વો પાંચ દિન…

દિવાળીના પાંચ દિવસ…

વર્ષોથી કદાચ આપણે એક જ રીતે ઊજવતા આવ્યા છે. 

ધન તેરસ એટલે ધનની અને ધન્વન્તરીની પૂજા, લક્ષ્મી પૂજા, દાગીનાઓની પૂજા..

કાળીચૌદસ… કાળ રાત્રિ, હનુમાન ચાલીસા, ભૈરવ ઉપાસના, શક્રાદય સ્તુતિ, યંત્ર પૂજન અને કકળાટ ઘરમાંથી ઉસેટી ચાર રસ્તે કાઢી આવવો. 

દિવાળી… ચોપડા પૂજન,  નવા કપડાં, મિઠાઈની અને ફરસાણની દુકાનોમાં લાઈનો, ફટફટતા ફટાકડાં, દીવડાંઓ જે પછી મીણબત્તીઓનો કે પછી રંગીન કાચના ગોળાઓનો ઝગમગાટ.

નૂતન (બેસતું) વર્ષ…  નવા ઉગતા વર્ષનો પ્રથમ દિવસ, વિક્રમ સંવત અને વીર સંવતની શરૂઆત, રંગોળી ને મંદિરોમાં પડાપડી, મઠિયા, સુંવાળી ને ઘુઘરા… શરબતો, સરભરા અને સાલમુબારક…

ભાઈ બીજ… ભાઈને ભાવભર્યું ભોજન, સુખના આશિર્વાદ અને સંબંધોની મંગલકામના..

celebration

જો કે, મારા એ પાંચ દિવસ અલગ અને અલગારી તરીકાના વિચારમાં વીતે..!

ધન તેરસે લક્ષ્મી જેવી મા અને વિષ્ણુ જેવા પપ્પાનું પૂજન થવું જોઈએ. સાચી લક્ષ્મી કે ધન કઈ રીતે મળે એ એમણે શીખવ્યું. એ આવ્યા પછી એને પચાવવાનું અને ચાલ્યા જાય ત્યારે જીરવવાનું ય એમણે શીખવ્યું.
આભાસી ચળકાટને કંકુ-ચોખા ચડાવવા કરતાં અંતરને પ્રકાશમય કર્યું છે એમને મસ્તક નમાવવું ગમે છે મને.

કાળી ચૌદસમાં આ કકળાટ કાઢવાની વાત મારા મગજમાં ક્યારેય નથી બેઠી.
કકળાટ કાઢીને થોડી મિનીટોમાં કકળતા લોકોને જોયા છે તો આમ પાણી ફેરવી ચાર રસ્તે ક્યારેય કંઈ કાઢવા ના જતા લોકોને આખું વર્ષ આનંદથી રહેતાય જોયા છે.
એ દિવસે ગામમાં આંટો દેવા નિકળીએ તો વડાની જ્યાફત ઉડાવતા પ્રાણીઓ અને વાહનો વચ્ચે અટવાતી માટલીઓ થી ભરેલી ચોકડીઓ જોવાની મૌજ તો આવે બાકી.
કકળાટ તો બારે મહિના ઘરની બહાર જ રાખવાની ચીજ છે અને ઘુસી પણ જાય તો એને કાઢવા કાળી ચૌદસોની રાહ જોવાની જરૂર નથી, એને આપણા સ્વભાવમાંથી જ વિદાય આપી દેવાય.

દિવાળીનો દિવસ હોય એટલે મિઠાઈની મૌજ તો કરી જ લેવાની.
જાત-ભાતની સ્વીટ્સ ખરીદવા દુકાનોની લાઈનોમાં અઠંગ તપસ્વીની જેમ ઊભા રહેવા કરતા મને તો મમ્મીના હાથનો શીરો ખાવાની મજ્જા મજ્જા આવે.
આખુંય ઘર રંગબિરંગી કૃત્રિમ રોશનીના ઝગમગાટથી ચળકતું જોવા કરતા ક્યાંક કોઈ એકાદ ટમટમતું તેલ વાળું કોડિયું જોવું મને વધારે ગમે.
ફટાકડાઓની રંગીનીઓથી ભરચક આકાશ અને ધૂમધડાકા અને ધુમાડાથી ભરચક રાત જોવાના બદલે મને ત્યારેય ચાંદ વિનાનું પણ તારાઓથી, ગ્રહો, નક્ષત્રોથી ઝગમગતું આકાશ જોવું વધારે ગમે છે.

નવું વર્ષ…
મંદિરોમાં ભગવાન પાસે આવનારા વર્ષ માટે સુખ, શાંતિ, સમૃધ્ધિ જેવું બધું માંગી લેવાની કોઈ ખ્વાહિશ નથી.
જેના થકી સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ મળે છે એમની સાથે મન ભરીને સમય વિતાવવો, એમની ખુશીની વિશ રાખવી, એમને સુખી રાખવા નાનો અમથોય પ્રયત્ન કરવો વધારે પસંદ છે.
હોઠ પર પ્લાસ્ટિકીયા સ્મિત ચઢાવી કહેવાતા સંબંધીઓનો વહેવાર સાચવવા નિકળી પડવા કરતા સાચા સ્નેહીઓને વગર મળ્યે દૂરથીય બે શબ્દ પણ દિલથી કહેવામાં આનંદ આવે છે.

ભાઈ બીજ..
ભોજન તો એક બાય-પ્રોડક્ટ બની જાય બાકી બધાંય ભાઈ-બહેનો ટોળે વળે, ધમાલ-મસ્તી, મહિનાઓથી ના મળ્યાનો અફસોસ તો ક્યાંય ભૂલાઈ જાય અને એ મહિનાઓ કેમ વિત્યા, શું જાણ્યું, માણ્યું અને જીવ્યુંની અનેકાનેક વાતો છેડાય.
મનોમન એકબીજાની ખુશીઓની, પ્રગતીની દુઆઓ થઈ જાય.

અને અંતે ફરીથી જલ્દી નહીં મળાય એવી જાણ હોવા છતાં જલ્દી મળીશું એવી ધરપત આપીને પોતપોતાના માળાઓ તરફ પ્રયાણ થાય..

આ પાંચ જ દિવસ.. પણ જાણે આખું વર્ષ આ દિવસો આંખોમાં સોનેરી ઉજાસ બની છવાયેલા રહે, હ્રદયમાં મસ્તીના ગીત બની ધબકતા રહે અને મનમાં સતરંગી સ્મરણ બની ઊડાઊડ કરી મુકે.

છેલ્લે મારે તો એટલું જ કહેવુ કે…

તહેવાર તો એક બહાનું છે બાકી સંબંધોમાં ક્યાં કોઈ રસમ હોવી જોઈએ,
તારા અને મારા હ્રદયમાં ફક્ત પ્રેમની બારમાસી મોસમ હોવી જોઈએ..!

(Article for Magazine – Aras paras)

ટાર્ગેટ

સાવ નાના નાના બાળકોને જ્યારે ધમાલ-મસ્તી ને બદલે ગોખણ પટ્ટી કરતા જોઉ ત્યારે દેશની શિક્ષણ પધ્ધતિને ભાંડવાના બદલે  મને માતા-પિતાની હંમેશા દયા આવી છે.

બાળકોને ઝડપથી બધુંય શીખવી નાખવા માટે હરખપદુડાં થતા મા-બાપ શું ગુમાવી રહ્યાં છે એની એમને ખબર પણ નથી રહેતી.

એ બાળકોની વેદનાને, ઝંખનાને શબ્દસ્થ કરવાનો એક પ્રયત્ન કર્યો છે આ વાર્તામાં….

Over To Story…

એના જન્મની સાથે જ બીજું ઘણું બધું જન્મ્યું હતુ, જેમકે, મા-બાપની અધુરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી થવાના અરમાનો, નવા નવા સપનાઓ, સમાજને કંઈક દેખાડી આપવાની ભાવનાઓ, કંઈક બનાવી નાખવાની તીવ્ર ઈચ્છાઓ, બધે જ એને અવ્વલ લાવી દેવાના ઉધામાઓ…

એ કોને ખબર રહી કે આ બધું મા-બાપના મનમાં ઉગવાની સાથે જ એની આંખોમાં કંઈક આથમવાની શરૂઆત થઈ ચુકી હતી.

એ જેમ જેમ મોટો થતો જતો એમ એમ એના સુ-લક્ષણોને બઢી-ચઢીને લોકો સામે પેશ કરવામાં આવતા. 

હજુ તો એ ઊંધા પડીને ગુલાંટ ખાવાનો આનંદ લેવા માંગતો હતો ત્યાં તો એની આંગળી પકડીને ઝડપથી ચાલતો કરી નાખવાના પૂરજોશમાં પ્રયાસો થતા. 
(જમાનો બહુ ફાસ્ટ છે યુ નો?)

વધુ “ભેળ પુરી” પર…

 http://www.bhelpoori.com/2013/10/24/target/

વિચારો, શબ્દો અને પરિવર્તન…

વિચારો…!!!

આપણી જિંદગી નો એક સર્વ સામાન્ય ભાગ કે જેના વિના આપણે જિંદગી ની કલ્પના પણ ન કરી શકીએ.

આ કલ્પના પણ એ એક વિચાર જ છે ને…

વિચારો આપણા જન્મ જાતથી જ સાથે હોય છે અને જ્યાં સુધી આપણે હયાત રહેવાના ત્યાં સુધી તે આપણો સાથ છોડવાનો નથી. આથી  વિચારો આપણા ખાસ મિત્રો કે અંગતો કે તેનાથી પણ વધુ હોય છે.

વિચારો આપણા મગજ માં ચાલ્યા જ કરે છે, પછી ભલે એ કોઈ પણ અવસ્થામા હોય સિવાય કે ધ્યાન (એવુ સાંભળેલુ).

આપણા વિચારો પરથી જ આપણું વ્યક્તિવ અંકાય છે. 

આથી જેવા વિચારો આપણે કરીશું કે મેળવીશું તેવા જ આપણે થઈશું. 

આમ તો વિચારો ઘણાં પ્રકાર ના હોય છે. પણ સામાન્ય રીતે હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો ..પણ હમણાં તો મારે હકારાત્મક વિચારો વિષે જ વિચારવું છે કેમકે, જેવા આપણા વિચારો તેવા જ તો આપણે થઈશું ને..!

 હકારાત્મક વિચારો મા એક એવી આવડત,કૌશલ્ય કે શક્તિ હોય છે કે તે નકારાત્મક વિચારો પર આક્રમણ કરીને તેને હટાવવાની કે  ભગાડવાની કોશીશ કરે છે…પણ તેના માટે પણ વ્યક્તિમાં ખાસ પ્રકારનુ કૌશલ્ય હોવુ જોઈએ કે હકારાત્મક વિચારો નકારાત્મક વિચારો પર હાવી થઈ શકે.

આમ તો આપણા વિચારો આપણને ઊચ્ચ સ્થાન ઊપર બેસાડે છે. અને તેજ વિચારો આપણ ને સાવ છેલ્લી ક્વોલીટીના સ્થાન પર લાવી મુકે છે.

હકારાત્મક વિચારો દ્વારા આપણે આપણું ભાવિ સુધારી શકીએ છે. 

એક સામાન્ય ઉદાહરણ..જો આપણામાં લખવાનું કૌશલ્ય હોય પણ આપણા નકારાત્મક વિચારો જેવા કે આપણે આ નહીં કરી શકીએ,આપણુ આ કામ નહિ, આપણને એવો ટાઇમ રહે નહી,લખાણ કાર્ય જેવી તેવી વ્યક્તિનુ કામ નહી …આવા વિચારો આપણને આગળ વધવા દેશે નહી..તેથી તેનો ત્યાગ કરીને હકારાત્મક વલણ અપનાવવુ જોઈએ. અને  તે ક્ષેત્ર મા ઓછામાં ઓછું પ્રયત્ન તો કરી જ લેવો જોઈએ.

એક મારી બહુ ગમતી વાતઃ

 નસીબમાં તો પહેલેથી જ લખાઈ ગયું છે તો પ્રયત્નો કરવાથી શું મળશે?

 શું ખબર નસીબમાં એમ લખ્યું હોય કે પ્રયત્ન કરવાથી જ મળશે!!!!

 

વેલ…

આ ઉપરના શબ્દો મારા નથી.
૧૯ વર્ષનો પોરબંદરનો એક દોસ્ત – અનિલ, https://www.facebook.com/anil.mulchandani.39
જેને મેં તો હજુ જોયો પણ નથી અને એણે આજ સુધી આ રીતે કંઈ જ લખ્યું નથી.. અરે,  લખવાનો વિચાર સુધ્ધા નહોતો કર્યો એણે વાત વાતમાં આ લખીને મને મોકલ્યું ત્યારે જે ખુશી થઈ હતી એને શબ્દો ઓછા પડે એટલે ગમતાનો ગુલાલ કરી જ નાખ્યો.

 

ક્યારેક એમ થાય કે બોલાયેલા કે લખાયેલા શબ્દો ક્યાંય પહોંચ્યા વિનાજ ખોવાઈ જાય છે તો ક્યારેક શબ્દો ઈતિહાસ બદલી નાખે છે અને…. ક્યારેક સામાન્ય વાતચીતમાં બોલાયેલા ચંદ શબ્દો આમ કોઈને હકારાત્મકતા તરફ પણ વાળી શકે છે… પરિવર્તન માટે એક તણખોય કાફી છે ને!

હોય નાની નાની વાતો પણ એની ખુશીઓ કેવડી મોટી હોય નહીં? 

 

કોઈ રોકો ના… દિવાને કો…!

કિશોરકુમાર…

મનમાં ઘણાં બધા ગીત તો એક સાથે ઝગમગ ઝગમગ કરતા નિકળે અને એ જ ક્ષણે એમનો મનમૌજી ચહેરો પણ આંખ સામે આવ્યા વિના રહે નહીં.

img_0120

સમજ આવી ત્યારથી લઈને આજ સુધી એમનો અવાજ આસપાસમાં સતત મંડરાતો રહે છે કોઈ પણ સમયે… 
જ્યારે ગીતમાં રહેલા ભાવની સમજ નહોતી ત્યારથી સાંભળતી આવી છું એટલે કંઈક વધારે જ લગાવ હતો કિશોર’દા માટે અને સમજ પડવા માંડી ત્યાર પછી તો એ વધતો ને વધતો જ ગયો.
કિશોર’દા ગાતા હોય ત્યારે માત્ર અવાજ જ નિકળે એમ નહીં પણ એમનું આખું શરીર, મન તરંગિત થઈને શબ્દમય થઈને ડોલતા હોય એમ લાગે.
એમના વિશે ઘણી વાતો સાંભળવા મળે.. સાચી ખોટી એ તો કોણ જાણે!! એ તો ખુદ કિશોરદા ય નહીં જાણતા હોય. પણ એક વાત ખરી કે તેઓ એકદમ ધૂની માણસ. મન પડે એમ જ કરે. કોઈને પણ બેધડક કંઈ પણ કહી દે.
આવું ધૂનીપણું, તરંગીપણું કદાચ કલાકાર માટે જરુરી હશે નહીં? બહુ વ્યવસ્થિત, ચોક્ક્સ કે હિસાબી માણસ કલાકાર કઈ રીતે બની જ શકે!!!

ખેર…
અંગત જીવનમાં કોઈ ગમે એવું હોય એનાથી આપણને બહુ ફર્ક ના પડવો જોઈએ. મારે તો વાત કરવી છે કે કિશોરદા એ મને શું આપ્યું છે.

જ્યારે સંગીત જીવનનો એક ભાગ હોઈ શકે છે એવું ગંભીરતાથી સમજાયું ૧૦મા ધોરણની પરીક્ષામાં.
આમ તો પરીક્ષાના આગલા દિવસે જ વાંચવાની આદત પણ આ તો બોર્ડ કહેવાય હોં.. જિંદગીનો બધોય આધાર જાણે આ બોર્ડ પર જ ટિંગાયો હોય એવો હાઉ ચો-તરફ પ્રસરેલો હોય પછી બંદા આગાઉથી ના વાંચે તો વાંચવા બેસવા માટેના માનસિક બળાત્કારો થાય એના કરતા થોડું થોડુંય વાંચી લેવું એ વિચારે વાંચતી હોઈશ કદાચ.
હવે સાવ આમ વાંચવાનું ગમે નહીં એટલે પેલી એન્ટીક થઈ ગયેલી રીલ વાળી ટેપ (કેસેટ પ્લેયર ને અમે તો ટેપ જ કહેતા!) વગાડવી શરુ કરી વાંચતી વખતે અને એમાં કેસેટ કિશોરકુમારની જ વગાડવાની. કેમ? કારણ ત્યારે એટલું જ હોવું જોઈએ કે પપ્પા અને કાકાને બહુ ગમે છે એટલે આપણને ય ગમવું જ જોઈએ વળી!!
પણ પછી એવી આદત થઈ ગઈ કે કિશોરદા ના વાગે તો વાંચવામાં મન ના લાગે. ભલે ધ્યાન વાંચવામાં હોય પણ એમનો અવાજ તો કાનમાં જવો જ જોઈએ.
હવે બોર્ડમાં આવ્યા ૮૦ ટકા અને એ ય વિથાઉટ કાપલીઓ… આ તો બળતામાં ઘી હોમાયું. નક્કી સંગીત મન પર અસર કરતું જ હોવું જોઈએ નહીં તો ગીતો સાંભળી સાંભળી આટલા ટકા કેમ આવે!!! (એ સમયનો વિચાર!)
પછી તો ગમતા ગીતો, ગમતો અવાજ અને ગમતા સંગીત માટેનો લગાવ વધતો જ રહ્યો છે.
જિંદગીની ઘણા બધા પ્રસંગોમાં ચડતી, પડતી, સુખ, દુઃખ, આનંદ, વેદનામાં કિશોરદા સાથે રહ્યા છે એમ કહી શકું.

મન ખુશહાલ હોય.. પંખી બની આનંદથી હવાઓમાં ઊડતું હોય ત્યારે રોક્યું ના રોકાય ને ગાય .. ‘ કોઈ રોકો ના.. દિવાને કો. મન મચલ રહા… કુછ ગાને કો…

વિનાયાસ હોઠ પર આવે – રોમ રોમ બહે સુરધારા, અંગ અંગ બજે શહનાઈ. જીવન સારા મિલા એક પલમેં, જાને કૈસી ઘડી યે આઈ..નાચે મન આજ મોરા છૂમ છનન.. આજ મદહોશ હુઆ જાયે રે..
મન થાય એ કરી જ લેવું.. રોકાવું શું કામ..!!

ખુબસુરત પ્રકૃતિ વિખરાયેલી હોય ચારે તરફ ત્યારે એક ઘડી તો નિઃશબ્દ થઈ જવાય પણ પછી તો ઊભરાઈ જતી ખુશીઓ પર કાબુ કઈ રીતે રહે!!
શબ્દો તો જાણે સૂરો પર સવાર થઈને નિકળે..
યે મસ્તી કે નઝારેં હૈ તો ઐસેમેં સંભલના કૈસા મેરી કસમ..
જો લહરાતી ડગરીયાં હો તો ફિર ક્યું ના ચલું મે બહકા બહકા રે..!

જિંદગી ના ધારેલી દિશાઓમાં લઈ જતી હોય, કંઈ સમજાતું ના હોય કે શું થઈ રહ્યુ છે. અસંતોષ વધી રહ્યો હોય જિંદગીથી, ત્યારે જો યાદ આવે.. જિંદગી એક સફર હૈ સુહાના. યહાં કલ ક્યા હો કિસને જાના…
કે પછી ગાવાનું મન થાય – થોડા હૈ થોડેકી ઝરુરત હૈ.. ઝિંદગી ફિર ભી યહાં ખૂબસુરત હૈ… અને મનમાં ઊડે આનંદની છોળ. ચલો ભી યાર.. થોડું ઘણું છે પણ જે કંઈ છે એ મજાનું છે.

પછડાવાનું થાય બૂરી રીતે ક્યારેક, હારી કે થાકી ગયા હોય એમ લાગે કે પછી જિંદગીની એકાદ થપાટ પડે ને હલબલી જવાય ત્યારે..
સાથી ન કારવાં હૈ.. યે તેરા ઈમ્તિહાં હૈ, યું હી ચલા ચલ દિલકે સહારે.. મંઝિલ કરતી હૈ તુજકો ઈશારે.. રુક જાના નહીં તુ કભી હાર કે.. ગીત જ્યારે જીવનના ઘોડાની લગામ હાથમાં લઈ લે ને જાણે બધી ય ફિક્ર ધુંઆમાં ઉડી જાય પલકવારમાં..

વિચારોની બુલંદી સાથે બીજું ગીત છેડે મન – જીના હૈ તો પ્યારે.. તું લડના ઝિંદગીસે, આંધી હો યા તુફાં.. ના ડરના તુ કિસીસે. જગ મેં તુ આગે હી બઢના, પીછે કદમ કભી કરના નહીં.જીવન મેં તું ડરના નહીં, સર નીચા કભી કરના નહીં.. હિંમતવાલેકો મરના નહીં…
અને મુશ્કેલીઓને લાત મારીને આગળ નિકળી જવાના ખયાલો ઘુમરાવા લાગે દિમાગમાં.

જીવન સે ભરી તેરી આંખે… જીવવા માટે મજબૂર કરી જાય તો પ્યાલો કોઈના નામનો પી ને ઝુમવાનું મન થાય જય જય શિવ શંકર સાંભળીને…

આ ઝુમવાની વાત પર તો પેલા ગીતની મારી બહુ ગમતી પંક્તિઓ યાદ આવી..
નશે મેં કૌન નહીં હૈ મુઝે બતાઓ ઝરા.. કિસે હૈ હોશ મેરે સામને તો લાઓ ઝરા..
નશા હૈ સબમેં મગર રંગ નશેકા હૈ જુદા!
ખીલી ખીલી હુઈ સુબહ પે હૈ શબનમકા નશા, હવા પે ખૂશ્બુકા બાદલ પે હૈ રિમઝિમકા નશા.
કહીં સુરૂર હૈ ખુશીયોં કા, કહીં ગમકા નશા.
નશા શરાબમેં હોતા તો નાચતી બોતલ.. મયકદે ઝુમતે પૈમાનોમેં હોતી હલચલ..
નશે મેં કૌન નહીં હૈ મુઝે બતાઓ ઝરા..

અહા… નશા..નશા..નશા.. વગર શરાબે કેટલો રંગરંગી નશો ભર્યો છે જિંદગીમાં.. દસેય દિશાઓમાં..સૂરજ, ચાંદ, આકાશ, તડકો, વરસાદ, પવન, ફૂલોમાં..!!

પ્રેમની નાવ ડગમગતી લાગે ત્યારે બે વિકલ્પ હોઠ પર આવે .. 🙂
મંઝિલો પે આ કે રુકતે હૈ દિલો કે કારવાં.. કશ્તિયાં સાહિલ પે અક્સર ડુબતી હૈ પ્યાર કી.. ગાઈને ગમમાં ડુબવું?
કે પછી – મેરે પ્યાર કી નૈયા બીચ ભંવરમેં ગુડ ગુડ ગોતે ખાયે.. તું ઝટપટ પાર લગા દે ગાઈને હંકારી જવું સડસડાટ…!

મનની ગાડી મસ્તીના પાટે દોડતી હોય ત્યારે શબ્દોના પાટા પરથી લપસી પડવાનું મન થાય ને મન ગાય – હમ થે વો થી.. વો થી હમ થે..
હમ થે વો થી ઔર સમા રંગીન.. સમઝ ગયે ના!!
તારા રા રા રા રા.. જાતે થે જાપાન પહુંચ ગયે ચીન.. સમઝ ગયે ના!!

ના સમજાય તો કહી દેવાનું – જા રે જા રે કારે કાગા.. કા કા કા ક્યું શોર મચાયે! 🙂

આંખોમાં આંખ મિલાવી કહેવી હોય કોઈ વાત તો યાદ આવે – આપકી આંખોમેં કુછ મહેંકે હુએ સે રાઝ હૈ.. આપ સે ભી ખૂબસુરત આપકે અંદાઝ હૈ.
કોઈ આંખોમાં મળે જો જિંદગીનો જરા સરખો અંશ તો છેડાય આ ધૂન – જીવન સે ભરી તેરી આંખે.. મજબૂર કરે જીનેકે લિયે.

ગમતા વ્યક્તિના હાથમાં હોય હાથ ને ગમતી જગ્યાએ ગમતો સમય ગુજારવાનો હોય ત્યારે મનને આ ગીત ગાતું કેમ રોકી શકાય!!
ક્યા મૌસમ હૈ એ દિવાને દિલ.. અરે ચલ કહીં દૂર નિકલ જાયેં.. કોઈ હમદમ હૈ ચાહત કે કાબિલ.. તો કિસ લિયે હમ સંભલ જાયેં..
અને શા માટે સંભાળવું.. ચાર કદમ ચાલીને ખોવાઈ ના જવું!!

ઢળતી સાંજના રંગો આકાશે ફેલાતા હોય ને સ્મરણો સળવળે એ શબ્દ બનીને બહાર આવે – વો શામ કુછ અજીબ થી, યે શામ ભી અજીબ હૈ..
વો કલ ભી પાસ પાસ થી, વો આજ ભી કરીબ હૈ..
કેવો અજબ શાંત સૂરમઈ માહોલ ઘેરી વળ્યો હોય ને આંખોમાં એની આપણી માટેના ખયાલો વાંચી શકાતા હોય.. આપણું નામ એના હોઠો પર મુસ્કાન બનીને બહાર આવતું હોય એ વિચાર જ કેવો સંગીતમય છે નહીં…!!

એમાં ય જો ઊગતી રાત અને કોઈ નદીના પ્રવાહ સંગ વહેતા સંગીતની સંગત હોય ત્યારે હળવેકથી સૂર છેડાય – જાગતી ઝિલકે સાહિલ પે કહીં.. લે કે હાથોમેં કોઈ સાઝ-એ હસીં.. એક રંગીન ગઝલ ગાતે હુએ.. ખુદ પે ઈતરાતે હુએ, ખુદ પે શરમાતે હુએ.. ચાંદની રાતમેં એક બાર તુઝે દેખા હૈ…
આંખ બંધ કરીને આવી કલ્પના તો કરી જો જો.. સંગીતની પ્યારભરી રંગીનીયતમાં ડૂબીને તરબતર ના થાય મન તો કહેજો..!

આવી જ કોઈ ચાંદની રાતે દિલ પાસેથી દાસ્તાન-એ જિંદગી સાંભળવાનું મન કરે ત્યારે ગાઈ ઉઠે –
ઠંડી હવા યે ચાંદની સુહાની.. અય મેરે દિલ સુના કોઈ કહાની,
લંબી સી એક ડગર હૈ ઝિંદગાની.. અય મેરે દિલ સુના કોઈ કહાની..
સારે હસીં નઝારે સપનોમેં ખો ગયે.. સર રખકે આસમાં પે તારે ભી સો ગયે…
મેરે દિલ તુ સુના એક ઐસી દાસ્તાં.. જિસકો સુનકર મિલે ચૈન મુઝે મેરી જાન..!
અજબ ચૈનની લહેર હળવેકથી ફૂંકાઈને પસાર થઈ જશે પાસેથી..

તુમ્હે યે ઝિદ થી કે હમ બુલાતે, હમેં યે ઉમ્મીદ વો પુકારે.. હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન.. આવાઝ મેં પડ ગઈ દરારે..
હઝાર રાહેં મુડ કે દેખી.. કહીં સે કોઈ સદા ન આઈ..
એકાંતમાં આ ગીત ગુનગુનાવીને દર્દ ભર્યો માહોલ સર્જવામાં મજા તો છે પણ તિરાડો પડી જાય અને ઉમ્મીદ છુટતી જાય એ પહેલા જિદ છોડીને પ્રિયજન ને બોલાવી જ લેજો.

આવી જ કોઈ ઉદાસી ભરી મોસમ ઘેરી વળી હોય ને દિલને ક્યાંય ચેન ના પડતું હોય ત્યારે મનને કહેવું હોય છે કે –
દુઃખી મન મેરે સુન મેરા કહેના.. જહાં નહીં ચૈના વહાં નહીં રેહના..

અહીં નથી જ રહેવું કરીને પગ બીજી દિશામાં ઉપડે ને મન ગાતું જાય – શામ તન્હાઈ કી હૈ, આયેગી મંઝિલ કૈસે.. જો મુઝે રાહ દિખાયેં વો હી તારા ન રહા..!

ઉદાસીની વાત જિંદગી સુધી પહોંચી જાય અને સ્સાલું આપણું અસ્તિત્વ ય સાવ અજાણ્યું લાગે એક ક્ષણ તો – બડી સુની સુની હૈ.. ઝિંદગી યે ઝિંદગી. મેં ખુદ સે હું યહાં અજનબી અજનબી ગાઈને સુકૂન મેળવી લેવાનો જરા તરા…

બે ઘડી તો ગાળો બોલવાનું મન થાય જિંદગીને.. પણ ઉદાસીનો ય ઊત્સવ ઊજવી લેવાની વાત યાદ આવે ત્યારે બેફિકરા અંદાજમાં ગવાઈ જાય – કભી બેકસીને મારા, કભી બેબસીને મારા.. ગિલા મૌત સે નહીં હૈ.. મુઝે ઝિંદગીને મારા..
મારવી હોય એટલી થપાટો મારી લે એ જિંદગી.. તો ય અમે તો મસ્ત ફકિર બનીને ગાઈ જ લેવાના…

પૈસા પાછળ ભાગતા જમાનાને જોઈને બે-ચાર સૂરોમાં સંભળાવી દેવી હોય ત્યારે ગાઈ લેવાનું – પ્રેમ દેખા પ્યાર દેખા, યારી દેખી યાર દેખા..
દિલ કે આર-પાર દેખા, યે સારા સંસાર દેખા..
ઉપર-નીચે, અંદર-બાહર, દૂર-પાસ મૌસમ હૈ એક જૈસા..
પૈસા યે પૈસા.. પૈસા હૈ કૈસા..નહીં કોઈ ઐસા..!!!

વળી આવા લોકોને બે-ચાર સલાહો પણ આપી દેવાની કે – ગુણી જનો, ભક્ત જનો..
હરીનામ સે નાતા રે જોડો ભ’ઈ, માયા સે મુંહ મોડો રે..
જગત નારાયણકી જય જય બોલો બોલો.. નગદ નારાયણકો છોડો રે..!!
જય ગોવિંદમ જય ગોપાલમ..

અને આવી બધી ઝંઝટમાં ના પડવું હોય તો ભાડમાં જાય બધુંય.. આવી દુનિયા, માણસો કે વિચારોને તડકે મુકી ગાઓ – ચાહે કોઈ ખુશ હો ચાહે ગાલિયાં હઝાર દે.. અરે મસ્તરામ બનકે ઝિંદગી કે દિન ગુઝાર દે..

ખેર…
આ તો એક ઝલક છે. થોડું કહેવાયું અને ઘણું બાકી રહ્યું. જીવાશે, કહેવાશે, નિઃશબ્દ પણ થઈ જવાશે.. પણ કોઈ ને કોઈ ધૂન છેડાતી રહેશે મનની વાદીઓમાં..!

તુમ ભી ચલો.. હમ ભી ચલે.. ચલતી રહે ઝિંદગી!
ના ઝમીં મંઝિલ ના આસમાં, ઝિંદગી હૈ.. ઝિંદગી…

બહતેં ચલેં હમ મસ્તી કે ધારોં મેં.. ગૂંજે યહી ધૂન સદા દિલકે તારોમેં!
અબ રુકે ના કહીં પ્યારકા કારવાં.. નિત નઈ રુત કે રંગમેં.. ઢલતી રહે ઝિંદગી…..

આવી જ એક ૧૩ ઓક્ટોબરે કિશોરદા પસાર થઈ ગયા આપણી વચ્ચેથી પણ પાછળ છોડતા ગયા શબ્દો અને સંગીતમાં ઘોળેલો એમનો એ પહાડી અવાજ, જે ગુંજતો રહેશે આપણી આસપાસ હવાઓમાં અને મહેસુસ કરાવતો રહેશે આ ગીતોને.. સ્પર્શ, સંવેદનાઓમાં, વેદનાઓમાં… આંખોમાં, યાદોમાં.. કોઈ મસ્તીભરી સવારોમાં, ભીંજવી નાખતી સાંજોમા કે પછી કોઈ ભીગી ભાગી રાતોમાં…

ઓહ વરસાદ!!!

વરસાદની મોસમ…

મનરંગી, તનરંગી, મિજાજરંગી મોસમ.
બદન સાથે મનનેય તરબતર કરી દેતી મોસમ.
ખુશ્બૂ ની મોસમ, તરંગો ની મોસમ,ચાર હાથ મળે જ્યાં એ  પ્રસંગો ની મોસમ.

મોસમ જ એવી છે ને કે અનાયાસ જ કવિતા સુઝી આવે. બાલ્કનીમાં ઉભા ઉભા વરસતાં આકાશનાં એક ટુકડાંને જોવા માટે મેં ચશ્મા ચડાવ્યાં.  રેલિંગ પર બાઝેલાં ટીપાંઓ પર નજર અટકી ગઈ થોડી ક્ષણો માટે તો.. અને તરત જ એક વિચાર ઝલક્યો કે, આ બાઝીને ધીમે ધીમે ટપકતાં રહેતાં ટીપાંઓ અત્યારેય રક્તમાં રોમાંચની લહર દોડાવી શકે છે મતલબ કે આ બુઢા શરીરમાંય સંવેદનાઓ હજું જીવી રહી છે.

વરસાદી મૌસમ….. બાળપણ, જવાની અને બુઢાપામાં કેવા સંવેદનો જગાવે છે એને શબ્દસ્થ કરતી મારી એક વાર્તા “ભેળપુરી” પર

http://www.bhelpoori.com/2013/07/19/its-raining/

ગઝલના રસ-રંગ

“રદિફ, કાફિયા, છંદ ફાવી ગયા
ગઝલમાં હજુ એવી ફાવટ નથી”

આમ તો મનેય કવિતા, ગઝલ કે પછી એના રદિફ, કાફિયા કે છંદમાંય ફાવટ નથી પણ એક સંવેદનશીલ મનુષ્યની હેસિયતથી આ કેફિયત સમજવાની કોશિષ કરી રહી છું.

એટલે હેમંત પુણેકરની આ ખૂબસુરત ગઝલના રંગોને વિસ્તારવાની એક કોશિષ કરી છે. 

વેબગુર્જરી પર –  http://webgurjari.in/2013/06/29/rasdarshan-7/

થોડુ વધુ સ્ત્રી વિષે…

“ભણેલી સ્ત્રી પરમ મિત્ર રૂપે સુખદુઃખની વાતો કરવાની લહેજત વધારે છે અને દુઃખ દૂર કરે છે. એ પ્રિયા રૂપે રસભર્યુ સુખ વધારે આપ્યા કરે છે. જ્યાં કેળવણીથી સરખાપણું શોભતુ હોય છે ત્યાં જ સ્ત્રી પુરુષના મન એકબીજા સાથે મળે છે. કેળવણી પામેલુ સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતુ નથી. જેમ સ્ત્રી વિના સંસાર સૉનો છે એમ કેળવણી રહિત સ્ત્રીથી સંસાર સિંહ-વાઘના વાસા વાળુ ભયંકર રાન છે અને ભણેલી સ્ત્રી થી સંસાર રમણીય બાગ છે.” આવુ દોઢસો વર્ષ પહેલા નર્મદે કહેલું.

સ્ત્રીનું વ્યક્તિત્વ શોપીંગ, ફેશન, ગોસિપ, ઈર્ષ્યા, નેઈલ-પોલિશ, મેક-અપ, બંગડીઓ ને બિંદી કે આંસુઓમાં જ સમાઈ નથી જતુ. એથી વધીને ઘણું બધુ છે જિંદગીમાં કરવા જેવુ.

દરેક છાપા કે મેગેઝિનોમાં ય સ્ત્રી વિષયક કોલમ હોય એટલે સુંદર દેખાવા ને સારી વાનગી બનાવા માટેની  ટિપ્સની ઝિંકમઝિંક જોઈને કંટાળો ને વધુ તો ગુસ્સો આવવા લાગે છે. સ્ત્રી શબ્દ નેટ પર સર્ચ કર્યો અને અહા…. સ્ત્રીએ આકર્ષક દેખાવા અને બદનના અંગોને સુડોળ રાખવા માટે, કે પછી પાર્ટનરને વશમાં રાખવા માટે શુ શુ કરવુ જોઈએ એવી સલાહોની ભરમાર ખુલી. આ બધુ કોણ નક્કી કરશે? સ્ત્રી ખુદ કરશે કે આ માટે ય એણે લોકોની સલાહો લેવી પડશે? જો કે એ વાત અલગ છે કે ઘણીખરી સ્ત્રીઓને ખુદને પણ આમાં જ બધુ સુખ દેખાય છે. પણ…. હવે હવા બદલાઈ છે યાર.. આમાંથી બહાર નિકળો અને જુઓ અને ના જોઈ શકતા હોય એને બતાવો કે સ્ત્રીઓ આ સિવાય પણ કેટકેટલું કરે છે.

વર્ષો પહેલા ચાણક્ય ભલે કહી ગયા હોય કે સ્ત્રીઓની તાકાત તેમનુ સૌંદર્ય,યૌવન અને તેમની મીઠી વાણી છે પણ, જરૂરી નથી કે આજે ય એમ માનવુ. હરી ફરીને વાત-વાતમાં સ્ત્રીઓની બુધ્ધિ કે એના ચારિત્ર્ય વિષેની વ્યાખ્યાઓ ફેંકાતી રહે છે પણ હવે આવી વ્યાખ્યાઓ બદલવાનો સમય પાકી ગયો છે.

લિંગભેદ આખી દુનિયાની સ્ત્રીઓને લગભગ ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.

ફક્ત એક સ્ત્રી હોવાના કારણે જ એ અમુક રીતે એ પાછળ કે વંચિત રહી જાય છે.

કોર્પોરેટ વર્લ્ડ હોય કે સામાજીક પણ સ્ત્રી એ બધે જ ભેદ-ભાવનો સામનો કરવો પડે છે.

કદાચ સ્ત્રી પોતે આ ભેદ-ભાવને યોગ્ય રીતે પડકારવાથી દૂર રહેતી હશે અથવા વિરોધ સામે સરન્ડર કરતી હશે એ પણ એક કારણ છે કે આવા ભેદ હજુ ચાલતા રહ્યા છે.
સ્ત્રી અને પુરૂષ એક જ પોઝિશન પર એક જ સમયે દાખલ થયા હોય તો પણ સ્ત્રીનો પગાર પુરૂષ કરતા મોટેભાગે ઓછો જ હોય છે. પણ આનું કારણ કંપનીઓની એક માનસિકતાથી અલગ વિચારીએ તો ખુદ સ્ત્રી જ છે. મોટેભાગે એ ખુદ જ ઓછો પગાર સ્વીકારી લેતી હોય છે. સુંદરતાથી ખેડાઈ શકે એવા પ્રદેશોમાં સ્ત્રી બે-ઝિઝક જઈ શકે છે પણ બુધ્ધિથી ખેડાઈ શકે એવા પ્રદેશોમાં જતા એને ઝિઝક થાય છે. આ મુદ્દે સમાધાન ના કરીને એ અડગ રહે તો કદાચ ચિત્ર કંઈક અલગ જ ઉપસી શકે.

હમણાં હવા ચાલી છે એક ‘વાદ’ની.. ‘નારીવાદ’.

નારી શબ્દથી મને કંઈક અણગમો છે. આ શબ્દ ‘નર’ પરથી સીધો જ ઉતરી આવ્યો હશે. પણ, સ્ત્રી એ સ્વતંત્ર શબ્દ છે, એક અલગ ઓળખ બનાવે એવો.

આ વાદ એવો છે જેમાં પોતાને સામાન્ય કરતા કંઈક અલગ દેખાડવા માટે સ્ત્રી પોતે અને એ સ્ત્રીને કંઈક અલગ દેખાડવા માટે પુરૂષો પોતપોતાના ઝંડા લઈને કુદી પડે છે.

સ્ત્રીને પહેલો પ્રેફરન્સ આપો. સ્ત્રીને અલગ ઓળખ આપો. સ્ત્રી ને અલગ સ્થાન આપો. અનામત આપો વિ..વિ….

અરે આ અનામત પ્રથાનો જ સજ્જડ વિરોધ થવો જોઈએ. કેમ કે મને એ જ નથી સમજાતુ કે સ્ત્રીને અમુક ટકા જ અનામત શા માટે? દેશમાં દરેક જગ્યાએ સ્ત્રી અને પુરૂષનો એક સમાન હક હોવો જોઈએ, ૫૦ – ૫૦ ટકા.

બિઝનેસ કે નોકરી કરતી સ્ત્રીને વર્કિંગ વુમન કહેવાય છે પણ, સ્ત્રી બહાર કામ કરે કે ના કરે વર્કિંગ વુમન તો પહેલેથી જ છે. હવે તો એને ડબલ વર્કિંગ વુમન કહેવી જોઈએ. કેમ કે એની બિઝનેસ કે જોબની સાથે સાથે ઘર અને બાળકોને સંભાળવાની જવાબદારી તો હજુ લગભગ એટલી જ છે. એમાં પુરૂષોએ ભાગ પડાવ્યો નથી હજુ. હજુ પણ પુરુષોને પત્ની તો સુંદર અને ગોરી ચામડીની જ જોઈએ છે. બુધ્ધિ ખપતી નથી એમને. હા, પ્રેમિકા હોય તો પાછી બુધ્ધિશાળી જોઈએ. પત્ની તો કહ્યાગરી જ હોવી જોઈએ, કોઈ દલીલ ના કરે એવી.

સ્ત્રી એ નોકરી પછી ઘરે આવીને ટીવી ઓન કરી, સોફા પર પગ ચડાવીને ચા-કોફીની ફરમાઈશ નથી કરવાની, બલ્કે એણે રીલેક્ષ પણ થયા વિના રસોડે જોતરાવાનું છે. સાસુ-સસરાનું, બાળકોનું નાનુ-મોટુ કામ પતાવવાનું છે. અનાજ-મસાલાની સિઝન હોય કે પછી કોઈ સામાજીક વ્યવહારો હોય. કોઈ માંદગીના બિછાને હોય કે બચ્ચાઓની સ્કૂલમાં એક્ટિવિટિઝ હોય આ બધામાં જેટલી મહેનત સ્ત્રી કરે છે એમાંનુ કંઈ પણ ભાગ્યે જ પુરૂષના ભાગે આવે છે.
વહેંચણી હંમેશા સમાન રીતે થવી જોઈએ એ નિયમાનુસાર ચાલીશુ તો આવી ઘણી સમસ્યાઓના અંત પણ ઝડપથી આવશે.

આ માટેના દરેક કદમ ઉઠાવવાની શરૂઆત સ્ત્રીએ જ કરવી પડશે.
પોતાના દીકરાઓને ઘરના ય દરેક કામ શીખવાડવા પડશે. છોકરાથી આ ના કરાય અને છોકરીઓએ આ બધુ જ કરવુ પડે એવી માનસિકતાના ફેલાવમાં ય સ્ત્રીનો જ મોટો ફાળો છે. છોકરો સાવરણી પકડે તો તરત જ કહેવાઈ જાય છે કે તુ રહેવા દે. શા માટે પણ? આ બધુ હવે મગજ બહાર ફેંકવુ પડશે. તમારા દીકરાઓને ય નાનપણથી જ દીકરીની જેમ બધા જ કામ શીખવાડો. ત્યારથી જ એના વિચારોનું આ રીતે કંડીશનીંગ ના કરો કે પુરૂષ આ કામ ના કરે. દીકરી કરી શકે તો દીકરો કેમ ના કરી શકે?

પત્ની થોડા દિવસ માટે ઘરથી બહાર ના જઈ શકે. શા માટે? પતિને જમવામાં બહુ તકલીફ પડે.
દીકરાઓને રસોઈ પણ શીખવાડો કે જેથી એમણે આખી જિંદગી જમવા માટે પત્ની પર આધારીત ના રહેવુ પડે.
કેમ કે હવેનો યુગ એવો નહીં આવે કે જે અત્યાર સુધી ચાલતુ રહ્યુ છે. હવેની પત્ની ૧૦-૧૫ દિવસના કોઈ ક્લાસીસ માટે, પ્રવાસ માટે, ટ્રેકિંગ કે ટ્રેનીંગ માટે કે પછી બિઝનેસ માટે બહાર જશે તો ઘર, બાળકો કે ઘરડા માતા-પિતાને પતિદેવે સંભાળતા શીખી લેવુ જ પડશે.

દીકરીને પહેલેથી જ પારકી માની લેવાનો રિવાજ છે અને જ્યાં પરણે છે એ ઘર માટે તો પારકી જ હોય છે. જ્યાં સુધી પ્રેમથી બન્ને પક્ષે ચાલે છે ત્યાં સુધી તો વાંધો નથી આવતો. પણ જ્યારે સાસરા પક્ષમાં કંઈક તકલીફ થાય છે ત્યારે ના-છુટકે સ્ત્રી એ જ સમાધાન કરવુ પડે છે. કેમ કે પિયરમાં એ પારકી છે હવે અને સાસરે એને પોતાની ગણવા તૈયાર ના હોય ત્યારે એણે શુ કરવુ? યક્ષ પ્રશ્ન છે આ. આવે વખતે સમાજ પણ સાથ નથી આપતો. સરવાળે એ ખુદ એક પણ બાજુની નથી રહેતી. હા, એકલી સ્ત્રીને નબળી ગણનાર મદદગારો તૈયાર જ બેઠા હોય છે. પણ, આવુ કંઈ બને ત્યારે જો સ્ત્રી સ્વતંત્ર અને પગભર હોય તો એ ટટ્ટાર ગરદને સમાજ વચ્ચે જીવી શકે છે, લોલુપ નજરોને બેધડક તમાચો મારીને ય…

અંતે… ખરા અર્થમાં સમાનતા લાવવા માટે સડેલી, જર્જરિત માનસિકતાઓમાંથી બહાર નીકળીને સ્ત્રી એ ખુદ મક્કમ કદમે એ દિશામાં આગળ વધવા માટે પ્રતિબધ્ધ થવુ પડશે.

(Article for Woman’s World)