Archive | મે 2013

ગુલામીથી આઝાદી સુધી…

સ્ત્રી અને ગુલામી… આ વિષય ઘણીવાર દિમાગને ઝકઝોરી નાખે છે. સદીઓથી ચાલતી આવતી ગુલામી, એક યા બીજા સ્વરૂપે ક્યાંક ને ક્યાંક હજુ ય પ્રગટતી રહે છે. એમાંય ગુલામ સ્ત્રી હોય અને પુરુષ.. આ બે પાસે વેઠ કરાવવાની પધ્ધતિમાં ય ઝમીં-આસમાન જેટલો ફર્ક છે. ઈ.સ.પૂર્વે ૭૦૦/૮૦૦ ની સાલનું ઈજિપ્ત હોય કે ઈ.સ.પૂર્વે ૪૦૦ની આસપાસનુ એથેન્સ કે પછી ૧૯મી સદીનુ જર્મની કે અત્યારનું ભારત… ગુલામી બધે જ હતી અને છે. બસ એની પરિભાષાઓ બદલાઈ છે.
આજે ય સ્ત્રી માટે સ્વતંત્રતા એટલે જાત-જાતનાં આકર્ષક નિયમોમાં સજાવી-ધજાવીને પેશ કરેલી એક પ્રકારની ગુલામી જ છે. તો પછી સ્ત્રી માટે ખરી આઝાદી કઈ હોઈ શકે?

મનમાં સતત ચાલી રહેલાં આવા વિચારોની કશ્મકશ દરમ્યાન સર્જાઈ આ વાર્તા,
જે સ્પર્ધામાં જીતને પાત્ર થઈ.

Over to Story…

ભૂખ અને તડકાથી ગ્રસ્ત અને ત્રસ્ત થયેલુ મારૂ શરીર લડખડાઈ ગયુ અને તપ્ત સુકી ધરતી પર પથ્થરો સાથે લઈને પછડાયુ. સટાક્કક… તૂટતા શરીર પર પડેલા ચાબુકના ફટકારે થોડુ સળવળી જવાયુ. ચીસ નિકળી શકે એટલી તો હામ જ ક્યાં હતી..!!! 

ઉભા થતા થતા એક્રોપોલિસની ટેકરી પર બનતા પાર્થેનનનાં મંદિર માટે પથ્થરો ઊંચકીને જતા ગુલામો પર એક સરસરી નજર ફરી ગઈ. હું પણ એમાંની જ એક હતી ને..! એથેન્સ પાસેના પેન્ટેલીકસ પહાડ પરથી તોડી લવાતા આછી પીળી ઝાંય વાળા માર્બલને જોઈ ને મને મારી પીળી આંખો યાદ આવી, ઈ.સ.પૂર્વે ૪૪૦ની આસપાસનો કોઈ સમય દર્શાવતી, થાકેલી, સુકાયેલી પણ હારેલી નહીં. એમાં હંમેશા એક મંદ મંદ આશા ઝબૂકતી રહેતી. રેતીના અફાટ વિસ્તારની પેલે પાર રહેલી આઝાદીની રાહમાં…. કદાચ પીળા પથ્થરો કરતા વધુ ખુબસૂરત હતી પણ એના જેટલી તકદીર વાળી તો નહીં જ… કેટલી માવજતથી એને પીઠ પર બાંધી લડખડાતા કદમે ય ટેકરી પર ચઢાવવા પડતા. એને જરા ઘસરકો પણ પડે તો અમારા ઘસાયેલા શરીર પર હાડકા-તોડ માર પડતો. કિંમતી હતાને… અમારી જેમ દોકડાના ભાવે નહોતા મળતા.

એથેન્સની એક્રોપોલીસ ટેકરી પર બની રહેલુ મંદિર.. દેવી એથેના બિરાજમાન થશે અંદર. શહેરની, પ્રજાની રક્ષા કરતી દેવી…દેવી સાક્ષાત નહીં એની ખુબસૂરત મૂર્તિ સ્થપાશે..!! એક બે-જાન મૂર્તિના રક્ષણ માટે અમારા જેવા અધ-મરેલા ખદબદતા લાખો ગુલામોની આહુતિ અપાશે.
કાશ… અમારા જેવા ગુલામોની રક્ષા માટે પણ એ દેવી સભાન હોત…!!! પણ.. આ પથ્થરી સ્ત્રીનો આકાર છે ફક્ત, બેજાન, સંવેદના રહિત એક આકાર માત્ર. 

આહ… ફરી પીઠ પર ફટકો વિંઝાયો, ચીસ ગળામાં જ થીજી ગઈ ને વિચારો વિંખાઈ ગયા. એક દેવી માટે આવુ વિચારવાને લીધે આ અભિશાપ હશે કે સ્વતંત્રતાનો વિચાર કરવાને લીધે?  વિચારવાનો ય ક્યાં હક હતો? ચોમેર સળવળતી કીડાઓ જેવી જિંદગીની લોહી-લુહાણ ચહલ-પહલને સુકી ભઠ આંખોથી હું જોઈ રહેતી. ચો-તરફ ચણેલી ઊંચી દિવાલો જાણે જીવતી કબરો જેવી લાગતી.

અમને ખરીદી લાવેલા શેઠિયાઓની ગુલામી કરી કરીને નિચોવાયેલી સાંજ ઢળતી ને રાતે ફરી કોઈ પુરૂષ શાસક બની શરીર પર સવાર થઈ જતો, પીંખી નાખતો એને. સુંદર, ગુલામ અને એ ય પાછુ સ્ત્રીનું શરીર, જે વેઠની સાથે સાથે ભોગનું પણ સાધન હતુ. જેનો કારમી વેઠ પછીનો ય રહ્યો સહ્યો રસ-કસ ચૂસીને પહાડો પરથી કે ખાડીઓમાં ગબડાવી દેવાતુ.
એક દિવસ મારો અંત પણ આમ જ આવવાનો હશે..!! નહીંઈઈઈ.. જિંદગી આખી કોઈ બીજાની ઈચ્છા પ્રમાણે ગુજરતી રહી છે પણ.. મૌત! મૌત તો મારી મરજી પ્રમાણે જ આવશે. શરીર…. ગુલામ તો આ શરીર છે, મન તો બેડીઓથી બંધાયેલુ નથી ને..!! એ તો બેફામ ઊડી શકે છે, ચાહે ત્યાં. મારૂ મન હંમેશા એક કલ્પનામાં ઝંખેલી આઝાદીની રાહમાં ભટકતુ રહેતુ. કોઈ એંધાણી સુધ્ધા ન આવતી બચી જવાની. સ્વપ્નામાં આવતી દેવી પણ આંખો ફેરવી લેતી.
અને… એક રાત્રે ખાડી બાજુથી ઉઠેલા તોફાનમાં મારા મને બગાવત કરી. ચૂસાઈ ગયેલા, મૃત:પ્રાય શરીરને મેં ટેકરી પરથી પડવા દીધુ. હંમેશને માટે દફન થઈ જવાની દિશામાં, મારી ખુદની મરજીથી…
સ્વતંત્રતાનો, મુક્તિનો એકમાત્ર અને અંતિમ શ્વાસ…!!!

કરકરી રેતીના કે પાણીના, ગરમ કે ઠંડા, કોણ જાણે કેટલા થર કેટલી સદીઓ મારી ઉપર છવાતા રહ્યા અને એક નવી રાત્રે ૧૯મી સદીની મધ્યે મેં કોઈ ગર્ભમાં આંખો ખોલી.
હજારો વર્ષો ઝલકી ગયા આંખોમાં… એક સખ્ત ફડક… ચાબુકના ફટકાઓ… લોહી… શૂળ…તીવ્ર વેદનાનો ઝલઝલો અને છેક પાછળ રહેલી એક બુઝાતી જતી આશાનો મંદ ચમકારો!!!
નહીં…. વિતી ગયેલુ બધુ ફરીથી તો નહીં જ, કોઈ પણ ભોગે નહીં… પણ…….

ફરીથી એક માદા શરીરમાં પ્રવેશ.
ફ્રેન્ચ ભૂમી પર સતત યુધ્ધના ભણકારાઓ વચ્ચે જિંદગીના શરૂઆતના વર્ષો ગુજરતા રહ્યા પણ, પેલી ફડકે ક્યારેય પીછો નથી છોડ્યો. કોણ જાણે કેટલી ય રાતો નિંદ વિનાની વેરણ-છેરણ ગુજરી છે. કંઈજ ભુલાયુ નથી. શરીરે વેઠ્યુ છે એનાથી વધુ તો મન પીડિત થયુ છે. આટલા ઘોર અત્યાચારો અમારા પર જ શા માટે? એક લિંગ માત્રના ફર્કને કારણે આટલી પીડા, આટલો અન્યાય!!? મન સમીકરણો માંડતુ રહેતુ. પણ નિયતી આગળ કોનું ચાલ્યુ છે?
હજુ તો જિંદગી શરૂ જ થઈ હતી ને એક ભયાનક રાત્રે જર્મન સૈનિકો જાનવરોની જેમ અમારા ઘરો પર તૂટી પડ્યા. છાતીમાં રોજ ઉઠતી પેલી ફડક એકદમ વકરી ગઈ. પલકવારમાં કેટલાય કત્લ થઈ ગયા. મૌતની છવાયેલી મુર્દની અને ઘાયલોની લહુલુહાણ ચીસો વચ્ચે યુધ્ધ કેદીઓના કેમ્પમાં અમને ઘસડી જવાયા.
કાશ એક ઘા એ શરીરના બે કટકા થઈ ગયા હોત પણ….

ફરી પેલો અભિશાપ બંધ તોડીને વરસી પડ્યો, સ્ત્રી હોવાનો….
સ્ત્રીનું શરીર કપાઈ જવા માટે નથી, બંદુકની ગોળી ખાવા માટે નથી. એ તો સજાવી, સંવારીને કે ફટકારીને ય કોઈને નજરાણાંમાં પેશ કરવા માટે છે. હંમેશા કોઈની નીચે કચડાતુ, જાણે જીવતી હાલતમાં તો હંમેશા ગુલામ રહેવા જ સર્જાયુ હોય એમ…. મારા ખુદના અસ્તિત્વ, વિચારો કે મરજીની કોઈ જ કિંમત ન હતી. બજાર ભરાયુ હતુ અહીં. હટ્ટા-કટ્ટા ગુલામોનું બજાર. પુરૂષ કેદીઓ તો કોઈ સ્ટોન ક્વોરી કે કોલસાની ખાણોમાં મજૂરી કરી ને જિંદગી ખતમ કરી નાખશે. અમારી કિસ્મતમાં તો એ ય નથી લખાયુ.
માદા શરીરોની બોલી લગાવાઈ રહી છે. આંખ, કાન, દાંત, ચામડી….. બધુ સ્પર્શી, જોઈ, ખેંચી, મસળીને કિંમત અંકાય છે એની. બદનની જવાની અને ચામડીઓના રંગો પ્રમાણે વિભાગો પડાયા. મારા બદનનું સરે-આમ લીલામ થતા હું સુર્ખ આંખે જોઈ રહી. એ સિવાય બીજુ કરી પણ શું શકતી હતી. મુઠ્ઠીઓ વાળી ભાગી છુટવાની તીવ્ર ઈચ્છા થઈ આવી પણ…
અમને કેદીઓ માટેનાં બ્રૉથલ કેમ્પમાં લઈ જવાયા. એક નાની ઓરડી અને એક પથારી…

એક કલાકમાં દસ બાર કેદીઓને ઉપરા-છાપરી ઓરડીમાં જબરદસ્તી ઘુસાડવામાં આવતા. જેલમાં એક જ કોટડીમાં સાથે રહેતા કેદીઓમાં હોમોસેક્સ્યુઆલીટી વકરે નહીં એટલે ફરજીયાત સ્ત્રી-સંગ માટે જથ્થામાં મોકલાતા આ લોકોને જોઈ હું પાગલ થઈ જતી. અસહ્ય વેદના, ગળા-ફાડ રૂદન, છુટવા માટેના મરણ તોલ તરફડિયા…. ક્યાં સુધી ટકશે આ બધુ?
કોણ બચાવશે અહીંથી મને? મારા બદનના, જાતીયતાના અભિશાપમાંથી કોણ મુક્ત કરશે મને?

કંઈ જ ના બદલાયુ. નહોતુ જ બદલાવાનુ કદાચ! એ જ ધુંધળુ આકાશ, એ જ બરડ થઈ જતી સાંજ, કચડાતી ઈચ્છાઓ, એ જ પથારી અને ફરી એ જ સવાર પડતી અને રોજ આવુ દોહરાતુ. હવે એ તરફડાટ શમી ગયો હતો. હું જડ બની ગયેલા શરીર પર શરીરો અમળાતા જોઈ રહેતી, કોઈ પણ વિરોધ વગર…

થાકી ગયેલા શરીરે તો વિરોધ કરવાનો બંધ કરી દીધો પણ મન? મન સાલ્લુ રોજ બંડ પોકારતુ.
ઉડી ઉડીને આઝાદીની દિશાઓ શોધવા મરણિયુ બનીને ચકરાવે ચઢતુ.

શુ છે આ જિંદગી? નિયતિ અને સ્વાતંત્ર વચ્ચેની રમત માત્ર!? કોણ મુક્ત કરશે આ શરીરના પિંજરમાંથી? કોશેટો માં ભરાઈ ગયેલી ઈયળ ક્યારેય આ બંધન તોડીને પતંગિયુ બની શકવાની નથી.
મોહરાઓ ગોઠવાઈ ગયા છે ને ચાલ પર ચાલ રમાય છે. દેખાડો છે આ બધો તો. બાકી સડેલી-ગળેલી હાલતમાં કમોતે મરવાનુ લખાઈ જ ગયુ છે કિસ્મતમાં.
ગુલામ છે સાલો મનુષ્ય, ઈશ્વરનો ગુલામ.
ઈશ્વર? હા..હા..હા…હા…હા… એક અટ્ટહાસ્ય.. ઈશ્વર તો મરી ગયો છે. એણે જ બનાવેલા માણસો અહીં આતંક મચાવી રહ્યા છે. એના મરી જવાના માનમાં અહીં મહેફીલો થઈ રહી છે.

એ પછી હું કોણ જાણે કેટલીય રાત્રિઓ ફાનસ લઈને ઈશ્વરને શોધવા ભટકતી રહી અને મને તાકી રહેલા બેબસ ગુલામોને જોઈને અટ્ટહાસ્યો કરતી રહી.
પાગલપનનો એ તીવ્ર દૌરો જ કદાચ મારી મુક્તિનું કારણ હતો.

અને આજે….
આજે ય હું કોઈ એક દેશમાં કોઈ એક સ્ત્રીના ખોળિયામાં છુ પણ… તદ્દન મુક્ત છુ. છાતીમાં ઉઠતી તીવ્ર ફડક હવે અદ્રશ્ય થઈ ગઈ છે હંમેશને માટે. ગુલામીનો એ અભિશાપ મારા પરથી હટી ગયો છે કદાચ…

હું ફક્ત અને ફક્ત મારી મરજી પ્રમાણે જીવુ છુ, છાતી ખોલીને, ગરદન ઉઠાવીને… મારા શરીર પર પણ મારો ખુદનો એક માત્ર અધિકાર છે.
મારો માલિક પણ અગર કોઈ થવા માંગે તો એને હું જ પસંદ કરૂ છુ.

મારૂ મન એકમાત્ર મારા લોહીઝાણ ઈતિહાસનો ગવાહ છે. હવે એ બંડ પોકારતુ નથી. આઝાદીનો શ્વાસ હવે એને રાસ આવી ગયો છે.

સમાજ મારા આ નવા શરીરને ‘વેશ્યા’ના નામથી ઓળખે છે.

Advertisements

શિક્ષણ અને સ્ત્રી …

પહેલી વાત તો મારે સ્ત્રીઓમાં શિક્ષણની કરવી છે. સ્ત્રી શિક્ષણના આંકડાઓ અને ટકાવારીઓ સતત ઉછાળે રાખવાથી શિક્ષણમાં વધારો નથી થઈ જવાનો. જેમ સમાજમાં બદલાવ લાવવો હોય તો શરૂઆત પોતાના ઘરથી જ કરવી પડે છે એમ જ છોકરીઓમાં/ સ્ત્રીઓમાં શિક્ષણનો ગ્રાફ ઉંચો જાય એ માટે શરૂઆત દીકરીના માતા-પિતાએ જ કરવી પડશે (શિક્ષણ આપવા કરતા ય આ માતા-પિતાના વિચારો બદલવા એ સૌથી અઘરૂ કામ છે). સાથે સાથે સરકાર પણ પ્રચાર પધ્ધતિમાં થોડુ મોડીફીકેશન કરે એ સખ્ત જરૂરી છે.
ફક્ત શિક્ષણના ફાયદાનો પ્રચાર કર્યા કરવાથી કંઈ ખાસ નહિ વળે અહીં, સમસ્યાના છેક મૂળમાં પહેલો સુધાર કરવો પડશે…

શિક્ષણ માટે ગમે એટલી યોજનાઓ કે સબસીડીઓ નો લાભ આપો પણ, ખરો બદલાવ ત્યારે આવશે જ્યારે યોજનાઓની સાથે સમાજની માનસિકતા બદલવાના ધરખમ પ્રયત્નો પણ કરાશે.

શહેરોમાં કદચ વર્ક-આઉટ ઓછુ કરવાનુ થાય પણ, અંતરિયાળ ગામડાઓ કે જ્યાં વિજળી, પાણી ય નથી (છાપા/પુસ્તકોની તો કલ્પના ય ક્યાંથી થાય!! ), એવા વિસ્તારોમાં શિક્ષણ કઈ રીતે પહોંચાડી શકાય એ માટેના નક્કર ઉપાયો શોધવા પડશે.

ગામડાઓમાં શિક્ષકોની સાથે સાથે એવી વ્યક્તિઓનું પણ પોસ્ટીંગ થવુ જોઈએ જે એક એક ઘરમાં ફરીને પોલિયોનાં ટીપાની જેમ શિક્ષણના ફાયદાઓનો પણ ડોઝ આપી શકે અને જરૂર પડે ત્યાં જ્ઞાન પણ.
કારણકે દીકરીઓના શિક્ષણ માટે પહેલા મા-બાપને જ્ઞાન આપવુ જરૂરી છે.

બાવા-બાપુઓ અને કથાકારો જેમ ધર્મનું જ્ઞાન બાંટે છે એમ દરેક તાલુકા મુજબ એક શિક્ષણવિદ નિમાવો જોઈએ કે જે ચોતરે ભેગા થઈ ગપ્પા-ગોષ્ઠિ કરતા ગામ લોકોને ભેગા કરીને ભણવાના, શિખવાના ફાયદાઓ રસપ્રદ અંદાજમાં બતાવે, કોમ્પ્યુટર પ્રેઝન્ટેશન દ્વારા સમજાવે. જેથી એ લોકો ગામમાં કોણે શુ ના કરવુ જોઈએ એની ચર્ચાઓમાંથી બધાએ શુ શુ કરવુ જોઈએ એની ચર્ચાઓ તરફ વળે.

આપણી સૌથી મોટી બિમારી એ જડ ઘાલી ગયેલા કુ-વિચારો અને કુ-રિવાજો છે.
અંધશ્રધ્ધાઓ અને જડ માન્યતાઓ ને વૈજ્ઞાનિક ઢબે પ્રેકટિકલી બતાવી ને સમાજમાંથી અને મગજમાંથી ય દૂર કરે એવા વૈજ્ઞાનિકની પણ સખ્ત જરૂર છે આપણે.
કેમ કે વૈજ્ઞાનિકોની ઘણી કેટેગરી છે પણ લોકોના દિમાગના ચેતાતંતુઓમાં સજ્જડ મૂળિયા પ્રસારતી અંધશ્રધ્ધાનુ વિજ્ઞાન સમજાવનારા નથી મળતા અથવા જે હોય છે એનો યોગ્ય ઉપયોગ નથી થતો.

એ સિવાય ગામે-ગામ એક સક્ષમ સ્ત્રીઓની જ ટીમ તૈયાર કરવી જે વડીલોની સમજાવટથી લઈને સજા સુધીના ગમે તે ઉપાયો કરીને ય બાળકીઓને શિક્ષિત કરી શકે.

આતો થઈ સરકારી રાહે કંઈક કરવાની વાત..!!

હવે આપણે શુ કરી શકીએ એ વિચારો.

દીકરીઓથી શુ શુ ના થાય એનુ ગોખી રાખેલુ લિસ્ટ,પરંપરાઓથી ચાલ્યા આવતા કુ-રિવાજો અને ઘર કરી ગયેલી માન્યતાઓનો બોજ જિંદગી આખી ઉપાડીને ફરવુ અને પોતાના સંતાનો પર પણ એનો બોજ ઢોળ્યા કરવો એ તો રીતસરનો એક માનસિક જુલ્મ છે.
જેનું પરિણામ આખી જિંદગી મા-બાપ અને સંતાનો ભોગવતા રહે છે.

મારી વાત નવી હવા અને નવા વિચારોવાળી પેઢી માટે નથી કેમ કે હવે તો દિકરીઓ પણ વડીલોને નવા પ્રવાહોથી પરિચિત કરાવી શકે છે અને એ લોકો ય બિલકુલ પૂર્વગ્રહો વગર શીખે છે.

હવે દોરે ત્યાં જાય એ દીકરી નથી, દીકરી દોરે ત્યાં જવાની તૈયારી રાખવી પડશે. એની સ્વતંત્ર અભિવ્યક્તિને સ્વીકારવી જ પડશે. વડીલો કે સમાજ નહીં સ્વિકારે યો ય હવે સ્ત્રીઓ બે-ઝિઝક લડીને પણ પોતાની વાત સમજાવી દેવા સક્ષમ છે.

ક્યાંક વાંચેલુ કે સ્ત્રીના ચાર ભેદ પાડવામાં આવ્યા હતા – કુમારી, સધવા, ત્યકતા અને વિધવા. આ ચાર અવસ્થાઓમાં જે સ્ત્રી ફીટ ન થઇ શકી તેને માટે વળી બીજી બે વ્યવસ્થા, એક ઉપરની અને એક નીચેની. ઉપરની અવસ્થામાં તે સ્ત્રી તપસ્વિની, સાધ્વી કે વિદુષી બને. નીચેની અવસ્થામાં જાય તો નર્તકી, ગણિકા કે વેશ્યા બને.
આ ભેદો જોઈને દિમાગ હલબલી જાય છે કે શા માટે સ્ત્રીઓને જ આવા ભેદના ચોકઠામાં ફીટ કરી દીધી છે? ઉપરની એકેય અવસ્થામાં ફીટ ના થાય એ ક્યાં જશે? આપઘાત કરશે?

નહીં…. બિલકુલ નહીં!!
આવી વ્યાખ્યાઓને અને એને ઘરમાં જ બાંધી રાખવા માટેના હજારો રિવાજોને ફેંકી દેવાનો સમય આવી ગયો છે હવે. અત્યારની એક શિક્ષિત, પગભર અને સંતુલિત દિમાગની સ્ત્રી કોઈ પણ અવસ્થાની ગુલામ નથી.
સ્વતંત્રતાના ભોગે એ કંઈ પણ કરવા તૈયાર નહીં હોય.
હવે આ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ એને સમાજે શીખવાડવાની જરૂર નથી. એ ખુદ એને વધુ સારી રીતે ડીફાઈન કરી શકે છે.

એના માટે સરકાર કે સમાજ કંઈ નહી કરે તો એણે ખુદ કંઈક કરવુ પડશે, જો ફેંકાઈ ના જવુ હોય તો…
સડેલી માન્યતાઓ અને ગલત રિવાજોના માનસિક બંધનો તોડી કાલ્પનિક ડરમાંથી મુક્ત થવુ પડશે.

સ્ત્રીની શક્તિ હવે પીંજરસ્થ નથી, એની ઉડાન માટે પૂરા વિશ્વના દ્વાર ખુલ્લા છે હવે…
ફક્ત દિશા નક્કી કરી ઉડાન ભરવાની વાર છે.

(એક મેગેઝિનમાં સ્ત્રી અને શિક્ષણ વિષે મારો એક લેખ)