક વાસથી તરબતર…માદા…. જિંદગી ચુસી લેતી કાળી સ્ત્રી.
(આહ…. દિમાગના તાર ઝણઝણી ઉઠતા સ્ત્રી વિષે વાંચતા વાંચતા. ના પહેલા ક્યાંય સાંભળેલું કે ના વાંચેલું..!!! ત્યારના સમયની મોટાભાગની ગુજરાતી સ્ત્રીઓને જોયા પછી આવી સ્ત્રીઓ વિષે વાંચીને ઝટકો ના લાગે એવું બને ખરું..!!!?)

સ્ત્રીઓ જલદી જલદી પરણી નાખે છે. પછી છોકરા પેદા કરે છે, બે ટંક જમાડે છે, સારા સંસ્કાર શીખવે છે, માણસ બનાવે છે, પરણાવે છે, આત્મસંતોષ સાથે…. અને બીમાર પડે છે. પછી છોકરાઓ પાસે સેવાની આશા રાખે છે.
(આ સિવાયની સ્ત્રીઓ પણ હોઈ શકે છે અને આ બધા કામ સિવાય સ્ત્રી બીજા કામો માટેય બની છે એ બતાવવા માટે ઘર અને ગુજરાત બહારના વિશ્વનો દરવાજો બક્ષીએ ખોલી આપ્યો.)

વાતે વાતે આંસુ અને શર્મ જેવી ટિપિકલ કમજોરીઓ પર વિજય મેળવવાથી લઈને ખુદને સ્ત્રી તરીકે અતિ ગંભીરતાથી ન લેવાનું…

જે વિચારીએ છે, એને લોકો શું વિચારશે એની પરવા કર્યા વિના બે-ઝિઝક દુનિયા સમક્ષ મુકવાનું…

સમાજે આપણાં આચારો-વિચારોનું જે રીતે કંડિશનિંગ કરી નાખ્યું હોય છે એમાંથી બહાર આવીને સ્વતંત્ર બુધ્ધિથી વિચારવાનું અને ખુદને જે યોગ્ય લાગે એ જ આચરવાનું…

ખુદની ખુદ્દારી, દિમાગની ખુમારી, પરિવાર કે મિત્રો માટેની જવાબદારીને ક્યારેય ન છોડવાનું…

આવી નાની પણ મહત્વની ઘણી વાતો હું શીખી છું.

ખેર….

૨૫ માર્ચ, ૨૦૦૬નો એ દિવસ…

સાંજે મમ્મીનો ફોન આવ્યો (મારી ઘરે ત્યારે ટી.વી. નહોતું અને છાપુંય ના આવતું) કે ચંદ્રકાંત બક્ષી ગુજરી ગયા… ને એક સખ્ત આંચકો..!!!! દિમાગ બંધ..!! અને આંખોમાંથી ફક્ત પાણી નહિ પણ જાણે વીજ ગર્જના સાથેનો વરસાદ….
આસપાસમાં સગાં હતાં એમણે પુછ્યું કે એકદમ આ શું થયું? કોઈ સગા મરી ગયા? અંગત હતાં?
શું કહું હું?

ના… અંગત કોઈ નહોતું,
હું તો એમને ક્યારેય મળી નહોતી, ક્યારેય સાંભળ્યા પણ નહોતા. બસ શબ્દોની ઓળખાણ હતી અને બે-ત્રણ પત્રો થકી એમને પણ મારા નામ સાથેની ઓળખાણ હતી એટલું જ….

અંગતથી કંઈક વિશેષ…

અક્ષરોમાં સચવાયેલી એક યાદ…

ckbaxi

અને અંતે….

પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી…જીવવું પડે છે એની સાથે!

હું માદાઓની વાત કરતી નથી, હું બુદ્ધિશાળી સ્ત્રીની વાત કરું છું. પ્રેમ કરવામાં બુદ્ધિની જરાય જરૂર પડતી નથી, ઋતુમાં આવે છે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે.

આ દુનિયા પુરુષો ચલાવે છે પણ કોઈ પુરુષના સ્વપ્નના મોડેલ રમકડા તરીકે મારી આખી જિંદગી ફેંકી દેવી એ મારા ખૂનમાં નથી. મારા સૌંદર્ય માટે કોઈ મારી ચામડીને પ્રેમ કર્યા કરે એના કરતાં મારી બુદ્ધિ, મારી પ્રગતિ માટે કોઈ મને આદર આપે એ મારો આદર્શ છે. બુદ્ધિ, શક્તિ, સત્તા… જે પુરુષની દુનિયા છે એ મારે જીતવી છે. એ જ સાચી સ્વતંત્રતા છે.

મારે પતંગિયાની સ્વતંત્રતા જોઈતી નથી, બેડરૂમમાં ઘૂસીને રેશમી ગુલાબી અન્ડરવેર પહેરીને આયના સામે નાચ્યાં કરવું એ મારી પ્રકૃતિ નથી…
(આ એમની નવલકથાના તેજાબી સંવાદો છે પણ આ વાગે અને લોહી નીકળે એવું હળાહળ સત્ય છે અને મને સૌથી પ્રિય છે.)

Advertisements

આઝાદી

“મારો ભવ સુધરી ગયો. બહુ ઓછી સ્ત્રીઓને લગ્ન પછી આટલી સ્વતંત્રતા નસીબ થાય છે.”  કોશા એ આનંદના આવેશમાં કહ્યુ.

“અરે.. કહે તો ખરી પણ કઈ રીતે..!!?”  હિમાચલ પ્રદેશના ટ્રેકિંગ કેમ્પમાં મારી પાર્ટનર રહી ચુકેલી અને સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગમાં માનનારી એક વખતની સીધી- સાદી કોશાને ભારે સાડી, ઘરેણાં અને મેક-અપના ઠઠારામાં જોઈને જરા આશ્ચર્યથી પુછ્યુ.

” મારી સામે તો જો યાર, લગ્ન પછી મને બધી જ છુટ આપવામાં આવી છે. ઘરમાં સસરાને  અને બહાર સમાજને  વાંધો ન હોય એ બધુ જ હું  પહેરી શકુ છુ.  મારા વરને જ્યારે પણ છુટ્ટી હોય ત્યારે એમને ગમતી જગ્યાઓએ ફરવા અને જરૂર પડે તો બિઝનેસ પાર્ટીઓમાં બધે જ મને લઈ જાય છે અને હા…. મારા સાસુને તો ઘરમાં ય વહુ રુમઝુમ કરતી ગમે. ઘરેણાં વગરની તો બિલકુલ ના ગમે એટલે મને જોઈએ એવા દર-દાગીના લઈ લેવાની ય છુટ આપી દીધી છે.”

મારાથી આઘાતમાં બોલાઈ ગયુ.. ” સોનાનું પિંજર મુબારક”.

(દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર અને ગુજરાતી લેખક મંડળ નીચે ચાલતા લેખિકા મંચ ભાવનગર દ્વારા મહિ‌લા વિષયક લઘુકથા સ્પર્ધામાં મારી આ રચના દ્વિતિય ક્રમે વિજેતા થઈ.)

m2

સુરત તારી ચાહત વિષે…

I WON the Contest of “I Love Surat”. I Judged and awarded by Dr. Mukul choksi & Raeesh Maniyar.
I am Proud of being Surti 🙂
I expressed my Love to Surat By this Poetry.

સુરત…
હું તને ચાહું છું.
ચાહત કેમ છે એનું કોઈ તારણ નથી
પણ, અમસ્તુ જ એ તો કોઈ કારણ નથી.

દિવસ ઉઘડે છે ને તારા રસ્તાઓ પર મારા કદમ મંડાય છે ત્યારે
તેજ ભાગતી જિંદગીય જરા અટકીને તારા રંગો જોવા લલચાય છે.
તારા કિલ્લાઓની રાંગ પરથી ચમકતો તડકો મારી આંખોમાં અંજાય છે ને
સુરત, તારો ઈતિહાસ ઝળહળી જાય છે મારી અંદર.

તારા આકાશમાં ચમકતા સૂરજ અને ચાંદ મને પોતીકા લાગ્યાછે કાયમ.
તારી ધરતીની ધૂળ મને હંમેશા સાદ કરે છે,
ભલે હું હોઉં દુનિયાના કોઈ પણ ખૂણામાં.
તારો તડકો મારી ચામડીને મ્હારો લાગે છે ને
ફેફસાઓને તો વળગણ છે તારી હવાનું તું માનશે?

મારા શ્વાસોમાં તું પડઘાય છે તો રક્તમાં ક્યાંક ખળખળે છે.
તારી ગલીઓમાં ક્યાંક ગની દહીવાલા તો ક્યાંક રઈશ મણિયાર ગુંજે છે.
તો ક્યાંક તખ્તાઓ પરથી ગુંજતા સંવાદોમાં તારો આત્મા ગરજે છે.
આખા વિશ્વમાં શોભતા હીરાનાં ઘાટમાં ક્યાંક તારી ચમક જોઉં ને
મન તારી ગલીઓમાં ભૂલું પડે છે.
તારા દરિયાકિનારે ગાળેલી સાંજો ને એ ભરતીના મોજાઓની છોળો
તારી યાદને ભિંજાયેલી રાખે છે.

વર્ષોથી વહેતી તાપ્તીએ સીંચેલી ખુમારી, ખુદ્દારીથી મન તરબતર છે મારું.
મ્હારું સુરત, ખૂબસુરત, સતરંગી, મનરંગી, મિજાજી, મૌજીલું ને ખુશહાલ સુરત.

હું તને ચાહું છું,
એટલા માટે જ નહિ કે હું તારામાં વસું છું પણ,
એટલેય ખરું કે તું મારામાં ધબકે છે સુરત…

મારી કવિતા મારા અવાજમા 🙂

સ્ત્રી અને સાહસ…

સ્ત્રી…
આ શબ્દ પર અનેક વ્યાખ્યાઓ અને અનેક આખ્યાનો રચાયેલા છે અને હજુ રચાશે. મારે એ વાત નથી કરવી કે સ્ત્રી એ કેવી શક્તિ છે કે, સ્ત્રી વિષે વેદ-પુરાણોમાં શું લખાયેલુ છે કે પછી સ્ત્રી વિષે કેવા વિધાનો થયા છે.
સ્ત્રી સશક્તિકરણ વર્ષો ઉજવવા પડે છે અહીં કેમ? કેમ સ્ત્રીને પોતાની શક્તિ વિષે જાગ્રત કરવા માટેના અભિયાનો ચાલે છે? કેમ સ્ત્રી સમાનતા કે સ્વતંત્રતાના મોરચાઓ કાઢવા પડે  છે? કદાચ એટલે કે યુગોથી એક જ પ્રકારની ધારાઓમાં કે એક જ પ્રકારના નિયમોમાં ચાલતી આવતી સ્ત્રી અને સ્ત્રીઓ વિષે એક જ પ્રકારનો અભિપ્રાય ધરાવતા પુરૂષને કારણે.
જો કે આમાં ફક્ત થોડા વર્ષોથી પણ ધરખમ બદલાવ પણ આવી રહ્યો છે. સ્ત્રીની દુનિયામાં આજ-કાલ દરેક વિષયોને સ્થાન છે પણ એક ક્ષેત્ર સ્ત્રીઓ દ્વારા હજુ લગભગ વણ ખેડાયેલ જેવુ જ કહી શકાય એ ક્ષેત્ર એટલે એડવેન્ચરનું ક્ષેત્ર. અહીં સ્ત્રીઓ કેમ ઓછી જોવા મળે છે એ ય સંશોધનનો વિષય છે. આપણે ગુજરાતી છીએ એટલે ગુજરાતની જ વાત સમજવી.
 હા… ગુજરાતી પુરૂષો માટે ય ઉદ્યોગ સાહસિકતા સિવાયના સાહસો એ કોઈ બલાનું નામ છે એ આડવાત છે. હદ તો ત્યાં છે કે ગુજરાત આખામાં એડવેન્ચર શોધો તો પેરા-ગ્લાઈડિંગ કે વોટર સ્કૂટર જેવા રડ્યા ખડ્યા નામો સિવાય કંઈ ના મળે.

ખેર…
આપણે વાત કરતા હતા સ્ત્રી વિષે.
સ્ત્રી શક્તિનું રૂપ કહેવાય છે પણ પહાડો ચઢવા માટે એનામાં શક્તિ નથી કે પછી એના રસનાં વિષયોમાં આનું સ્થાન નથી? સ્ત્રીઓ હજુ પણ પ્રવાસ કે ટ્રેકિંગમાં એકલી નિકળતા અચકાય છે. સર્ફિંગ, સ્કીઈંગ, બન્જી જમ્પિંગ, કે માઉન્ટેનીઅરીંગ જેવા શબ્દો તો મોટાભાગના એ કદાચ બપોરે કામ પતાવી આડા પડે ત્યારે કોઈ મેગેઝિનોમાં વાંચ્યા હશે એટલુ જ. એકલી સ્ત્રીને બહાર પડતી તકલીફોની વાત પછી છે પણ પહેલી વાત તો એ કે એ એકલી આવુ કંઈ કરી શકે એ વાત માનસિક રીતે સ્વીકારી જ નથી શકતી. ગણી ગાંઠી સ્ત્રીઓ કે છોકરીઓ હિંમત કરે તો પતિદેવો(!) કે વડીલો જાત જાતની બીક બતાવીને ગભરાવી મુકે એમ છે.
તમારાથી આ ન કરાય કે તમારૂ આમાં કામ નહી જેવા શબ્દો તો ગુજરાતી પરિવારમાં આમ વાત છે. ખાસ વાત તો એ કે મોટે ભાગે તો સ્ત્રીઓ જ માની લે છે કે અમારૂ આ કામ નહિં.
ક્યારેક વળી કોઈ વિરાંગના ક્યાંકથી નિકળી આવે અને એડવેન્ચર ને લગતો કોઈ કોર્સ કે ટ્રેનિંગ લેવાની વાત કરે (ખાસ તો લગ્ન પછી) તો તો બૈરૂ નામનું પ્રાણી આવુ કંઈ વિચારી પણ શકે છે એમ સાંભળીને ઘણાં-ખરા ગુજ્જુ પતિઓ ઘરમાં હુલ્લડ મચાવી દે. 🙂

પણ, આપણે થોડા ગહેરાઈમાં જઈએ અને ઉત્ક્રાન્તિવાદના નિયમ પર સરસરી નજર કરીએ તો એમ લાગે છે કે વર્ષોથી સ્ત્રીઓને એક ઢાંચામાં ઢાળી દેવાઈ છે. એનુ કામ અને એનુ સ્થાન ઘરમાં જ નક્કી કરી દેવામાં આવ્યુ, જેથી કાળ ક્રમે સ્ત્રીનું શારીરીક બંધારણ એ જ ચોકઠામાં ગોઠવાઈ ગયુ હોવુ જોઈએ. એક સામાજીક વ્યવસ્થા રૂપે આવી શરૂઆત થઈ હશે પણ ધીમે ધીમે એનુ એક પ્રકારની જડતાથી પાલન થવા માંડ્યુ. ઘરનું હળવુ પણ ચીવટ વાળુ કામ સ્ત્રીઓ કરે અને બહારનું ભારે અને વધુ શારીરીક બળ લગાવવુ પડે એવુ કામ પુરૂષોના માથે આવ્યુ. એટલે તેઓનુ શરીર એ રીતે ટેવાવા લાગ્યુ.

પણ… તકલીફ ત્યાં છે કે શારીરીકની સાથે માનસિક રીતે પણ આપણે ઢીલુ/નબળુ વિચારતા થઈ ગયા છે. આ મારૂ કામ નહિ એ માનસિકતામાંથી બહાર નિકળવાની જરૂર છે. ચેહરો ચળકતો રાખવાની સાથે સાથે શરીર પણ શેપમાં રાખવાની જરૂર છે. કીટી પાર્ટીઓ અને મહિલા મંડળોની મહિલાઓ એ વાનગી અને મેક-અપ સ્પર્ધાઓની સાથે સાથે પર્વતારોહણ કેમ્પ રાખવાની પણ જરૂર છે. આજે હજુ કોઈ બાઈક ચલાવતી છોકરી જુએ તો રસ્તા પર નવુ પ્રાણી હોય એમ લોકો તાકી રહે છે. ત્યારે એમ થાય કે સ્સાલુ એવા દિવસો આવવા જોઈએ કે સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને આપણાં જ શહેરની નદીઓ કે દરિયામાં કોઈ વોટર સર્ફિંગ કરતી છોકરીઓ (સ્ત્રીઓ પણ આવી ગઈ એમાં) જોઈને ય બહુ સહજ લાગે, બિલકુલ રોજિંદુ, સામાન્ય….

surfing

પરિવર્તનના નિયમાનુસાર હવે બધુ બહુ ઝડપથી બદલાઈ રહ્યુ છે. બદલાવને વખોડવાને બદલે સ્ત્રી,પુરૂષ કે બાળકો દરેકે આ રીતે ટેવાતા શીખવુ પડશે. હવે સ્ત્રી ફક્ત હોમ મેકર જ નથી એ કેરીઅર મેકર પણ છે સાથે સાથે એ પોતાના રસનાં વિષયો નક્કી કરવા માટે પણ સ્વતંત્ર છે. કાશ એ બાળકોને પતિ સાથે રાખીને અને થોડા દિવસોની રસોઈનું કામ પતિદેવોને સોંપીને ય એ વધારે દૂર નહિં પણ કમ સે કમ સાસણ ગીર કે સાપુતારા ટ્રેકિંગમાં જાય કે પછી માઉન્ટ આબુ કે મનાલી જઈ માઉન્ટેનીઅરીંગનું પ્રશિક્ષણ લઈ શકે એવા દિવસો બહુ દૂર ના હોય..!! માતા-પિતા પોતાની દીકરી ને કે પતિ એની પત્નીને એડવેન્ચરના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન અને ખાસ તો સાથ આપે એ જરૂરી છે.

અંતે સૌથી મહત્વની વાત… કે પહેલા એક સ્ત્રી એ પોતાના સ્ત્રી હોવાથી શું શું ના થઈ શકે એના મસમોટા લિસ્ટને ફગાવી દેવાની જરૂર છે.

પછી જુઓ કમાલ કે આપણે ય કેવી કરી શકીએ છે ધમાલ.
રવાના કરીએ પુરાણાં ખયાલ, સાહસોનાં ઉડાડીએ ગુલાલ.