જિંદગીનો એક જામ ચંદ્રકાંત બક્ષીને નામ


નામ જ એવું છે કે જે સાંભળતાજ નજર સામે એમનું આખું વ્યક્તિત્વ ઝળહળી ઉઠે. (આમ તો હલબલી ઉઠે એમ કહેવું પડે.)
જે વાંચે છે એમને તો કંઈ કહેવાનુ નથી અને નથી વાંચ્યા એમણે પહેલા વાંચવાની જરૂર છે. એટલે બક્ષીબાબુ વિષે તો મારે કંઈ કહેવાનું રહેતું જ નથી. પણ કહેવું એ છે કે શબ્દો જેમ ઈતિહાસ બદલી શકે છે એમ આખે-આખા માણસનેય બદલી શકે છે.

પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એ વાતમાં હું બિલકુલ નથી માનતી.
જિંદગીના અનુભવોની જેમ વાંચન પણ આપણને ઘણું શીખવાડે છે. અગત્યનું એ છે કે તમે એમાંથી જરૂરી એવું કેટલું ગ્રહણ કરીને એનો અમલ કરી શકો છો.

લગભગ ૧૫ વર્ષની ઉંમરથી કોમિક્સ અને વાર્તાઓ ઉપરાંત થોડા ગંભીર વાંચનની શરૂઆત કરી અને એ પણ ઓશોથી. કેમ કે પપ્પા વાંચતા હતા એટલે કુતુહલથી જ વાંચવાની શરૂ કરી.. પણ ઘરમાં પહેલેથી જ બધા જ સભ્યો વચ્ચે જે વંચાતું, જોવાતું, સાંભળવામાં આવતું એ વિષે ચર્ચાઓનો દૌર ચાલતો એટલે ઓશોને વાંચવામાંય એક સહજતા હતી. કોઈ પૂર્વગ્રહ વગરનું તર્કસંગત વાંચન હતું ત્યારે પણ. સમજવાની કોશિષ કરતી પણ મારી-મચડીને સમજ નહોતી પાડી.
આમ ઓશોથી શરૂઆત અને બક્ષીથી લગભગ અંત. અંત એટલા માટે કે એમને વાંચ્યા પછી કોઈને સંપૂર્ણ વાંચવાની ઈચ્છા જ નથી થતી. ટુકડે ટુકડે અલગ અલગ લેખકો વંચાય છે પણ જેને વાંચવાની રીતસરની ધૂન લાગે એવું તો કોઈ જ ના મળ્યું.

બક્ષીબાબુને એક વાર વાંચવાની શરૂઆત કરી, એ પણ લગભગ ૨૪-૨૫ વર્ષની ઉંમર પછી…(ત્યારે ઘણા-ખરા ફેમસ(!!) ગુજરાતી લેખકો વંચાઈ ગયા હતા.) પણ પછી તો લગભગ એક ઝનુનથી વાંચતી ગઈ. એક અજીબ સંમોહન હતું એમની કલમમાં. જરૂરી નહોતું કે એમની દરેક વાત પર સંમત થવું પણ, એને અવગણી તો ના જ શકાતું. એક વાર વાંચવું તો પડતું જ. આખી દુનિયાના સાહિત્યના દરવાજા ખુલતાં ગયાં, એક પછી એક જાણે એક પરીકથાની જેમ….

ગુજરાત બહારની દુનિયા શું કરે છે, શું વિચારે છે, કેવું લખાય છે, કેવું વંચાય છે એ બધુ દિમાગમાં ઉભરતું ગયું. જેમ જેમ વંચાતું ગયું એમ એમ દુનિયા જોવાનો પૂરો નજરિયો બદલાતો ગયો.
(બાકી સાર્ત્ર, કામ્યુ, કાફ્કા કે નિત્શેના ભડકતા વિચારોએ દુનિયામાં કેવી આંધી સર્જી હતી એ જાણી ન શકાયું હોત અથવા ગુજરાતીમાં તો ઘણું મોડું અને થોડું જાણવા મળ્યું હોત. બક્ષીબાબુ એ આ લોકોના વ્યક્તિત્વનો/વિચારોનો અર્ક ટપકાવ્યો હતો.)

એક જાતનો હેંગ-ઓવર…

૧૯૫૦ના દાયકામાં ૨૧૫૦ના વિચારો સાથે જીવવું અને કોઈનીય (દૂરી-તીરી-પંજાની 🙂 ) તમા કર્યા વિના એ એસિડિક વિચારોને ચાબુકના ફટકારની ભાષામાં સમાજ પર બ-ખૂબીથી વિંઝવા એ માત્ર અને માત્ર બક્ષી જ કરી શકે. ( એકો અહં દ્વિતિયો નાસ્તિ. ન ભૂતો ન ભવિષ્યતિ. )

સારું લખો, સુંદર લખો, સરસ વિચારો, સારું બોલો…. આ કઈ બલાઓના નામછે!!!!?
સુગર કોટેડ શબ્દોથી રચેલી કાલ્પનિક દુનિયા અને અને રોટી માટે વેઠ કરાવતી લોહીઝાણ વાસ્તવિકતા વચ્ચેનો ફર્ક પરિણામની પરવા કર્યા વિના બે-ઝિઝક આપણી સમક્ષ ઉજાગર કર્યો.

સત્યં બ્રુયાત પ્રિયં બ્રુયાત એ સરાસર બકવાસ છે.સત્ય હંમેશા પ્રિય જ નથી હોતું. સત્ય વાગે છે, ચચરે છે, ઝાટકાઓ આપે છે. એ દુનિયાને કહેવા અને સાબિત કરવા માટે લોખંડી જિગર હોવું જરૂરી છે. (એક આડવાતઃ કડવા પ્રવચનો આપનારે ય પોતાની સાથે બંદુકધારી ગાર્ડ લઈને ફરવું પડે છે.)

જિંદગીમાં બધુ જ સારું-સારું, ગમતું ને ખુશ ખુશ થઈ જવા જેવું નથી હોતું, છતાંય તકલીફોના દિવસમાં બડી મસ્તીથી ગાઈ શકાય છે કે: ‘તુ ફિર આ ગઈ ગર્દિશે આસમાની.. બડી મહર્બાની બડી મહર્બાની…
(જિંદગીના દુ:ખોનેય ખુશ્બૂદાર કઈ રીતે બનાવવાં અને સાથે સાથે
ગર્દિશના દિવસોના દૌર વચ્ચે જિંદગીને ધીરે ધીરે ટપકતી કઈ રીતે સાંભળી શકાય છે એ પણ એમણે શિખવાડ્યું.)

બધી જ વાત કે ઘટનાઓનો અંત સુખદ જ નથી હોતો (ખાધું, પિધુંને રાજ કર્યું જેવો!!).

જિંદગી ૨૦૦૦ વોલ્ટનો ઝટકો આપી જાય ત્યારે વજ્જરની છાતી અને દિમાગ રાખવું પડે છે ખમી શકવા માટે.
(આમ કોઈની ય સામે આંખો ઝુકાવ્યા વિના કે પૂંછડી પટપટાવ્યા વિના ખુમારી, ખુદ્દારીથી જીવતા શિખવામાંય બક્ષીનો હાથ છે.)

પ્રેમ છાનો છપનો, ગુલાબી, લીસ્સી ને સુંવાળી કવિતાની ભાષામાં જ નહિ પણ દિલ ફાડીને, છાતી ફાડીનેય થઈ શકે છે. (પ્રેમમાંય એક્ષ્ટ્રીમ લેવલ 🙂 )

એક સ્ત્રી રસોઈ ઘર અને સાજ-શણગારમાંથી બહાર નિકળીને ઈચ્છા પડે તો બારમાં બેસી શરાબના ઘુંટ પણ ગટગટાવી શકે છે અને એ ય દુનિયાભરની ચર્ચાઓ કરતાં કરતાં. (આ વાંચીને તો અત્યારનીય ઘણી ખરી સ્ત્રીઓ ધ્રુજી જાય..!!!)

એકલી વિધવા સ્ત્રી આઈના સામે સિગરેટ ફૂંકતા ફૂંકતા વિચારી શકે છે કે હું કંઈ પણ કરીશ એ મને ખુદને ગમતું હશે એ કરીશ, દુનિયાને ગમાડવા માટે નહિ. (કેટલી સ્વતંત્ર મિજાજની સ્ત્રી વિષે વાત કરે છે, જેની તો એ જમાનામાં એક સ્ત્રી સુધ્ધા પણ કલ્પના ન કરી શકતી.)

ગોરી, સુંવાળી, શરમાળ મુગ્ધાઓ સિવાયની કન્યાઓ પણ છે દુનિયામાં,
કાળી, ૯૮.૬ ડીગ્રી તાપમાનથી ધબકતા શરીરવાળી, ભુમધ્ય સમુદ્રનો તડકો પાયેલી, મજબુત,ચુસ્ત, છરહરા શરીરવાળી,ભડકતા મિજાજની, કાળા નિમકની તામસિક વાસથી તરબતર…માદા…. જિંદગી ચુસી લેતી કાળી સ્ત્રી.
(આહ…. દિમાગના તાર ઝણઝણી ઉઠતા સ્ત્રી વિષે વાંચતા વાંચતા. ના પહેલા ક્યાંય સાંભળેલું કે ના વાંચેલું..!!! ત્યારના સમયની મોટાભાગની ગુજરાતી સ્ત્રીઓને જોયા પછી આવી સ્ત્રીઓ વિષે વાંચીને ઝટકો ના લાગે એવું બને ખરું..!!!?)

સ્ત્રીઓ જલદી જલદી પરણી નાખે છે. પછી છોકરા પેદા કરે છે, બે ટંક જમાડે છે, સારા સંસ્કાર શીખવે છે, માણસ બનાવે છે, પરણાવે છે, આત્મસંતોષ સાથે…. અને બીમાર પડે છે. પછી છોકરાઓ પાસે સેવાની આશા રાખે છે.
(આ સિવાયની સ્ત્રીઓ પણ હોઈ શકે છે અને આ બધા કામ સિવાય સ્ત્રી બીજા કામો માટેય બની છે એ બતાવવા માટે ઘર અને ગુજરાત બહારના વિશ્વનો દરવાજો બક્ષીએ ખોલી આપ્યો.)

વાતે વાતે આંસુ અને શર્મ જેવી ટિપિકલ કમજોરીઓ પર વિજય મેળવવાથી લઈને ખુદને સ્ત્રી તરીકે અતિ ગંભીરતાથી ન લેવાનું…

જે વિચારીએ છે, એને લોકો શું વિચારશે એની પરવા કર્યા વિના બે-ઝિઝક દુનિયા સમક્ષ મુકવાનું…

સમાજે આપણાં આચારો-વિચારોનું જે રીતે કંડિશનિંગ કરી નાખ્યું હોય છે એમાંથી બહાર આવીને સ્વતંત્ર બુધ્ધિથી વિચારવાનું અને ખુદને જે યોગ્ય લાગે એ જ આચરવાનું…

ખુદની ખુદ્દારી, દિમાગની ખુમારી, પરિવાર કે મિત્રો માટેની જવાબદારીને ક્યારેય ન છોડવાનું…

આવી નાની પણ મહત્વની ઘણી વાતો હું શીખી છું.

ખેર….

૨૫ માર્ચ, ૨૦૦૬નો એ દિવસ…

સાંજે મમ્મીનો ફોન આવ્યો (મારી ઘરે ત્યારે ટી.વી. નહોતું અને છાપુંય ના આવતું) કે ચંદ્રકાંત બક્ષી ગુજરી ગયા… ને એક સખ્ત આંચકો..!!!! દિમાગ બંધ..!! અને આંખોમાંથી ફક્ત પાણી નહિ પણ જાણે વીજ ગર્જના સાથેનો વરસાદ….
આસપાસમાં સગાં હતાં એમણે પુછ્યું કે એકદમ આ શું થયું? કોઈ સગા મરી ગયા? અંગત હતાં?
શું કહું હું?

ના… અંગત કોઈ નહોતું,
હું તો એમને ક્યારેય મળી નહોતી, ક્યારેય સાંભળ્યા પણ નહોતા. બસ શબ્દોની ઓળખાણ હતી અને બે-ત્રણ પત્રો થકી એમને પણ મારા નામ સાથેની ઓળખાણ હતી એટલું જ….

અંગતથી કંઈક વિશેષ…

અક્ષરોમાં સચવાયેલી એક યાદ…

 

અને અંતે….

પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી…જીવવું પડે છે એની સાથે!

હું માદાઓની વાત કરતી નથી, હું બુદ્ધિશાળી સ્ત્રીની વાત કરું છું. પ્રેમ કરવામાં બુદ્ધિની જરાય જરૂર પડતી નથી, ઋતુમાં આવે છે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે.

આ દુનિયા પુરુષો ચલાવે છે પણ કોઈ પુરુષના સ્વપ્નના મોડેલ રમકડા તરીકે મારી આખી જિંદગી ફેંકી દેવી એ મારા ખૂનમાં નથી. મારા સૌંદર્ય માટે કોઈ મારી ચામડીને પ્રેમ કર્યા કરે એના કરતાં મારી બુદ્ધિ, મારી પ્રગતિ માટે કોઈ મને આદર આપે એ મારો આદર્શ છે. બુદ્ધિ, શક્તિ, સત્તા… જે પુરુષની દુનિયા છે એ મારે જીતવી છે. એ જ સાચી સ્વતંત્રતા છે.

મારે પતંગિયાની સ્વતંત્રતા જોઈતી નથી, બેડરૂમમાં ઘૂસીને રેશમી ગુલાબી અન્ડરવેર પહેરીને આયના સામે નાચ્યાં કરવું એ મારી પ્રકૃતિ નથી…
(આ એમની નવલકથાના તેજાબી સંવાદો છે પણ આ વાગે અને લોહી નીકળે એવું હળાહળ સત્ય છે અને મને સૌથી પ્રિય છે.)

64 પ્રતિસાદ “જિંદગીનો એક જામ ચંદ્રકાંત બક્ષીને નામ” માટે

  1. અરે વાહ! આવી બાબતે તો બધાંયને ‘બક્ષી દેવામાં’ આવે તો કેવું?!?!?!

    મૌલીબૂન, આ લેખમાં મૌલિક અદાયેગી દેખાય છે…એટલે શબ્દો પણ ચંદ્રકાંતા બનીને ઉતરી આવ્યા છે. ગૂડ મોઓઓઓઓઓઓઓઓઓઓર્નિંગ સુરત! 🙂

  2. મૌલીબૂન! એક કામ કરને મા,,,,આ આખો લેખ જો ઓડિયો ફોર્મેટમા મૂકી શકે? અમારા હજુ નસીબ નથી ‘જાઈગા’ કે એફ.એમને કેરો સુધી પકડી શકીએ. પણ માનું કે રેડીઓની અસર આ રીતે પણ ફેલાવતા રહેવું,

    ટુ શું બોલે ની બેન?

    1. You r right Murtazabhai… jo ke mare to Surat ne Happpyyy Eveningg.. j kahevu pade chhe 🙂

    2. Sure bhaijaan…. hu aane record to kari laish, pachhi Audio format ma kya mukvu e tamare j guide karvu padshe.!

      1. તું પહેલા ઓડિયો તૈયાર તો કરીને સાઉન્ડ-ક્લાઉડ પર અપલોડ કરી લે…પછી ફક્ત એનું એમ્બેડીંગ અહીં કરવાની જરૂર છે. મારી મદદની જરૂર હોય તો પૂછી શકે છે.

  3. હરનેશ સોલંકી અવતાર
    હરનેશ સોલંકી

    આપે શ્રી બક્ષી સાહેબની યાદની ગુલાબના પાંદડા જેવી ખુશ્‍બુ ફેલાવી દીધી… પણ આપે શ્રી બક્ષી સાહેબના તમામ પુસ્‍તકોમાંથી નવા નવા શબ્‍દોનું સંશોધનનું અપ્રતિમ કામ કરેલ છે.. જેનો ઉલ્‍લેખ કર્યો હોત તો વધારે સારુ રહેત…સુપર્બ લેખ..

    1. આભાર હરનેશભાઈ.. શબ્દો વિષે ક્યારેક અલગ લખીશ.

  4. બક્ષીબાબુનો આ પત્ર , તમારી સૌથી મોટી મૂડી બની રહ્યો હશે , એમ હું માની શકું છું . . . પત્ર બાદ મુકાયેલા શબ્દોએ તો દિમાગમાં શોક અને આફ્ટરશોક અવરાવી દીધા !

    અમે તો આ કેડી હજી આરંભી જ છે . . . અને દુરથી દેખાતી દીવાદાંડી [ બક્ષીરુપી ] નું લક્ષ્ય છે 🙂

    1. હા નિરવ, તમારી વાત બિલકુલ સાચી છે. મારી સૌથી મોટી મૂડી છે એ. બક્ષી લખતા જ એવું કે દિમાગમાં શોક એબ્સોર્બર ફીટ કરીને જ વાચવુ પડે 🙂

  5. બ્રેવો! તમારા બ્લોગ સુધી દોરી લાવવા માટે નિરવનો આભાર!

  6. શબ્દો માં “ચંદ્રકાંતા” મુર્તજાભાઈ એ આપેલા એક શબ્દ માં પુરુ સમુદ્ર સમાયેલ છે ! અને સમુદ્ર નો ઘુઘવાટ તો લેખ માં સંભળાય જ છે.
    શરાબનાં નશા ની તો ખબર નથી ! પણ ચંદ્ર”બાબુ” ના શબ્દો રુપી જામ પીધા પછી ખુમારી નશો ન ચઢે તોજ નવાઈ !

    1. બિલકુલ શકીલભાઈ,

      શબ્દો માં “ચંદ્રકાંતા” એટલે મારા માટે તો બહુ મોટુ “વિશેષ”ણ કહેવાય.

      ખુમારીનો નશો મુબારક..!! 🙂

  7. મૌલિકા બહેન,
    ચંદ્રકાંત બક્ષી સાચેસાચ અદ્‌ભૂત હતા. પણ ઓશો તો અનોશો (ઋતં નો વિરુધ્ધાર્થ જેમ અનૃતં થાય છે તેમ ઓશો નું અનોશો સમજવું) જ લાગ્યા છે. visit treenetram.wordpress.com for “ચોક્ખું ઘી અને હાથી”, “સુજ્ઞજનોએ બળાપો કરવો કે નહીં”, “નિંદારસમાં રહેલો ઈશ્વર”

  8. આજે તમે કોમેન્ટ્સ નાં આપી હોત તો હું ભાગ્યેજ આ બ્લોગ પર આવ્યો હોત. પણ અહી વાઇને મજા પડી ગઈ. બક્ષી તો ગુજરાતી સાહિત્યના વનમાં બેફામ વિચરતો સિંહ હતા. એ બગાસું ખાય તો ય ચોખલિયા સાહિત્યકારોના ટાંટિયા ધ્રુજી જતા. ઓશો મારા પણ પ્રિય.. પછી બીજા બધાને વાંચવાની મજા નાં આવે તે પણ હકીકત મારો અનુભવ જ છે. મારા લેખો વાંચી ઘણા બધા મિત્રોને બક્ષીબાબુ યાદ આવી જાય છે તેવું મને કહે કે લખે તો મારી છાતી બેચાર ઇંચ ફૂલી જાય છે. મને તે બાબતનો ગર્વ થાય છે. બક્ષીબાબુના પેંગડામાં પગ નાખી ના શકાય પણ આપણા થાકી એમની યાદ આવી જાય તે પણ ઘણું કહેવાય ને?

    1. આભાર બાપુ.
      હું તો તમને વાંચતી રહુ છુ પણ અલપ-ઝલપ વાંચવાનું થાય એટલે કોમેન્ટ નથી આપી શકી. પાછુ તમારા લેખમાં કોમેન્ટ માટે ય રીસર્ચ કરવુ પડે. 🙂
      આજે તમારા બ્લોગ વિષે થોડુ લખવુ હતુ એટલે ઘણું વાંચી ગઈ.
      બક્ષી બાબુની જેમ તમારા શબ્દોમાં ય ચાબુકનો ફટકાર તો છે જ.

      1. મેં તમારા લેખની લીંક મારા ફેસબુક પર મૂકી છે. મારા ૫૦૦૦ ફ્રેન્ડ્સમાંથી મોટાભાગના બક્ષીબાબુનાં ફેન છે. એ બધાને મજા પડી ગઈ.

      2. બક્ષીજીનું ય એ ગમતુ વાક્ય હતુ.
        “જ્યાં સુધી બધુ ટકે છે ત્યાં સુધી બસ મજા પડવી જોઈએ.”

  9. બક્ષિબાબુએ જીવનને વધુ સારી રીતે જીવતા શીખવ્યું છે…હજુ આજે પણ ઘણીવાર તેમનો ખાલીપો વર્તાય છે……

    1. સાચી વાત છે હિતેનભાઈ પણ મને ખાલીપો નથી વર્તાતો કેમ કે બક્ષી વિચારોમાં રીતસરના વણાઈ જ ગયા છે, એટલે નથી એવુ માનવુ જ મુશ્કેલ છે.

  10. બક્ષીજીનો પરિચય આપવા બદલ આભાર. ફેસબુક પરથી ભમ્તી ભમ્તી અહી આવી ગૈ, દિમાગનો દરવાજો ખુલ્યો હોય એવુ લાગ્યુ . બક્ષીને વાચ્યાજ નથી નામજ સાભળ્યુ હતુ પણ હવે જરુર વાચવાજ પડશે અહીતો મને નહી મળે. ભારત જઇશ ત્યારે. નેટ્પર કોઇ લિંક હોય તો આપશો તો વાચવાની તક મળે.

    1. સ્વાગત છે આપનું.
      બક્ષીબાબુ નેટ પર ભાગ્યે જ વાંચવા મળે પણ એક લિંક આપુ છુ જ્યાં થોડી રચનાઓ વાંચવા મળશે.

      ચંન્દ્રકાંત બક્ષીની રચનાઓની સૂચિ—બઝમે વફા

    2. એક બીજી લિન્ક આપુ છુ જ્યાં બાકાયદા બક્ષી વાંચવા મળશે.
      http://bakshinama.blogspot.in/

  11. બક્ષી…. હા સાચે જ “સિર્ફ નામ હી કાફી હૈ ! ”
    થેન્ક્સ ફોર શેરીંગ :)…
    fb પરથી હાલ જ સિદ્ધો ઉડીને આવ્યો છું. એક ફ્રેન્ડે આ લેખ શેર કર્યો છે… વાહ ! “બક્ષીની ઓળખાણ” કરાવવા બદલ ફરી એક વખત આભાર

    1. ઉડીને આવનારનું ય સ્વાગત છે. 🙂

      1. અંતરના આંગણેથી... અવતાર
        અંતરના આંગણેથી…

        :)…..

  12. મૌલિકા બહેન, સાદર નમસ્તે..
    આજે Bhupendrasinh Raol,, નો આભાર માનિસ કે એમના દ્વારા આપના બ્લોગ સુધી પહોચ્યો.. દીટો એવોજ અનુભવ, ટાઈમ ના હોવા છતાં એકજ બેઠક માં લેખ પુરો કરવા સિવાય છુટકો જ નહતો….અને હા આ ફિલ્ડ માં હું તો હજી પા પા પગલી કરું છુ છતાં એક ગુજરાતી તરીકે “બક્ષીબાબુ નીઓળખાણ ની તો જરૂર જ નથી.
    કેમ કે ” બક્ષી એટલે બક્ષી,,, એ કોઈ ઓળખાણ ના મોહતાજ નથી અને હા એવોજ તમારો મિજાજ.. પણ ખુબ ગમ્યું કાશ આજ આપણા સમાજ ની દરેક સ્ત્રી આપનો બ્ગોલ વાંચતી હોત…

    બસ અત્યારે એટલુજ હજી તમારા બોલ્ગ ની સફર જારી છે,, પ્રીતીભાવ આપતો રહીશ.

    1. નમસ્તે..
      બક્ષી તો કશાના મોહતાજ નહોતા.
      સ્ત્રીઓ વાંચે તો ઘણું છે પણ અમલ કરવામાં ક્યાંક હિચકિચાય છે.
      વિચાર સ્વાતંત્ર્ય ય એટલુ જ જરૂરી છે.
      આપના સરસ પ્રતિભાવ માટે આભાર.

  13. We (Setu family) had organised a memorable function for YAADEIN BAKSHI.. in Jamnagar in 2005.
    Rivaben Bakshi had attended that function. The link is here ….

    https://www.facebook.com/media/set/?set=a.1105040480360.74143.1657204306&type=3#!/photo.php?fbid=2372271320339&set=a.11050404803gaurav_)the)60.74143.1657204306&type=3&theater

    1. જાણીને ખુશી થઈ કે બક્ષીબાબુ માટે વાંચકો ઘણું કરે છે.
      Thank you for sharing.

  14. ગ્રેટ ! બક્ષીજીની માત્ર એક જ નવલકથા વાંચી છે …”હથેળી પર બાદબાકી ” પણ તેમની સર્જનક્ષમતા સમગ્રલક્ષી પરિચય વાંચી ને તેમને વધુ વાંચવાની ઈચ્છા થઇ છે , એ ઈચ્છા આપને આભારી છે . તમારો આ લેખ વાંચીને ઘણા લોકો તેમને વાંચવા પ્રેરિત થશે. આ એક સાચી શ્રદ્ધાંજલિ છે.
    અને હા , તમારી જેમ મેં પણ ઓશોને મારી ટીન એજમાં ખુબ વાંચેલા , હજી પણ વાંચું છું ક્યારેક . મારે તો જોકે ઓશો વિરોધી વાતાવરણ મળેલું , તોય વાંચતો – ક્યારેક છુપાઈને તો ક્યારેક ખુલ્લે આમ (જે કરવું હોય તે કરો , હું તો વાંચીશ) 🙂

    1. ઈચ્છા થઈ છે એટલે હવે તો વાંચી જ કાઢજો…!!
      અફસોસ કરવા કરતા કરી લેવુ સારૂ..!

      મેં તો એક છાલક ઉડાડી છે, બાકી બક્ષી નામનાં અફાટ સાગરમાંથી તમે કેટલુ ઉલેચી શકો છો એ તમારા પર છે. 🙂

      ઓશોની વાતમાં એવુ છે કે વાંચ્યા વિના જ એમનો વિરોધ કે સમર્થન કરનારા ઘણાં છે, પણ એમનામાંથી કંઈક શીખવા વાળા ઓછા.

  15. “ચંદ્રાકાન્તા ” very nice બક્ષી ના સાહિત્ય રસિકો માટે तुम “रीवा ” हो!! મારું મેલ સરનામું આપું છું તમારું મેઈલ આપજો તો હું બક્ષી સાહિત્ય મોકલી શકુ સાહિત્ય જગતની સેવા થશે ખાસ કરીને બક્ષી ના हमबक्षीवानो के लिए તમારા આ બ્લોગ ની મુલાકાત થી બહુજ આનંદ થયો છે હ્રદય માં એ વાત ની અપાર ખુશી છે કે મારા જેવું બીજું પણ બક્ષી ચાહક છે . બક્ષીનું તમામે તમામ સાહિત્ય મેં વાંચ્યું છે બક્ષી ની ચબરખી પણ !! વિચારો પણ પચાવ્યા છે. બક્ષી મારા હમવતન હતાને પાલનપુર સોરી પાલણપુર ના!!!

  16. “ચંદ્રાકાન્તા ” very nice બક્ષી ના સાહિત્ય રસિકો માટે तुम “रीवा ” हो!! મારું મેલ સરનામું આપું છું તમારું મેઈલ આપજો તો હું બક્ષી સાહિત્ય મોકલી શકુ સાહિત્ય જગતની સેવા થશે ખાસ કરીને બક્ષી ના हमबक्षीवानो के लिए તમારા આ બ્લોગ ની મુલાકાત થી બહુજ આનંદ થયો છે હ્રદય માં એ વાત ની અપાર ખુશી છે કે મારા જેવું બીજું પણ બક્ષી ચાહક છે . બક્ષીનું તમામે તમામ સાહિત્ય મેં વાંચ્યું છે બક્ષી ની ચબરખી પણ !! વિચારો પણ પચાવ્યા છે. બક્ષી મારા હમવતન હતાને પાલનપુર સોરી પાલણપુર ના!!!

    1. બક્ષીના ચાહક અને એ ય પાલણપુરના, જાણીને વિશેષ આનંદ થયો.
      એ ખોડો લીમડો ને બક્ષીવાસ યાદ આવી ગયા! 🙂

      My mail ID is: maulika7@gmail.com

  17. અદભુત !! તમે નસીબદાર છો કે બક્ષીસાહેબે તમને પ્રત્યુત્તર વાળ્યો. અન્યથા સંવાદ કાર્યક્રમમાં નસીર ઈસમાઈલીએ જણાવ્યાં પ્રમાણે બક્ષીબાબુ લેખક તરીકેના પ્રારંભિક વર્ષોમાં જ પત્રોના જવાબો આપતાં હતાં. એ પછી કોઈને જવાબ ન આપતા હતાં. યુ આર લકી, ઈન્ડીડ ! મારી કમનસીબી છે કે મારી પાસે બક્ષીસાહેબ સાથેની સ્મૃતિનું કોઈ સુવેનિયર નથી. નાગજીભાઈ પટેલ (થરાદ)નો આભાર કે તમારા બ્લૉગની લિંક આપી… આ લેખને બક્ષીનામા બ્લૉગ પરની લિંક્સ સેક્શન મૂકી રહ્યો છું. 🙂

    1. વેલકમ નેહલભાઈ 🙂

      બક્ષીબાબુ જવાબ આપતા ન હતા એ વાત તો મારા માટે બિલકુલ ખોટી છે. કેમ કે મેં ચાર પત્રો લખ્યા હતા એમાંથી ત્રણના જવાબ તો આપ્યા જ અને એક પત્રનો ના આપી શક્યા એ માટે એમણે આ જ પત્રમાં લખ્યુ છે કે ઘર બદલવાના કારણે એમ બની શકે છે.
      આ પત્ર પણ એમના ગુજરી જવાના એક મહિના પહેલાનો જ છે.

      તમારી તો રગે-રગમાં બક્ષી છે એટલે ખુશનસીબી કહેવાય 🙂

  18. ગ્રેટ!!! આમ તો મેં બક્ષીબાબુને એટલા બધા વાંચ્યા નથી પરંતુ નેહલભાઈ ના બ્લોગ અને બીજા મિત્રો તરફ થી સતત એમના વિષે સાંભળી ને એમને વધુ વાંચવાની એક ભૂખ ઉઘડી છે। આપ ની પાસે એમના સંભારણા રૂપે એક પત્ર છે એ ખુબ જ મહત્વ ની વાત છે।
    અહી એક વેબસાઈટ મુકું છું।http://www.marktwainproject.org/homepage.html આ વેબસાઈટ પર માર્ક ટ્વૈને એમના લેખકો ને લખેલા પત્રો નો ખજાનો છે। શું આપને પણ બક્ષીબાબુ એ એમના વાંચકો ને લખેલા પત્રો એકઠા કરી ને આવી વેબસાઈટ બનાવીએ તો?

    આપના બ્લોગની મુલાકાત લઇ આનંદ થયો।

    1. આભાર આપનો.. 🙂

      ભૂખ ઉઘડી જ છે તો વાંચી જ લો એટલે અફસોસ ન રહે!

      તમારો આઈડિયા તો સરસ છે, પણ મને લાગે છે કે બક્ષીબાબુ એ લખેલા પત્રો વાંચકો પાસે ભાગ્યે જ મળે. કેમ કે મેં તો કોઈ પાસે પત્ર હોવાનુ સાંભળ્યુ નથી. પત્ર લખતા જ નહોતા એવુ વધારે સાંભળવા મળે છે. એટલે આ કામ મુશ્કેલ છે!

  19. મૌલિકાબેન,

    વે .ગુ . માં આપના બ્લોગની વિગતો મને આપના બ્લોગ સુધી લઇ આવી .

    બ્લોગમાં ભ્રમણ કરતાં તમારા લેખોમાંથી તમારી સાહિત્ય પ્રીતિ અને શબ્દ શક્તિ નો પરિચય

    મેળવીને ખુબ આનંદ થયો .

    સ્વ . બક્ષીજી ઉપરનો તમારો લેખ સરસ છે . બક્ષીજી એક તેજાબી કલમના માણસ હતા . કોઈની પણ

    બીક રાખ્યા સિવાય એ સાચી વાત કહેવામાં માહિર હતા .એમની જોઈએ એવી કદર ન થઇ એ દુખની

    વાત છે . આવા લેખક સાથે તમોએ પત્ર વિનિમય કર્યો એ એક નશીબની વાત છે . બ્લોગ મારફતે

    મળતા રહીશું .

    1. ચોક્કસ વિનોદભાઈ..
      સ્વાગતમ.. 🙂

      બક્ષીબાબુને વાંચકો તો દિલ ફાડીને ચાહતા, એથી વિશેષ કદર શુ હોઈ શકે!!

  20. પહેલી જ વખત તમારા બ્લોગ પર લટાર મારી. થેક્સ ટુ ‘વેગુ’
    આ લેખની લિન્ક અહીં આપી છે –

    ચંદ્રકાન્ત બક્ષી , Chandrakant Bakshi

    બીજા લેખો પર હવે પછી.

    1. સ્વાગત છે આપનું..

      આભાર 🙂

  21. tamari pase bakshi saheb no letter che…te j mara mate moti vaat che.. jyarthi temane vanchva start karya… tyarthi iccha hati ke kai lakhu temane…pan icha j rahi gai….but u r so lucky…..

    1. હા… શબ્દો મારી પાસે અકબંધ છે એમના.
      મેં પણ લખવાની હિંમત કરી લીધી પણ મળવાની ઈચ્છા તો બાકી જ રહી…

  22. hal Baxinama bijivar vanchi rahyo chhu….Baxibabuni yadma j mari dikrinu nam Riva rakhelu chhe….Joganujog aekvar aevu banyu ke aek mallma Riva mate kapda lai rahya hata…..mari dikri trial leva taiyar nahoti, ane dodadodi karti hati ane hu Riva, Riva..kahine tene manavto hato…Tyare Riva bahen tyan j hata…mari pase avine puchchhyu ke Riva konu nam chhe? me mari 5 varasni dikri batavi…mane kahe ke hu Riva Baxi……mare to batrise kothe diva thai gaya….ane Rivane kahyu, ke jo dikri, jena nam parthi taru nam rakhel chhe te……..

    1. આનંદની વાત છે આ તો હિતેનભાઈ, જ્યારે આ ઘટના ઘટી હશે ત્યારે કેવો માહોલ રચાયો હશે એ કલ્પી શકુ છુ.
      મેં પણ નક્કી કર્યુ હતુ કે મારી દીકરી હશે તો એનું નામ રીવા જ રાખીશ.

  23. It is strange but fact that when Mr. Bakshi was alive everybody was reading him but hardly anybody wrote about him, now most of us try to be Poor men’s Bakshi. He was genuine & wrote in what he believed. He genuinely wanted Gujaratis to change , What we are doing is exactly what he disliked & for what he wrote dozens of times, we try to project ourselves very modern & logical & in result we look ridiculous.

    1. એક લેખક તરીકે ઘણાંય બક્ષી બનવાનો ખરાબ પ્રયત્ન કરે છે પણ એક વાંચક તો હંમેશા એમનામાંથી કંઈક મેળવે જ છે.
      કોઈ ભલે કંઈ કરે કે ન કરે પણ આપણે ખુદ કંઈક મેળવી શકીએ તો એમના શબ્દો સાર્થક બને.

  24. mailika ji.
    namaste
    shri baxi sir na atla chahko jani ne khub anand thyo. bhagyej koi pustak baki hase je me n vachelu hoy. 1992 ma me emne letter lakhelo. jawan n apelo but emne vanchya pachhi mari life badlai gai. mane yad chhe e ekant ne rato ma emni naval kathao e jivant rakhyo. akar ke akashe kahyu to me ketlivar vanchi chhe. mari salam emne. ane apne pan. thanks.

    ramesh zala

    1. બક્ષીબાબુના એક ઓર ચાહકને મળીને આનંદ થયો. 🙂

      1. I READ MOST OF BOOKS WRITTEN BY CHANDRAKANT BAKSHI. PLEASE TO MEET YOU.
        TAMARO ARTICAL WELL I DO NOT HAVE WORDS AND BY PROFESSIONAL I AM TECHNICIAN. I CAN NOT WRITE ANY TOUCHY LIKE PROFESSIONAL WRITER.. I STARTED TO READ HIM BEFORE 1990. FOR ME HE IS LIKE MY TEACHER HE COMPLETELY BRAIN WASH ME. SO THANK YOU VERY MUCH.

  25. ઘણું જ સ્પર્શી જાય તેવું લખાણ. માત્ર લખાણ?? ના, વિશેષ ઘણું છે આ.. ખેર મારે પણ કંઇક આવું જ કહેવાનું છે. બક્ષી બાબુ ના મૃત્યુ સમયે મેં જે લખેલુ તે યાદ આવી ગયું. હું એમને એક જ વાર મળેલ. પત્રો મેં એમને લખેલા પણ એમનારીપ્લાયા નુ સદ્ભાગ્ય મળ્યું નથી.

    1. Thank You..
      Tame je lakhyu hatu e pan share karsho to gamshe.

  26. You post very interesting posts here. Your blog deserves
    much bigger audience. It can go viral if you give it initial boost, i know very useful tool that can help you, simply type in google:
    svetsern traffic tips

Leave a reply to Maulika જવાબ રદ કરો