Archive | જૂન 2013

થોડુ વધુ સ્ત્રી વિષે…

“ભણેલી સ્ત્રી પરમ મિત્ર રૂપે સુખદુઃખની વાતો કરવાની લહેજત વધારે છે અને દુઃખ દૂર કરે છે. એ પ્રિયા રૂપે રસભર્યુ સુખ વધારે આપ્યા કરે છે. જ્યાં કેળવણીથી સરખાપણું શોભતુ હોય છે ત્યાં જ સ્ત્રી પુરુષના મન એકબીજા સાથે મળે છે. કેળવણી પામેલુ સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતુ નથી. જેમ સ્ત્રી વિના સંસાર સૉનો છે એમ કેળવણી રહિત સ્ત્રીથી સંસાર સિંહ-વાઘના વાસા વાળુ ભયંકર રાન છે અને ભણેલી સ્ત્રી થી સંસાર રમણીય બાગ છે.” આવુ દોઢસો વર્ષ પહેલા નર્મદે કહેલું.

સ્ત્રીનું વ્યક્તિત્વ શોપીંગ, ફેશન, ગોસિપ, ઈર્ષ્યા, નેઈલ-પોલિશ, મેક-અપ, બંગડીઓ ને બિંદી કે આંસુઓમાં જ સમાઈ નથી જતુ. એથી વધીને ઘણું બધુ છે જિંદગીમાં કરવા જેવુ.

દરેક છાપા કે મેગેઝિનોમાં ય સ્ત્રી વિષયક કોલમ હોય એટલે સુંદર દેખાવા ને સારી વાનગી બનાવા માટેની  ટિપ્સની ઝિંકમઝિંક જોઈને કંટાળો ને વધુ તો ગુસ્સો આવવા લાગે છે. સ્ત્રી શબ્દ નેટ પર સર્ચ કર્યો અને અહા…. સ્ત્રીએ આકર્ષક દેખાવા અને બદનના અંગોને સુડોળ રાખવા માટે, કે પછી પાર્ટનરને વશમાં રાખવા માટે શુ શુ કરવુ જોઈએ એવી સલાહોની ભરમાર ખુલી. આ બધુ કોણ નક્કી કરશે? સ્ત્રી ખુદ કરશે કે આ માટે ય એણે લોકોની સલાહો લેવી પડશે? જો કે એ વાત અલગ છે કે ઘણીખરી સ્ત્રીઓને ખુદને પણ આમાં જ બધુ સુખ દેખાય છે. પણ…. હવે હવા બદલાઈ છે યાર.. આમાંથી બહાર નિકળો અને જુઓ અને ના જોઈ શકતા હોય એને બતાવો કે સ્ત્રીઓ આ સિવાય પણ કેટકેટલું કરે છે.

વર્ષો પહેલા ચાણક્ય ભલે કહી ગયા હોય કે સ્ત્રીઓની તાકાત તેમનુ સૌંદર્ય,યૌવન અને તેમની મીઠી વાણી છે પણ, જરૂરી નથી કે આજે ય એમ માનવુ. હરી ફરીને વાત-વાતમાં સ્ત્રીઓની બુધ્ધિ કે એના ચારિત્ર્ય વિષેની વ્યાખ્યાઓ ફેંકાતી રહે છે પણ હવે આવી વ્યાખ્યાઓ બદલવાનો સમય પાકી ગયો છે.

લિંગભેદ આખી દુનિયાની સ્ત્રીઓને લગભગ ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.

ફક્ત એક સ્ત્રી હોવાના કારણે જ એ અમુક રીતે એ પાછળ કે વંચિત રહી જાય છે.

કોર્પોરેટ વર્લ્ડ હોય કે સામાજીક પણ સ્ત્રી એ બધે જ ભેદ-ભાવનો સામનો કરવો પડે છે.

કદાચ સ્ત્રી પોતે આ ભેદ-ભાવને યોગ્ય રીતે પડકારવાથી દૂર રહેતી હશે અથવા વિરોધ સામે સરન્ડર કરતી હશે એ પણ એક કારણ છે કે આવા ભેદ હજુ ચાલતા રહ્યા છે.
સ્ત્રી અને પુરૂષ એક જ પોઝિશન પર એક જ સમયે દાખલ થયા હોય તો પણ સ્ત્રીનો પગાર પુરૂષ કરતા મોટેભાગે ઓછો જ હોય છે. પણ આનું કારણ કંપનીઓની એક માનસિકતાથી અલગ વિચારીએ તો ખુદ સ્ત્રી જ છે. મોટેભાગે એ ખુદ જ ઓછો પગાર સ્વીકારી લેતી હોય છે. સુંદરતાથી ખેડાઈ શકે એવા પ્રદેશોમાં સ્ત્રી બે-ઝિઝક જઈ શકે છે પણ બુધ્ધિથી ખેડાઈ શકે એવા પ્રદેશોમાં જતા એને ઝિઝક થાય છે. આ મુદ્દે સમાધાન ના કરીને એ અડગ રહે તો કદાચ ચિત્ર કંઈક અલગ જ ઉપસી શકે.

હમણાં હવા ચાલી છે એક ‘વાદ’ની.. ‘નારીવાદ’.

નારી શબ્દથી મને કંઈક અણગમો છે. આ શબ્દ ‘નર’ પરથી સીધો જ ઉતરી આવ્યો હશે. પણ, સ્ત્રી એ સ્વતંત્ર શબ્દ છે, એક અલગ ઓળખ બનાવે એવો.

આ વાદ એવો છે જેમાં પોતાને સામાન્ય કરતા કંઈક અલગ દેખાડવા માટે સ્ત્રી પોતે અને એ સ્ત્રીને કંઈક અલગ દેખાડવા માટે પુરૂષો પોતપોતાના ઝંડા લઈને કુદી પડે છે.

સ્ત્રીને પહેલો પ્રેફરન્સ આપો. સ્ત્રીને અલગ ઓળખ આપો. સ્ત્રી ને અલગ સ્થાન આપો. અનામત આપો વિ..વિ….

અરે આ અનામત પ્રથાનો જ સજ્જડ વિરોધ થવો જોઈએ. કેમ કે મને એ જ નથી સમજાતુ કે સ્ત્રીને અમુક ટકા જ અનામત શા માટે? દેશમાં દરેક જગ્યાએ સ્ત્રી અને પુરૂષનો એક સમાન હક હોવો જોઈએ, ૫૦ – ૫૦ ટકા.

બિઝનેસ કે નોકરી કરતી સ્ત્રીને વર્કિંગ વુમન કહેવાય છે પણ, સ્ત્રી બહાર કામ કરે કે ના કરે વર્કિંગ વુમન તો પહેલેથી જ છે. હવે તો એને ડબલ વર્કિંગ વુમન કહેવી જોઈએ. કેમ કે એની બિઝનેસ કે જોબની સાથે સાથે ઘર અને બાળકોને સંભાળવાની જવાબદારી તો હજુ લગભગ એટલી જ છે. એમાં પુરૂષોએ ભાગ પડાવ્યો નથી હજુ. હજુ પણ પુરુષોને પત્ની તો સુંદર અને ગોરી ચામડીની જ જોઈએ છે. બુધ્ધિ ખપતી નથી એમને. હા, પ્રેમિકા હોય તો પાછી બુધ્ધિશાળી જોઈએ. પત્ની તો કહ્યાગરી જ હોવી જોઈએ, કોઈ દલીલ ના કરે એવી.

સ્ત્રી એ નોકરી પછી ઘરે આવીને ટીવી ઓન કરી, સોફા પર પગ ચડાવીને ચા-કોફીની ફરમાઈશ નથી કરવાની, બલ્કે એણે રીલેક્ષ પણ થયા વિના રસોડે જોતરાવાનું છે. સાસુ-સસરાનું, બાળકોનું નાનુ-મોટુ કામ પતાવવાનું છે. અનાજ-મસાલાની સિઝન હોય કે પછી કોઈ સામાજીક વ્યવહારો હોય. કોઈ માંદગીના બિછાને હોય કે બચ્ચાઓની સ્કૂલમાં એક્ટિવિટિઝ હોય આ બધામાં જેટલી મહેનત સ્ત્રી કરે છે એમાંનુ કંઈ પણ ભાગ્યે જ પુરૂષના ભાગે આવે છે.
વહેંચણી હંમેશા સમાન રીતે થવી જોઈએ એ નિયમાનુસાર ચાલીશુ તો આવી ઘણી સમસ્યાઓના અંત પણ ઝડપથી આવશે.

આ માટેના દરેક કદમ ઉઠાવવાની શરૂઆત સ્ત્રીએ જ કરવી પડશે.
પોતાના દીકરાઓને ઘરના ય દરેક કામ શીખવાડવા પડશે. છોકરાથી આ ના કરાય અને છોકરીઓએ આ બધુ જ કરવુ પડે એવી માનસિકતાના ફેલાવમાં ય સ્ત્રીનો જ મોટો ફાળો છે. છોકરો સાવરણી પકડે તો તરત જ કહેવાઈ જાય છે કે તુ રહેવા દે. શા માટે પણ? આ બધુ હવે મગજ બહાર ફેંકવુ પડશે. તમારા દીકરાઓને ય નાનપણથી જ દીકરીની જેમ બધા જ કામ શીખવાડો. ત્યારથી જ એના વિચારોનું આ રીતે કંડીશનીંગ ના કરો કે પુરૂષ આ કામ ના કરે. દીકરી કરી શકે તો દીકરો કેમ ના કરી શકે?

પત્ની થોડા દિવસ માટે ઘરથી બહાર ના જઈ શકે. શા માટે? પતિને જમવામાં બહુ તકલીફ પડે.
દીકરાઓને રસોઈ પણ શીખવાડો કે જેથી એમણે આખી જિંદગી જમવા માટે પત્ની પર આધારીત ના રહેવુ પડે.
કેમ કે હવેનો યુગ એવો નહીં આવે કે જે અત્યાર સુધી ચાલતુ રહ્યુ છે. હવેની પત્ની ૧૦-૧૫ દિવસના કોઈ ક્લાસીસ માટે, પ્રવાસ માટે, ટ્રેકિંગ કે ટ્રેનીંગ માટે કે પછી બિઝનેસ માટે બહાર જશે તો ઘર, બાળકો કે ઘરડા માતા-પિતાને પતિદેવે સંભાળતા શીખી લેવુ જ પડશે.

દીકરીને પહેલેથી જ પારકી માની લેવાનો રિવાજ છે અને જ્યાં પરણે છે એ ઘર માટે તો પારકી જ હોય છે. જ્યાં સુધી પ્રેમથી બન્ને પક્ષે ચાલે છે ત્યાં સુધી તો વાંધો નથી આવતો. પણ જ્યારે સાસરા પક્ષમાં કંઈક તકલીફ થાય છે ત્યારે ના-છુટકે સ્ત્રી એ જ સમાધાન કરવુ પડે છે. કેમ કે પિયરમાં એ પારકી છે હવે અને સાસરે એને પોતાની ગણવા તૈયાર ના હોય ત્યારે એણે શુ કરવુ? યક્ષ પ્રશ્ન છે આ. આવે વખતે સમાજ પણ સાથ નથી આપતો. સરવાળે એ ખુદ એક પણ બાજુની નથી રહેતી. હા, એકલી સ્ત્રીને નબળી ગણનાર મદદગારો તૈયાર જ બેઠા હોય છે. પણ, આવુ કંઈ બને ત્યારે જો સ્ત્રી સ્વતંત્ર અને પગભર હોય તો એ ટટ્ટાર ગરદને સમાજ વચ્ચે જીવી શકે છે, લોલુપ નજરોને બેધડક તમાચો મારીને ય…

અંતે… ખરા અર્થમાં સમાનતા લાવવા માટે સડેલી, જર્જરિત માનસિકતાઓમાંથી બહાર નીકળીને સ્ત્રી એ ખુદ મક્કમ કદમે એ દિશામાં આગળ વધવા માટે પ્રતિબધ્ધ થવુ પડશે.

(Article for Woman’s World)

Advertisements